હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સંબંધે ઉશ્કેરણીજનક અને ખોટી માહિતી ધરાવવા બદલ 250 હેન્ડલ્સ અને પોસ્ટ સામે પગલાં લેવા સરકારે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મને જણાવતા ટ્વિટરે ઘણાં એકાઉન્ટ અને પોસ્ટને બ્લોક કરી દીધા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
તેમાં કિસાન એકતા મોર્ચા અને બીકેયુ એકતા ઉર્ધહન સહિતના એકાઉન્ટનો સમાવેશ થાય છે કે જે હાલના આંદોલનમાં સક્રિય હતા અને હજારો ફોલોઅર્સ ધરાવતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ મોદી સરકાર ખેડૂતોના નરસંહારની યોજના બનાવી રહી હોવાના ખોટા, ડરામણા અને ઉશ્કેરણીજનક ટ્વિટ કરનારા 250 ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટને બ્લોક કરવા માટે ઇલેક્ટ્રોનિકસ એન્ડ આઇટી મંત્રાલયે ટ્વિટરને નિર્દેશ કર્યો હતો.
સુત્રોએ કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કાયદા પાલન એજન્સીઓ અને ગૃહ મંત્રાલયની વિનંતીને પગલે આ એકાઉન્ટ બ્લોક કરાયા છે.