Columns

સ્ત્રીઓને સંરક્ષણ આપવા માટે ઘડાયેલા કાયદાઓ પુરુષોની બરબાદીનું કારણ બન્યા છે

આપણા દેશમાં બ્રિટીશ રાજ આવ્યું તે પછી અંગ્રેજો દ્વારા પદ્ધતિસર પ્રચાર કરવામાં આવ્યો હતો કે ભારતમાં સ્ત્રીઓને ગુલામની જેમ રાખવામાં આવી હતી. જેમણે મેકોલેની પદ્ધતિનું શિક્ષણ લીધું હતું, તેઓ તો આ જૂઠાણાંને જ સત્ય માનવા લાગ્યા હતા. ભારતમાં ઓગણીસમી અને વીસમી સદીમાં જે કથિત સમાજસુધારકો થયા તેમણે પણ આ વાત ખૂબ ચગાવી કે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમમાંથી ફેમિનિઝમનો પવન ફૂંકાયો, જેણે સ્ત્રીઓમાં પુરુષસમોવડી થવાની મહત્ત્વાકાંક્ષાનું સિંચન કર્યું.

તેને કારણે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવી અને દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે સ્પર્ધા કરવા લાગી. દરમિયાન દેશમાં ફેમિનિઝમની અસર હેઠળ કેટલાક એવા કાયદાઓ ઘડાયા, જેમાં કોઈ પણ પરિણીત સ્ત્રી દહેજની ફરિયાદ કરે તો તેના પતિ તેમ જ સાસરિયાને જેલમાં નાખવામાં આવતા. આ કાયદાઓનો સદુપયોગ કરતાં દુરુપયોગ વધી ગયો. કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ અને સાસરિયાને બ્લેકમેઇલ કરવા અને હેરાન કરવા આ કાયદાઓનો ઉપયોગ કરવા લાગી. આવી પત્નીઓથી બચવા પત્નીપીડિત પતિઓનાં સંગઠનો ઊભાં થયાં. તાજેતરમાં બેંગલોરના ટેકનોક્રેટે આ કાયદાની પીડાથી કંટાળીને આપઘાત કર્યો તેને કારણે આવા કાયદાઓ રદ કરવાની માગણી ઊઠી છે.

 ટેક પ્રોફેશનલ અતુલ સુભાષે બેંગલુરુમાં પોતાની વિખૂટી પડી ગયેલી પત્ની અને તેના પરિવાર દ્વારા ગુજારવામાં આવેલા અસહ્ય ત્રાસને કારણે દુ:ખદ રીતે પોતાનો જીવ લીધો છે. આ દુ:ખદ ઘટનાએ સોશ્યલ મિડિયા પર અને દહેજવિરોધી કાયદાના દુરુપયોગ સામે અવાજ ઉઠાવતા વરિષ્ઠ વકીલોમાં વ્યાપક આક્રોશ પેદા કર્યો છે. પોલિસે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, તેનાં માતા-પિતા નિશા અને અનુરાગ અને તેના કાકા સુશીલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે, પરંતુ આ કેસનો ચુકાદો ક્યારે આવશે, તેની કોઈને ખબર નથી. આ દુર્ઘટનાને પગલે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૮-એ રદ કરવાની કે તેમાં ધરમૂળથી ફેરફાર કરવાની માગણી પુરુષોના અધિકારો માટે લડતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

અતુલ બેંગલુરુમાં એક ખાનગી ફર્મમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરતો હતો. તેણે ૯ ડિસેમ્બરે સોશ્યલ મિડિયા પર પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતો ૯૦ મિનિટનો વિડિયો વાઇરલ કર્યા પછી પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું. તેણે ૨૪ પાનાંની સુસાઈડ નોટ પણ છોડી હતી, જેમાં તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષની આત્મહત્યા દ્વારા મૃત્યુના દિવસો પછી સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો છે. તેના પિતા પવનકુમારે જણાવ્યું હતું કે તેમનો પુત્ર નિરાશ હતો અને અંદરથી ભાંગી પડ્યો હતો, કારણ કે તેની વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમના પુત્રે પોતાના ૯૦ મિનિટના વિડિયોમાં કહ્યું કે કોર્ટના જજે કેસ સેટલ કરવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. મારો દીકરો કહેતો હતો કે ભ્રષ્ટાચાર ઘણો છે પણ તે સત્યના માર્ગ પર હોવાથી લડશે. તે અંદરથી તૂટી ગયો હતો. જો કે તેણે કોઈને કશું કહ્યું ન હતું. જો પવનકુમારની જજ દ્વારા લાંચ મંગાયાની વાત સાચી હોય તો તે ભારતની ન્યાયવ્યવસ્થાનું કરુણ ચિત્ર રજૂ કરે છે. એક તો દહેજના કાયદાઓ પુરુષોને અન્યાય કરનારા છે. તેમાં જો લાંચ માગનારા જજ ભટકાઈ જાય તો સામાન્ય નાગરિક ન્યાય મેળવવાની આશા કેવી રીતે રાખી શકે? જો દેશમાં આવા ભણેલા ગણેલાને પણ ન્યાય ન મળતો હોય તો અભણ લોકોની કેવી હાલત થાય?

ભારતીય દંડસંહિતાની કલમનો ઢાંચો જ એવો ઘડવામાં આવ્યો છે કે તેમાં કોઈ પણ પરિણીત સ્ત્રી પોતાના પતિ કે સાસરિયા સામે દહેજવિષયક ફરિયાદ કરે ત્યારે તે ફરિયાદને સાચી માની લેવામાં આવે છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે. ત્યાર બાદ આ ફરિયાદ ખોટી છે, તેવું પુરવાર કરવાની જવાબદારી આરોપીઓના શિરે નાખી દેવામાં આવે છે. આરોપીઓને સહેલાઈથી જામીન પણ મળતાં નથી. જામીન મળી જાય તો પણ વર્ષોનાં વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી કોર્ટના ધક્કા ખાવા પડે છે અને વકીલોની ફી ચૂકવવી પડે છે.

