SURAT

સુરતના બસ ડેપોને હવે રેલવે સ્ટેશનથી અહીં ખસેડવામાં આવશે, તૈયારી શરૂ

સુરત: સુરત રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત હવે રેલવે સ્ટેશનની બહાર કાર્યરત સિટી બસ સ્ટેન્ડને હવે દિલ્હી ગેટ પાસે ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી અઠવાડિયામાં આ બસ સ્ટેન્ડ GSRTC બસ સ્ટેન્ડની બાજુમાં લઈ જવાશે.

  • એસટી સ્ટેન્ડની બાજુનો પ્લોટ ભાડે લઈ લેવાયો, રોડ લેવલિંગ પણ થઈ ગયું
  • રીડેવલપમેન્ટની કામગીરી ઉપરાંત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નીવારવા નિર્ણય

મળેલી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે. વર્ષ 2026 ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં સુરત રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યાને કારણે અન્ય લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે સુરત ટ્રાફિક પોલીસ તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરત રેલવે સ્ટેશનની બહાર વર્ષો જૂના સિટી બસ સ્ટેન્ડને હવે દિલ્હી ગેટની પાસે, GSRTS બસ સ્ટેન્ડની બાજુમાં લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીટકોએ બે વર્ષ માટે ખાલી પ્લોટ ભાડા ઉપર લીધો છે.

સુરત પોલીસનું મનપા સાથે સંકલન, એકાદ અઠવાડિયામાં બસ રૂટનો ચાર્ટ બનતાં શિફ્ટિંગ કરાશે
સુરત ટ્રાફિક પોલીસના વડા અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સિટી બસ સ્ટેન્ડ ફેરવવા માટે સુરત પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા બેઠકના દોર શરૂ કરી દેવામાં આવ્યા છે. લગભગ બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે. તેમજ ખુલ્લા પ્લોટ પર રેતી-કપચી પાથરીને લેવલ પણ કરી દેવામાં આવ્યું છે.

હવે કઈ બસ કઈ રૂટ પર ક્યાંથી ક્યાં જશે, તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ચાર્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેથી આ ચાર્ટ તૈયાર થયા બાદ આશરે અઠવાડિયામાં આ સિટી બસ સ્ટેન્ડ ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. જેથી સુરત રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકજામની સમસ્યાનો હલ થાય.

Most Popular

To Top