Sports

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 50 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (ટીએનસીએ)એ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની સીરિઝની બીજી ટેસ્ટમાં એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવાની મંજૂરી આપી દીધી છે. ટીનએસીએના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે પીટીઆઇને માહિતી આપી હતી કે મીડિયાને પણ સ્ટેડિયમના પ્રેસ બોક્સમાંથી બંને ટેસ્ટ મેચનું ક્વરેજ કરવાની મંજૂરી આપવામાં આવશે.

કોવિડ-19ની નવી ગાઇડલાઇન જાહેર થયા પછી આ મુદ્દે ટીએનસીએના સભ્યો વચ્ચે ચર્ચા થઇ હતી. ટીએનસીએ અને બીસીસીઆઇ અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. નવી ગાઇડલાઇનમાં રમત સ્થળોએ પ્રેક્ષકોના પ્રવેશને મંજૂરીની જોગવાઇ છે. ટીએનસીએના એક અધિકારીએ કહ્યું હતું કે રમત સ્થળો બાબતે કોવિડ-19 સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇનમાં પ્રેક્ષકોને મંજૂરી મળતા અને રાજ્ય સરકારે રવિવારે એસઓપી જાહેર કર્યા પછી અમે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં પ્રેક્ષકોને હાજર રહેવાની મંજૂરી આપવા સંબંધે ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે બીસીસીઆઇ અને ટીએનસીએ દ્વારા તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને બીજી ટેસ્ટ માટે 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની ક્ષમતા 50,000ની છે. સીરિઝની પહેલી ટેસ્ટ શુક્રવાર તા. 5 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે.

અમદાવાદમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે પ્રેક્ષકોના પ્રવેશને પહેલાથી જ મંજૂરી અપાઇ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નવ નિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ દરમિયાન પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા સંબંધે પહેલાથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાબતે એવું પણ કહેવાયું છે કે આ સ્ટેડિયમની ક્ષમતા એક લાખથી વધુ પ્રેક્ષકોની છે, જે 50 ટકા ભરવા મામલે નિર્ણય લેવાયો છે.

મીડિયાને સ્ટેડિયમમાં પ્રવેશ પણ પ્રેસ કોન્ફરન્સ હજુ પણ ઓનલાઇન જ થશે
ચેન્નાઇ ખાતે રમાનારી બંને ટેસ્ટ દરમિયાન મીડિયાને એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમના પ્રેસ બોક્સમાં બેસીને ટેસ્ટ મેચનું કવરેજ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે મેચ પહેલા કે મેચ દરમિયાન રમત પૂર્ણ થયા પછી યોજાતી પ્રેસ કોન્ફરન્સ હજુ પણ ઓનલાઇન જ યોજાશે. આ બાબતે જો કે ચોક્કસ કોઇ કારણ જાહેર કરાયું નથી.

50 ટકા પ્રેક્ષકો માટેની વ્યવસ્થા ગોઠવવા માટે અમે આશ્વસ્ત : ટીએનસીએ
ટીએનસીએના એક અધિકારીએ કહ્યું હતું કે પહેલી ટેસ્ટથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવા બાબતે ઘણો ઓછો સમય હતો. અધિકારીએ કહ્યું હતું કે પહેલી અને બીજી ટેસ્ટ વચ્ચે માત્ર ત્રણ દિવસનું અંતર છે પણ ટીએનસીએ સ્ટેડિયમમાં 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા બાબતે આશ્વસ્ત છીએ. બીજી ટેસ્ટ દરમિયાન પ્રેક્ષકોની સુરક્ષાના માપદંડને ધ્યાને લેતા વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

પ્રેક્ષકોને હાજર રાખવાના અનુમાનો પર અમે કોઇ ટીપ્પણી કરવા માગતા નથી : ઇસીબી પ્રવક્તા
ચેન્નાઇ ખાતે રમાનારી બીજી ટેસ્ટથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા સંબંધી નિર્ણય લેવાયો હોવાના અહેવાલો વચ્ચે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના પ્રવક્તાએ એવું નિવેદન કર્યું હતું કે અમે અનુમાન પર કોઈ ટિપ્પણી કરવા માગતા નથી. અમે હજુ પણ આગામી ટેસ્ટ શ્રેણીના પ્રોટોકોલની દૃષ્ટિએ બીસીસીઆઈ પાસેથી સાંભળવાની રાહ જોઈ રહ્યા છીએ. એ ઉલ્લેખનીય છે કે ઇસીબીએ તમામ મેચ બંધ બારણે રમાડવામાં આવે તેવી બીસીસીઆઇને વિનંતી કરી છે. ઇસીબીના પ્રવક્તાએ કહ્યું હતું કે બીસીસીઆઇ સાથે સત્તાવાર સંવાદ થયા પછી જ આ બાબતે અમે કોઇ ટીપ્પણી કરી શકીશું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top