સુરત: શહેરમાં મેટ્રોની મંદ ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે હવે પ્રજાજનોમાં ભારોભાર રોષ જોવી મળી રહ્યો છે. છેલ્લાં 3 વર્ષથી મેટ્રોની કામગીરીને લઈ રસ્તા બંધ કરી દેવાતાં જૂના વિસ્તારમાં ધંધા-રોજગાર પર મોટી અસર પડી છે અને લોકોમાં હવે ધીરજ ખૂટી હોય તેમ વારંવાર રજૂઆતો કરવા છતાં તેમને વળતર ન ચૂકવાતા આખરે ભાગળ વિસ્તારના દુકાનદારોએ મેટ્રોની કામગીરી બંધ કરાવી દીધી હતી.
- આર્યમન આર્કેડ અને કોમર્સ હાઉસના 325 વેપારીએ મેટ્રોની કામગીરી બંધ કરાવી
પ્રાપ્ત વિગતો મુજબ ભાગળ વિસ્તારના આર્યમન આર્કેડમાં કુલ 325 જેટલી કોમ્પ્લેક્સમાં દુકાનો છે, જે હાલ આવકની દૃષ્ટિએ નહીંવત થઈ ગઈ છે. મેટ્રોની કામગીરીના કારણે લોકો ત્યાં ગ્રાહક તરીકે પ્રવેશી શકતા નથી. જેને કારણે આર્થિક મોટું નુકસાન છેલ્લા ઘણા સમયથી સહન કરી રહ્યા છે.
જેથી અહીંના વેપારીઓએ એકત્રિત થઈને મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી તે કામગીરી જ બંધ કરાવી દીધી હતી અને તેમના માણસોને પણ કામ બંધ કરીને બાજુ ઉપર જતું રહેવા માટે કહી દેવાયું હતું. જેથી મેટ્રોની કામગીરી ગુરુવારે બપોર બાદ ત્યાં બંધ કરી દેવામાં આવી હતી.
ભાગળ વિસ્તારમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભાગળ વિસ્તારના એક તરફના વેપારીઓ દ્વારા તાજેતરમાં જ વિરોધ નોંધાયા બાદ હવે આર્યમન આર્કેડના વેપારીઓએ પણ લડત ઉપાડી હતી. વેપારીઓએ ચીમકી આપી હતી કે, જ્યાં સુધી મેટ્રો અમારી માંગણી પૂરી કરે નહીં ત્યાં સુધી હોસ્પિટલ પાસેની કામગીરી આગળ ચાલવા દઈશું નહીં.
રસ્તા ઉપર ટેબલ રાખીને ધંધો કરવાની વેપારીઓની ચીમકી
ભાગળ વિસ્તારના દુકાનદારોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે. મેટ્રોની કામગીરીની સીધી અસર તેમની રોજગારી પર થઈ છે. મેટ્રોના કારણે અમે 22 મહિનાથી હેરાન થઈ રહ્યા છે. ધંધો ભાંગી ગયો છે. લોકો દુકાનમાં આવી શકતા નથી.
મેટ્રોની ટીમને વારંવાર વારંવાર રજૂઆત કરી છતાં પણ તેમણે કોઈ ગંભીરતા લીધી નથી. જેથી દુકાનદારો દ્વારા કામ અટકાવી દેવાયું હતું અને 325 જેટલા વેપારીઓએ એકત્રિત થઈને મેટ્રોની કામગીરી બંધ કરાવી દીધી હતી અને હવેથી તેઓ રસ્તા ઉપર ટેબલ રાખીને જ અમારો સામાન વેચશે તેવી ચીમકી પણ આપી હતી.