સુરતઃ અમરોલી વેદાંતા સર્કલ પાસે યુવકને બેભાન કરી ચાર આંગળીઓ કાપવાની ઘટનામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ યુવકે જાતે જ તેની આંગળી કાપી નાંખી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે હેડ કોમ્પ્યુટર તરીકે નોકરી નહીં કરવી હોવાથી આ તરકટ કર્યું હતું.
પોલીસ પાસે મળતી માહિતી મુજબ કતારગામમાં રહેતો મયુર તારપરા 8મીના રોજ મિત્રને મળી ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે તે વરિયાવ બ્રિજ પાસે તે પેશાબ કરવા ગયો હતો. તે દરમિયાન તેને કોઈ બેભાન કરી તેના ડાબા હાથની ચાર આંગળીઓ ધારદાર ચપ્પુ વડે કાપી લઈ ગયું હતું. આ મામલે પોલીસ તાંત્રિક વિધિ અને અંગત અદાવતની દિશામાં તપાસ શરૂ કરી હતી. આ મામલો ગંભીર અને શંકાસ્પદ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઇ હતી. જેમાં બનાવના રૂટમાં આવતા સી.સી.ટી.વી. કેમેરાઓ તપાસવામા આવ્યા હતા. તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આ બનાવમાં મયુર તારપરા પોતે સંડોવાયેલ હોવાનું જણાઇ આવતા તેની ઉંડાણપુર્વક પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને જાતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.
મયુર હકીકત જણાવી હતી કે, વરાછા મીનીબજાર ખાતે અનભ જેમ્સ પ્રા.લિ. નામના હીરાના કારખાનામાં સંબંધીને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. પરંતુ આ નોકરી કરવા માંગતો ન હોય અને પોતાના શેઠને સંબંધના કારણે કહી શકે તેમ ન હોય. આ નોકરી કાયમ માટે છોડી દેવા સારૂ પોતાના એક હાથની આંગળીઓ કાપવાનું નક્કી કરી સીંગણપોર ચાર રસ્તા પાસે એક દુકાનેથી ધારદાર છરો ખરીદ કર્યો હતો. તેના ચારેક દિવસ બાદ એટલેકે 8મી ના રોજ રવિવારના દિવસે રાત્રે પોતાના ઘરેથી પોતાની હિરો એક્સ્ટ્રીમ મોટર સાયકલ GJ-13-KK-6431 લઇને અમરોલી વેદાંત સર્કલથી વરીયાવ તરફના રિંગ રોડ ઉપર ગયો હતો. ત્યાં મોટર સાયકલ ઊભી રાખી રાત્રીના આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની જાતે જ ડાબા હાથની આંગળીયો ઉપર છરા વડે બે ઘા મારી ચાર આંગળી કાપી નાંખી હતી. હાથમાં લોહી ન નીકળે તે માટે હાથના કાંડા પાસે દોરી બાંધી દીધેલી અને છરો તથા આંગળીઓ કોઇને ખબર ન પડે તે માટે થોડે દૂર થેલીમાં ભરી ફેંકી દીધી હતી. તે પછી પોતાના મિત્રને ખોટી હકીકત જણાવતા તે સારવાર માટે કિરણ હોસ્પીટલમાં લઇ ગયાની હકીકત જણાવી હતી. તેની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ હતી .પોલીસ બનાવવાળી જગ્યાએ તપાસ કરતા નજીકમાં ખાબોચિયામાંથી કપાયેલી ત્રણ આંગળી તથા લાલ થેલીમાં મૂકેલો એક મોટો છરો મળી આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે મયુરને અમરોલી પોલીસમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે.