નવસારી (Navsari): આપણા દેશમાં દારૂ- એક એવું વ્યસન છે, જેણે લાખો ઘરોને તબાહ કરી નાંખ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે. આ વ્યસનને કારણે જે સ્ત્રીઓના પતિ, ભાઇ કે પિતા આ વ્યસનથી પીડિત છે, તેઓ આ વ્યસનને અટકાવવા વધુ ઇચ્છુક હોય છે. આવું જ કંઇક દક્ષિણ ગુજરાતના અંબાડા ગાામમાં થયુ. અંબાડા ગામના યુવાનો દારૂના વ્યસનને પગલે મોતને ભેટ્યા હોવાથી ગામના રહીશોએ બુટલેગરો અને વિધવા મહિલાઓના નામોવાળી લિસ્ટ આપી દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ કરી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરી હતી.
અંબાડા ગામના રહીશોએ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ગામના રહીશોએ ગામના દારૂના અડ્ડાઓ ચલાવતા 16 બુટલેગરોના નામો સહિત દારૂના વ્યસનને કારણે મોતને ભેટેલા યુવાનોની 30 વિધવાઓની યાદી રજુ કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ગામમાં આદિવાસી-હળપતિ સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. ગામના દરેક ફળિયામાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.
દારૂબંધી હોવા છતાં દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલે છે. આદિવાસી સમાજમાં દારૂના દૂષણને કારણે સમાજનું અધ:પતન થઇ રહ્યુ છે. યુવાનો દારૂના વ્યસનના બંધાણી બન્યા છે. દારૂના વ્યસનના કારણે યુવાનો મોતને પણ ભેટ્યા છે. વિધવા મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગામમાં લડાઇ ઝઘડાઓ પણ વધી ગયા છે. પરિવારો છિન્નભિન્ન થઇ રહ્યા છે. બુટલેગરો દાદાગીરી સાથે દારૂનું વેચાણ કરી રહ્યા છે. અંબાડા ગામમાં 16 થી 20 જેટલા બુટલેગરો દેશી અને વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરી રહ્યા છે. તમામ બુટલેગરો મોટા પાયે દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે.
- રહીશોએ બુટલેગરો અને વિધવા મહિલાઓના નામોવાળું લીસ્ટ આપી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરી
બહારના દારૂડિયાઓ ગામની દિકરીઓની છેડતી કરે છે:
ગામમાં બહારના દારૂડિયાઓ ગામની દિકરીઓની છેડતી પણ કરે છે. પીધ્ધડો દારૂ ઢીંચીને ગમે ત્યાં પેશાબ કરે છે. કપડાનું ભાન રહેતુ નથી, જેથી મહિલાઓને ચાલવુ મુશ્કેલ બન્યુ છે. પિધ્ધડો બિભત્સ ચેનચાળા કરતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અંબાડા ગામમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થાય છે. આ બાબતે પોલીસને વારંવાર રજુઆતો કરવા છતાં 17 થી 20 જેટલા દારૂના અડ્ડાઓ બંધ થતા નથી. જો ગામમાં કાયમી ધોરણે દારૂના અડ્ડાઓ બંધ ન જાય તો ગામના આદિવાસી યુવાનો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.