સુરત: સુરતમાં ચાર દિવસ અગાઉ એક યુવકની 4 આંગળી કાપીને ચોરી લેવામાં આવી હોવાનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો હતો. યુવકની ફરિયાદ બાદ પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. યુવકની ચાર આંગળી ચોરનારા ચોરોને શોધવા પોલીસે ક્વાયત હાથ ધરી હતી, દરમિયાન પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો કે જે જાણી પોલીસ અચંબામાં મુકાઈ ગઈ હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતો યુવક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તે ગઈ તા. 8 ડિસેમ્બરની રાતે મિત્રને મળવા રિંગરોડ પર આવેલા વેદાંત સર્કલ પાસે ગયો હતો. યુવકે મિત્રની એકાદ કલાક રાહ જોઈ હતી પણ તેનો મિત્ર આવ્યો નહોતો. ત્યાર બાદ મિત્રએ ફોન પર પોતે નહીં આવી શકે તેમ કહ્યું હતું.
ત્યાર બાદ યુવક તેના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા લાગતાં ઉભો રહ્યો હતો. જે બાદ તેને ચક્કર આવ્યા હતા અને બેભાન થઈને પડી ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે હાથની આંગળીઓ ગાયબ હતી. આ જોઈ તે ખૂબ પરેશાન થઈ ગયો હતો. તેણે તાત્કાલિક આ અંગે મિત્રને જાણ કરી હતી.
સમાચાર મળતાં જ મિત્ર ત્યાં પહોંચી ગયો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેની સારવાર કરી અને કપાયેલી આંગળીઓની સારવાર કરીને તેને રજા આપી હતી. જે સમયે તેની આંગળીઓ કપાઈ હતી ત્યારે તેને દર્દ પણ થયું નહોતું. આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઘટનાસ્થળથી લઈ 400 મીટર સુધીના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ પોલીસને લોહીનું એક ટીપું પણ મળ્યું નહોતું. આ ઉપરાંત આંગળી તે જગ્યાએ જ કપાઈ હોવાના કોઈ પુરાવા પણ મળ્યા નહોતા. હાલ તે ખુલીને કોઈ બોલવા તૈયાર નથી. તેની આંગળી ક્યારે અને કેવી રીતે કપાઈ તેનું જ રટણ કરી રહ્યો છે.
યુવકે જાતે જ આંગળીઓ કાપી હતી
પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસની આકરી પૂછપરછને પગલે ફરિયાદી યુવક ભાંગી પડ્યો હતો. તેણે પોતે જ પોતાના હાથની ચાર આંગળીઓ કાપી નાંખી હોવાની કબૂલાત કરી હતી. યુવકની કબૂલાતથી પોલીસ ચોંકી ઉઠી હતી.
કોઈ પોતાની જ આંગળીઓ કેમ કાપી નાંખે તે સવાલ પોલીસને સતાવી રહ્યો હતો. આ સવાલનો જવાબ આપતા યુવકે કહ્યું કે, પોતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો, જે તેને બિલકુલ પસંદ નહોતી. તે નોકરી કરવા માંગતો નહોતો. નોકરી ન કરવી પડે એટલે ચાર આંગળીઓ કાપી નાંખી.