Comments

સિરિયામાંથી સરમુખત્યારશાહ તો ભાગી છૂટ્યો પણ સમૃદ્ધિ અને સલામતીનું શાસન તો હજુ જોજનો દૂર છે

સિરિયામાં હમણાં સત્તાપલટો થયો. દાયકાઓ સુધી સરમુખત્યારીનું શાસન ચલાવનાર અસદ ભાગીને રશિયા પહોંચી ગયો. મોટા ભાગના સરમુખત્યારો અત્યાચારની સીમાઓ જાણતા જ નથી હોતા. એણે અનેકને જેલભેગા કર્યા. એ જેલમાં નંખાયેલ કેટલાય ગુમ થઈ ગયા અને બાકીનાઓએ અસહ્ય યાતનાઓ ભોગવી. જેવો પ્રમુખે દેશ છોડ્યો, એ સિરિયાના અમુક ભાગ પર તો, વહેતી ગંગામાં હાથ ધોવાના ભાગરૂપે ઇઝરાયલે કબજો પણ કરી લીધો. ઇઝરાયલ આવી તક છોડે ખરું?

સિરિયામાં સરમુખત્યારશાહી દરમિયાનમાં ૬૦ લાખ જેટલાં લોકોએ હિજરત કરી છે. ૨૦૨૪માં સિરિયામાંથી હિજરત કરી ગયેલા શરણાર્થીઓમાંથી સૌથી વધારે તુર્કીમાં છે, ત્યાર બાદ લેબેનોન, જર્મની, જોર્ડન અને ઇરાકમાં છે. જેવું સિરિયામાં સરમુખત્યારશાહનું શાસન તૂટ્યાના સમાચાર મળતાં જ જર્મનીએ સિરિયન શરણાર્થીઓને પ્રવેશ આપવાનું બંધ કરી દીધું. બીજા કેટલા દેશો આવું કરશે તે ખબર નથી પણ આમ થવાને કારણે સિરિયન શરણાર્થીઓ એક બાજુ દરિયો અને બીજી બાજુ ઊંડી ખાઈ જેવી સ્થિતિમાં મુકાશે. એમના દુઃખના દિવસો પૂરા થયા હોય એવું માનવાને કોઈ જ કારણ નથી.

સિરિયામાં જુદાં જુદાં આતંકી જૂથો વચ્ચે હવે સત્તા મેળવવાની પ્રવૃત્તિ લોહિયાળ જંગનું સ્વરૂપ લે તો જરાય નવાઈ પામવા જેવું નહીં હોય. ૮ ડિસેમ્બરે જુદાં જુદાં મુક્તિદળો દમાસ્કસમાં પ્રવેશ્યાં અને તત્કાલીન પ્રમુખ બશર અલ-અસદના ૨૪ વર્ષના શાસનનો અંત આવ્યો. સિરિયામાં આ કુટુંબનું શાસન તો ૫૦ વર્ષ રહ્યું. ૧૩ વર્ષના યુદ્ધને અંતે દમાસ્કસ પડ્યું, જે દરમિયાનમાં લાખો સિરિયન નાગરિકો ત્યાંથી સ્થળાંતર કરી આજુબાજુના દેશોમાં અથવા સિરિયામાં અન્યત્ર ભાગી છૂટ્યાં હતાં. અસદ સામેનો બળવો ૨૦૧૧માં શરૂ થયો એ વખતે સિરિયાની વસતી લગભગ ૨.૧ કરોડ હતી. ત્યાર પછીનાં વર્ષોમાં લગભગ ૫ લાખ લોકો માર્યા ગયાં.

૧૦ લાખ કરતાં વધારે ઘવાયાં અને ૧.૩ કરોડ જેટલાં લોકો ભાગી છૂટ્યાં. ૨૦૨૪ના યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ ૭૪ લાખ સિરિયન નાગરિકો દેશમાં જ સ્થળાંતર કરી ગયાં જ્યારે આશરે ૫૦ લાખ આજુબાજુના દેશોમાં ભાગી છૂટ્યાં અને બીજાં ૧૩ લાખ અન્યત્ર યુરોપમાં જઈ વસ્યાં. તુર્કી, લેબેનોન, જોર્ડન અને ઇરાકમાં આશરે ૫૦ લાખ જેટલાં શરણાર્થીઓ છે. સિરિયાના કુલ રજિસ્ટર થયેલા ૬૨ લાખ શરણાર્થીઓમાંથી અડધોઅડધ એટલે કે ૩૧ લાખ તુર્કીમાં રહે છે. બીજા નંબરે લેબેનોનમાં ૭,૭૪,૦૦૦ શરણાર્થીઓએ આશ્રય લીધો છે. વસતીના પ્રમાણમાં સૌથી વધારે સિરિયન રેફ્યુજીને લેબેનોને આશ્રય આપ્યો છે. જર્મની ૭,૧૬,૭૨૮ સાથે ત્રીજા નંબરે આવે છે.

આમ, સિરિયામાં જે આંતરવિગ્રહ શરૂ થયો તેણે લગભગ અડધોઅડધ સિરિયનોને બેઘર બનાવી દીધાં. પાંચ લાખ જેટલાં લોકો માર્યા ગયાં. સિરિયન કટોકટીનો આ અંત નથી. જ્યાં જ્યાં આ પ્રકારે સત્તાપલટા થયા છે ત્યાં સત્તારૂઢ સુકાન સંભાળવા માટે ખટપટો અને જંગ ચાલતા રહ્યા છે, જે ભૂખમરાથી માંડી મહામારીઓ અને લોહિયાળ જંગને કારણે થતી ખાનાખરાબીને કારણે બરબાદી ખેંચી લાગે છે. સુદાન આનું આદર્શ ઉદાહરણ છે. ભારત જેવા દેશે આમાંથી યોગ્ય તે બોધપાઠ લેવો જોઈએ. કોઈ પણ ભેદભાવ વગર કાયદાનું કડકાઈથી પાલન થવું જોઈએ. કોઈ પણ દેશ માટે આંતરવિગ્રહ અથવા કોમ-કોમ વચ્ચેનું ઘર્ષણ ક્યારેય પ્રગતિ અને શાંતિનું નિમિત્ત બનતું નથી. આ પ્રકારની પરિસ્થિતિ માત્ર ને માત્ર ખુવારી અને પછાતપણું લાવે છે. અશાંત અને કાયદાનું શાસન ન હોય તેવા દેશમાં ક્યારેય પ્રગતિ સંભવી શકતી નથી.

આપણા પાડોશમાં બાંગલા દેશ, ત્યાંથી આગળ મ્યાનમાર, એક સમયે શ્રીલંકામાં એલટીટીઈ, આજે કાશ્મીરમાં છાશવારે ઘૂસી આવતાં આતંકવાદીઓ કેવી અરાજકતા સર્જે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૨૦૧૧થી શરૂ થયેલ સિરિયાના સરમુખત્યારશાહીમાંથી મુક્તિ માટેના જંગે એ દેશની પ્રજાને પીંખી નાખી છે. હજુ પણ ત્યાં સમૃદ્ધિ અને અમનનું શાસન હશે એવો કોઈ આસાર નથી. આપણે આના પરથી કાંઈ શીખીશું ખરા?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top