Charchapatra

યોજનાઓના અમલીકરણમાં નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે?

શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, લોકો માટે વિવિધ યોજનાઓ બનાવે છે અને  તેનો લાભ લોકો સુધી પહોચાડે છે.આ યોજનાઓ કરોડો રૂપિયાની હોય છે. સરકાર જે નાણાંનો  ઉપયોગ આ યોજનાઓ માટે કરે છે. તે લોકાના ટેક્સના પૈસા છે. લોકો ટેક્સ ભરે છે તેની સામે સરકાર પણ સામે યોજનાઓના રૂપમાં ભેટ આપે છે. પણ આપણે અખબારોમાં કે ટી.વી. ચેનલોમાં સરકારી યોજનાઓનાં કામ ખોરંભે ગઈ હોય અથવા કામમાં ગેરરીતિ થઈ હોય કે પછી કામ ગુણવત્તા વિનાનું કર્યું હોય તેવા સમાચારો વાંચ્યા કે જોયા છે. પંચમહાલ જિલ્લાનું ઉદાહરણ લઈએ. અહીં સરકારની નલ સે જલ યોજના અમલી કરવામાં આવી હતી.

ગ્રામીણોને ઘર આંગણે પીવાનું પાણી મળે તે હેતુ આ યોજનામાં સાર્થક થતો હતો પણ મૂળ વાત ગ્રાઉન્ડ રિપોર્ટ પર જઈએ તો પરિસ્થિતિ કંઈ અલગ છે. ઘણાં ગામડાંઓમાં પાણી પહોંચ્યું નથી.પાઈપો જમીનમાં દાબી દેવામાં આવી છે.સ્ટેન્ડ પોસ્ટ તૂટેલા છે. તો પાણીની ટાંકી બનાવી તો દીધી છે પણ પાણી આવ્યું નથી.હવે આને માટે જવાબદાર કોણ? આ સરકારી નાણાંનો બગાડ જ કહેવાય. આ માત્ર એક યોજનાની વાત નથી, ઘણી યોજનાઓ હશે તેમાં આવી સમસ્યાઓ હશે. મૂળ વાત એ છે સરકાર જે પૈસા ખર્ચે તો તેનો ઉપયોગ યોગ્ય થવો જોઈએ.તેનો લાભ લાભાર્થીઓને મળવો જોઈએ.
શહેરા     – વિજયસિંહ સોલંકી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનાજ અને આજીવિકા
થોડા દિવસો પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્રને ફટકાર લગાવી કે ૮૧ કરોડ ગરીબોને ક્યાં સુધી નિઃશુલ્ક અનાજ આપતાં રહેશો? આજીવિકાના અવસર કેમ નથી આપતા? ઉપસ્થિત પ્રશ્ન તો વાજબી છે પણ જજ સાહેબ જાતે સંજ્ઞાન લઈ ઈ. સ. ૨૦૨૦માં કોરોનાકાળમાં સ્થળાંતરિત શ્રમિકોની દશા અંગે કેસ શરૂ કર્યો હતો. તે વખતે એમની ચિંતા હતી, હવે કેમ તેમની ચિંતા નથી?  વળી, નિઃશુલ્ક અનાજ આપવું અને સ્કૂટી, ટી.વી., લેપટોપ, ટેબલેટ આપવાં અલગ છે. ગરીબોને અનાજ અપાય છે પણ કરદાતાઓને નહીં. જજ સાહેબ આવું પણ બોલ્યા છે. પણ જીએસટી જેવા પરોક્ષ વેરાના લીધે હવે ગરીબો વેરા નથી ભરતા તેમ ન કહી શકાય.

જો ન્યાયમૂર્તિઓએ બધાને ૨૦૦ યુનિટ વીજળી અને પાણી મફત આપવાની કેજરીવાલની યોજનાઓ કે ગરીબ હોય કે ધનિક, બધા જ વર્ગની મહિલાઓ બસમાં મફત મુસાફરી કરી શકે તેની સામે પણ પ્રશ્ન ઉઠાવી કેજરીવાલ સરકાર, સૉરી આતિશી મારલેના સરકાર સામે અને આવી દરેક સરકાર સામે નૉટિસ કાઢી હોત તો સમજાત.  અહીં દેખીતી રીતે ટાર્ગેટ ગરીબો છે અને ગરીબો દ્વારા સરકાર વિરુદ્ધ પ્રયાસો છતાં મોદી સરકાર કે તેના નામે યોગી, ફડણવીસ કે ભૂપેન્દ્ર પટેલ સરકાર ચૂંટણીમાં જીતતી હોય તો એક કારણ આ નિઃશુલ્ક અનાજ છે. જો તે ન અપાતું હોત તો ચૂંટણી હારજીત બાજુએ મૂકીએ પણ રોટી રમખાણ અવશ્ય થયાં હોત.
બારડોલી – કેદાર રાજપૂત આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top