કાયદાના જાણકારો કહે છે કે આ કેસમાં કાનૂની પ્રક્રિયા જ આરોપીઓ માટે સજા બની જાય છે.  કેટલીક વાર પરિણીત સ્ત્રીઓ પતિ તેમ જ સાસરિયાને છૂટાછેડા માટે મજબૂર કરવા માટે પણ આ કલમ હેઠળ કેસ કરવાની ધમકી આપે છે.  ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે કાયદાની દૃષ્ટિએ પુરુષ-સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ કરવો ન જોઈએ, પણ આ કાયદામાં સ્ત્રીઓની તરફેણ કરવામાં આવી છે.

ભારતીય દંડસંહિતામાં દહેજવિષયક કાયદો લગ્નનાં સાત વર્ષ સુધી જ લાગુ પડે છે. ત્યાર બાદ સ્વાભાવિક રીતે દહેજની ફરિયાદ કરી શકાતી નથી. તેવા સંયોગોમાં સ્ત્રીઓ દ્વારા ઘરેલું હિંસાના કાયદાનો આશરો પતિ તેમ જ સાસરિયાને હેરાન કરવા માટે કરવામાં આવે છે. આ કાયદો પણ સ્ત્રીઓની તરફેણમાં છે. જો કોઈ પતિ તેના ઘરમાં તેની પત્ની દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બન્યો હોય તો પણ તે આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકતો નથી. આ કાયદો માત્ર સ્ત્રીઓના લાભાર્થે જ ઘડવામાં આવ્યો હોવાથી કેટલીક સ્ત્રીઓ દ્વારા તેનો પણ દુરુપયોગ કરવામાં આવે છે.

દહેજ અને ઘરેલું હિંસાના કાયદાનો વ્યાપક દુરુપયોગ થવાની ફરિયાદ ભારતભરમાંથી આવવા લાગી, તેને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન ઘડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના અર્નેશકુમાર વિરુદ્ધ બિહાર રાજ્યના ચુકાદાએ 498A/406/34 IPC કેસમાં ધરપકડની જોગવાઈઓનો દુરુપયોગ સફળતાપૂર્વક ઘટાડી દીધો છે. તેમ છતાં વિખૂટી પડી ગયેલી પત્ની અને તેના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ આરોપી પતિ અને તેના પરિવાર માટે અસહ્ય હોય છે.

અર્નેશ કેસના ચુકાદા પહેલાં પોલીસ અધિકારીઓ પોલીસને 498A/406 IPC ફરિયાદમાં પતિ અને લગભગ દરેક સંબંધીઓ અને પરિવારનાં સભ્યોની ધરપકડ કરતા હતા. ઘણી વખત પત્ની અને તેના પરિવારનાં સભ્યો દ્વારા પતિ અને તેના માતા-પિતા પર ખોટા આરોપો લગાવવામાં આવે છે. આ દરેક આરોપોનો જવાબ આપવો પડે છે. પતિ અને તેનાં વૃદ્ધ માતા-પિતાને દરેક તારીખે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનું પણ કહેવામાં આવે છે, જે ઘામાં નમક ભભરાવવાનું કામ કરે છે. આરોપો જૂઠા પુરવાર થાય તો પણ આરોપ મૂકનારને સજા થતી નથી.

સામાજિક કલ્યાણ કાયદા તરીકે વર્ગીકૃત કરાયેલા અને ખાસ કરીને મહિલાઓના કલ્યાણ માટે ઘડવામાં આવેલા કેટલાક કાયદામાં સહજ પૂર્વગ્રહો જોવા મળે છે. પત્નીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વૈવાહિક ઝઘડાઓમાં મોટા ભાગના આરોપો ઘરની ચાર દિવાલોની અંદર બનેલી કેટલીક ઘટનાઓ વિશે છે અને તેનો પુરાવો પત્નીનું નિવેદન હોય છે. આ નિવેદન પછી કોઈ બીજા પુરાવા કે સાક્ષીની જરૂર જોવામાં આવતી નથી. આ કાયદામાં એવી કલ્પના જ કરવામાં નથી આવી કે સ્ત્રી જૂઠું બોલી શકે છે અને પતિ કે તેનાં સગાંઓને હેરાન કરવા માટે કાયદાનો દુરુપયોગ કરી શકે છે. જો સ્ત્રી પ્રામાણિક ન હોય અને વેર વાળવા માગતી હોય તો કાયદાઓ દ્વારા તેના હાથમાં શક્તિશાળી હથિયાર મૂકી દેવામાં આવ્યું છે, જેનો દુરુપયોગ થવાની ફરિયાદ ઊઠી રહી છે.

 અતુલ સુભાષે પોતાના વિડિયોમાં ચોંકાવનારી વાત કરી હતી કે અદાલતમાં તેની પત્નીએ તેને ટોણો માર્યો હતો કે જો તમે ભરણપોષણના રૂપિયા ચૂકવી શકો તેમ ન હો તો તમારે આપઘાત કરવો જોઈએ, ત્યારે આ વાત સાંભળીને જજ સાહેબ હસતા હતા. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે આપણું ન્યાયતંત્ર પણ સંવેદનાહીન બની ગયું છે. આપણા દેશે ગમે તેટલી પ્રગતિ કરી હોય પણ જો દેશના સામાન્ય નાગરિકને ન્યાય ન મળતો હોય તો તે પ્રગતિની કોઈ કિંમત નથી.

Most Popular

To Top