ગાંધીનગર: ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી 48 કલાક સુધી કચ્છમાં કોલ્ડ વેવની તીવ્ર અસર હેઠળ અને શીત લહેરની અસર હેઠળ કાતિલ ઠંડી રહેવાની છે. ખાસ કરીને આજે રવિવારે જ કચ્છ કોલ્ડ વેવની ચપેટમાં આવી ગયું હતું. જેના પગલે અહીં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. બીજી તરફ કચ્છના સફેદ રણમાં ઠંડી વધતાં જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
રાજ્યમાં કચ્છમાં શીત લહેરની અસર હેઠળ ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સવારથી શીત લહેરની અસર જોવા મળી હતી. જેના કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ રહ્યો છે. સમી સાંજે શહેરીજનો કાતિલ ઠંડીમાં થરથરી જવા પામ્યા છે. અમદાવાદમાં પણ આજે સવારે શીત લહેરની અસર જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં ઠંડા સૂસવાટાભેર પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધી પામ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 9 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 12 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., દાહોદમાં 8.2 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., અમરેલીમાં 10 ડિ.સે., ભાવનગરમાં 13 ડિ.સે., રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 12 ડિ.સે. અને કેશોદમાં 12 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાયું હતું.