ગિજુભાઈ બધેકાએ સાચું જ કહ્યું છે કે “પુસ્તકાલય એટલે મહાશાળા. “ કોઈ પણ શહેરમાં આવેલા લાઇબ્રેરીના માધ્યમથી તે શહેરનાં નાગરિકોનું ઘડતર થઈ શકે છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તો સંસ્થામાં આવેલા પુસ્તકાલયની સંપૂર્ણ ઉપયોગિતા છે જ પરંતુ સાથે સાથે પબ્લિક લાઇબ્રેરી એ જે તે શહેરનું સાચું ઘરેણું છે. 21 મી સદીના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોને સમર્પિત વાચકો મળી રહે છે. વડોદરાના મહારાજા સયાજીરાવને બ્રિટિશ લેખક ફિલિપ સાર્જન્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે જિંદગીમાં તમે ઘણાં સારાં કાર્યો કર્યાં છે તેમાંથી સૌથી મહત્ત્વનું કામ કયું? એવો પ્રશ્ન જો તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો?
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના મહારાજાએ પ્રત્યુતર આપ્યો કે “ લાયબ્રેરી મુવમેન્ટ “ અર્થાત્ ‘ ગ્રંથાલય પ્રકલ્પ ‘ નવસારીમાં આવેલી સયાજી સાર્વજનિક પુસ્તકાલયને સાચા અર્થમાં જ્ઞાનધામ અને સામાજિક ચેતનાના કેન્દ્રની ઉપમા મળી ચૂકી એ વ્યાજબી છે. પુસ્તકાલયમાં ડિજિટલ ટેકનોલોજીના વિનિયોગને પરિણામે આધુનિક ટેકનિક અને વિવિધ સ્રોતોનો ઉપયોગ થવા માંડ્યો છે કે જે યુવા પેઢીને લાઇબ્રેરી તરફ આકર્ષવા માટે જરૂરી છે. હું એવું સ્પષ્ટપણે માનું છું કે દરેક ઘરમાં એક નાનું સરખું પુસ્તકાલય હોય અને એમાં વખતોવખત શ્રેષ્ઠ સાત્ત્વિક પુસ્તકો ઉમેરવાની સાથે ઘરનાં દરેક સભ્યો દ્વારા પુસ્તકોનું વાચન થતું રહે તો તે ફેમિલીના વિકાસને કોઈ રોકી શકે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી તરફથી પુસ્તકાલય સ્વયં વિશ્વવિદ્યાલય બને તે હેતુથી ગ્રાન્ટની વધુ ફાળવણી પુસ્તકાલય માટે કરવામાં આવે એ આજના સમયની માંગ છે.
નવસારી – ડો. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો લઈ રહ્યો છે
ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સરવે 2024ના રિપોર્ટ મુજબ : સરકારી કામ લાંચ વિના શક્ય નથી. સરવેમાં 66 ટકા કંપનીઓનો સ્વીકાર. દેશમાં સરકારી, અર્ધસરકારી વિભાગોમાં કામ મેળવવાથી લઈને પેમેન્ટ સુધીની પ્રક્રિયામાં વ્યાવસાયિક એકમો, કંપનીઓએ લાંચ આપવી પડે છે. ફુડ, ડ્રગ અને હેલ્થ જેવા વિભાગો પણ બાકાત નથી. લાંચિયાઓનો પગાર જુઓ તો અધધ.આવા ખાઉધરાઓએ નૈતિક માનવીય મૂલ્યોને જાણે દેશવટો આપ્યો હોય તેવું સ્પષ્ટ થાય છે. તકનીકથી શક્તિશાળી બની રહેલા ભારતમાં, આદર્શ લોકશાહીમાં જનતા જાગૃત હોવી જોઈએ.
લાંચ લેનાર-આપનાર બધા જ ગુનેગાર પછી દેશની તાસીર કેવી રીતે બદલાઈ શકે? કહેવાતા સાહેબો ખાવામાં ગળાડૂબ છે. અક્ષમ્ય કૃત્યો અને ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો લઈ રહ્યો છે. સ્ટેટ ઓફ માઈન્ડ, માનસિકતા એવી છે કે કોઈ પણ ભોગે પૈસા કમાવ. અલબત્ત, ઓછી મહેનતે અધિકારીઓ દેશને લૂંટી રહ્યા છે. ગુનેગારને ધારાધોરણ મુજબ કડક સજા થવી જોઈએ, જેથી લાંચ આપનાર અને લેનાર બન્નેમાં સુધારો આવી શકે. પેલા ભેળસેળ કરનારા, અખાદ્ય ખોરાક બનાવનાર, કરચોરો, લાંચિયાઓ, નકલીઓ- આ બધાં સગાંવહાલાં બનીને ભેગા ભ્રષ્ટાચાર આચરે છે. દેશના અર્થતંત્રને કોરી ખાતી ઉધઈ દિવસે દિવસે વધુ વકરે તે પહેલાં તેને ડામવી પડશે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.