સુરત: (Surat) રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Corporation Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં કોને ટિકીટ અપાશે અને કોને નહીં એ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ (C.R.Patil) એ જાહેરાત કરી હતી કે હવે પાર્ટીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકીટ નહીં અપાય. જો કે આજે આ નિવેદન પર પાર્ટીએ નિર્ણય લઇને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સાથે જ સગાવાદ અને ત્રણ ટર્મ નો રિપીટેશન ફોર્મ્યુલા પણ લાગૂ કરાશે. જેને જોતા જો સુરતમાં આ ફોર્મ્યુલા લાગૂ કરાય તો વય ફેક્ટરમાં સુરતના 15 અને રિપીટેશન ફેક્ટરમાં સુરતના 31 કોર્પોરેટરો આવનારી ચૂંટણીના લિસ્ટમાંથી બહાર થઈ શકે છે. હવે જોવું એ રહ્યું કે સુરત શહેરમાં નવા ફોર્મ્યુલા પ્રમાણે ભાજપમાં કયા રાજકીય સમીકરણો રચાય છે અને કયા નવા ચેહરાઓ નવી ટીમમાં શામેલ થાય છે.
લગભગ ચોથી ફેબ્રુઆરી સુધી ભાજપ પોતાના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. અને અંતિમ લિસ્ટ દિલ્હી જશે. એવામાં નવા ફોર્મ્યુલા પ્રમાણે ત્રણ ટર્મથી કોર્પોરેટર રહેલા સુરતના 31 કોર્પોરેટરનું પત્તુ કપાઈ શકે છે. જેમાં પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ બાકાત નહીં રહે. આમ જોવા જતા નવા ફોર્મ્યુલા પ્રમાણે શહેરમાં તદ્દન નવા ચેહરાઓનો સમાવેશ થઈ શકે છે.
આમાથી કેટલાક પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અને પૂર્વ શહેર પ્રમુખ એવા પણ છે જેઓને 60 વર્ષની વયનું ફેક્ટર પણ લાગૂ પડશે. આમ તેઓને બે ફેક્ટર લાગૂ પડતા હોવાથી હવે તેઓનો ફરી એસએસસીમાં પગપેંસારો થાય એવી શક્યતા નહીંવત થઈ ગઈ છે. ત્રણ ટર્મ પછી નો રિપીટેશન વાળા નિર્ણયથી આગલી ટર્મમાં સુરત મહાનગર પાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહી ચુકેલા એવા જનપ્રતિનિધિઓ પણ છે જેઓ આઉટ થઈ શકે. આમ ત્રણ ટર્મ વાળા કોર્પોરેટર્સમાં 31 લોકોનું નામ ચર્ચામાં છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવા બાબતે 15 નામ ચર્ચામાં છે.
જણાવી દઈએ કે સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની (Dy. CM Nitin Patel) હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે એ મુજબ પાર્ટી આગામી ચૂંટણીમાં કોઈ પણ નેતાના પરિવારના સભ્યને ટિકિટ નહિં મળે આ સિવાય સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે 60 વર્ષથી ઉપરનાં નેતાઓને ટિકિટ નહિ મળે. વધુમાં જે વ્યક્તિ છેલ્લા ત્રણ ટર્મથી કાઉન્સિલર છે તેમને પણ ભાજપ ટિકિટ નહિ આપે.