બારડોલી: હાલ સુગર ફેક્ટરીની પીલાણ સિઝન ચાલી રહી છે. પીલાણ સિઝન શરૂ થયાને માંડ મહિનો થયો છે. ત્યાં જ શેરડીના પુરવઠાની તંગી પડતાં સુગર મિલો વચ્ચે પુરવઠાએ લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. વ્યારા સુગર ફેક્ટરી દ્વારા સુરત જિલ્લાની સુગર ફેક્ટરીઓમાં શેરડી લઈને જતી ટ્રકો રોકી પુરવઠો ખાલી કરી દેવામાં આવતાં અંદરોઅંદર ભારે ઘમસાણ થયું હતું. જો કે, અંતે મામલો થાળે પડ્યો હતો.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી ખાંડ મિલોમાં ધીમે ધીમે શેરડીનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે. ઓછી થઈ રહેલી જમીન, શહેરીકરણ અને ઔદ્યોગીકરણ તેમજ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો અન્ય ખેતી તરફ વળી રહ્યા છે. આથી ખેતીની જમીન ઓછી થતાં શેરડીનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. કેટલીક સુગર ફેક્ટરીઓના કાર્યવિસ્તારમાં તો સંપૂર્ણ શહેરીકરણ અને ઔદ્યોગીકરણ થઈ ગયું હોય તેમના માટે પુરવઠો મળવો મુશ્કેલ છે. આથી કાર્યવિસ્તાર બહારથી પણ પુરવઠો મેળવી સુગર મિલો ચાલુ રાખવી પડી રહી છે. ત્યારે છેલ્લાં બે વર્ષથી પુનઃ શરૂ થયેલી વ્યારા સુગર ફેક્ટરીએ પણ પુરવઠો શોધવો પડી રહ્યો છે.
વ્યારા સુગર મિલના સભાસદોએ સુરત જિલ્લાની સુગર મિલોમાં નોંધાયેલી ટ્રકો અટકાવતાં ભાવે વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં ટ્રકો અટકાવીને પીલાણ માટે ખાલી પણ કરી દીધી હતી. જેને લઈને સુગર મિલોના સંચાલકો વચ્ચે અંદરોઅંદર ઘર્ષણ થયું હતું. જો કે, તમામ સુગર મિલોના સંચાલકો ભાજપા સાથે જોડાયેલા હોવાથી અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાતા મામલો થાળે પડ્યો હતો. અને વ્યારા સુગર મિલે જે જે સુગર મિલોની શેરડી પીલાણ માટે લેવામાં આવી છે તેમને તેની રકમ ચૂકવી દેવામાં આવશે તેવી બાંયધરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી વર્ષોમાં સુગર ફેક્ટરીઓ વચ્ચે પુરવઠાને લઈને મહાભારત સર્જાય તો નવાઈ નહીં.