Comments

વર્ષ 2025 માં જતાં પહેલાં આંકડાઓમાં વ્યક્ત આર્થિક, સામાજિક બાબતો તરફ નજર નાખો

આંકડાઓમાં વાર્તાઓ હોય છે? હા,એમાં લખાયેલું સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક, સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજવા પડે. ભારતમાં થોડા સમય પહેલાં વસ્તીનિયંત્રણની વાત થતી હતી. હવે અચાનક બાળકોને જન્મ આપોના નારા લાગવા લાગ્યા છે. તો વસ્તી વધારવાના આ સૂત્રોચ્ચાર વચ્ચે ચાલો થોડા આંકડાઓ સમજી લઈએ.
દેશમાં લગભગ ૩૦ કરોડ પરિવારોમાં 150 કરોડની વસ્તી વસે છે.આપણાં પરિવારોની સરેરાશ સંખ્યા 5 વ્યક્તિ છે.
સરકાર 80 કરોડથી વધુ આર્થિક નબળાં પરિવારોને દર મહિને મફત અનાજ આપે છે. એટલે કે લગભગ વીસ કરોડ પરિવારો મફત અનાજ યોજનાનો લાભ લે છે.જો કે દેશમાં 21 કરોડ ઘરોમાં ટી. વી. છે. દેશમાં 150 કરોડ મોબાઈલ વપરાશ છે. જે વસ્તીનાં 80 કરોડ લોકો વાપરે છે. મતલબ કે ઘણા બધા પાસે બે કે તેથી વધુ મોબાઈલ છે. દર વર્ષે સરેરાશ ૫ કરોડ મોબાઈલ સેટ વેચાયા છે.

દેશમાં 75 કરોડ પાનકાર્ડ ધારકો છે પણ, રીટર્ન ફાઈલ સાત કરોડથી ઓછા કરે છે અને વેરો તો પાંચ કરોડ લોકો જ ભરે છે. દેશમાં ટોલટેક્ષવાળા હાઈ વે પર ગાડીઓ માટે ફાસ્ટ ટેગ ફરજીયાત છે અને માટે ચાર કરોડ વાહનો ફાસ્ટ ટેગ લગાવી ચૂક્યાં છે જે રોજનો 100 કરોડનો ટોલટેક્ષ ચૂકવે છે. સરકારના આંકડા મુજબ 28 કરોડ ગેસ કનેક્શન છે અને 70 લાખ પરિવારો પાઈપથી ગેસ મેળવે છે. ભારતમાં જન્મદર ઘટીને 1.9 થયો છે અને મૃત્યુદર 1 ટકા જેટલો સ્થિર થયો છે. મતલબ કે હવે ચોખ્ખો વસ્તીવધારો ૧% કરતાં પણ ઓછો છે. યુગલ દીઠ જન્મતાં બાળકોનું પ્રમાણ ૨ થવા જાય છે . જે 1960 માં લગભગ 7 અને 1980 માં 4 હતું. હમણાં જ બહાર પાડવામાં આવેલા ફેમીલી હેલ્થના સેમ્પલ સર્વેમાં ભારતમાં પુખ્ત વસ્તીમાં 1000 પુરુષની વસ્તીએ સ્ત્રીઓનું પ્રમાણ 1030 જોવા મળ્યું. મતલબ પુરુષો કરતાં સ્ત્રીઓની વસ્તી વધુ છે. આ જ સર્વેમાં જણાવાયું છે કે નવાં જન્મતાં બાળકોમાં 1000 પુત્ર સામે 955 પુત્રીઓ જન્મે છે માટે સ્ત્રી પુરુષનો રેશિયો આજે પણ અસમતુલામાં જ છે.

વધુ એક સેમ્પલ સર્વે એ પણ કહે છે કે ભારતમાં સર્વિસ સેક્ટરમાં નોકરી કરતાં લોકોની સરેરાશ આવક 15000 થી 25000 વચ્ચે છે અને બે નામાંકિત સંસ્થાઓએ કરેલો તાજેતરનો સર્વે એ કહે છે કે ભારતમાં સરેરાશ આયુષ્ય ઘટ્યું છે અને 69 વર્ષ થયું છે જે ખરેખર 72 થી 75 થવું જોઈતું હતું. કદાચ કોરોના કાળમાં મૃત્યુને કારણે અત્યારે આમ બન્યું હોય. 2001 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 2001 માં 20 વર્ષથી ઉપરની ઉંમરવાળાં લોકોની સંખ્યા 55 કરોડ જેટલી હતી. અત્યારે દેશની 65 % વસ્તી યુવાન છે માટે આ દેશ યુવાનોનો દેશ છે.

હવે આંકડા આમ તો માત્ર આંકડા છે પણ આ આંકડાઓની એક વાર્તા છે. જેમ સાહિત્યમાં લખાણની વચ્ચે છુપાયેલી વાત વાંચી લેવાની હોય છે. કાવ્યોમાં કે વાર્તાઓમાં લખાયેલો મેસેજ સમજી લેવાનો હોય છે એમ આ આંકડાઓમાં દોરાયેલા અર્થતંત્રના ચિત્રને સમજી લેવાનું હોય છે. આવનારા આર્થિક ભવિષ્યનું ચિત્ર પણ એમાં છુપાયેલું છે. તો આંકડાઓ શું કહે છે? પ્રથમ તો આપણે આજે ખુશ થઈએ છીએ કે આ યુવાનોનો દેશ છે તે જ દેશ ૨૦૪૦ પછી ઘરડો થતો જશે. 2001 માં 20 વર્ષથી મોટા હતા તે બધા જ 2050 માં 50 વર્ષથી વધારે ઉંમરનાં હશે.

વળી સરકાર જેણે યુવાન વસ્તી ખેંચે તે 15 થી 65 વર્ષનો સમૂહ છે. ખરેખર તો આ કાર્યશીલ વસ્તી છે. ઉંમરના સામાજિક દૃષ્ટિકોણથી તો અત્યારે જ મિડલએજ વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. આપણી પાસે આ સંદર્ભે હાલ કોઈ જ આયોજન નથી. ઉલટાનું મેડીકલના આંકડાઓ ચોંકાવનારા છે. અત્યારે મિડલએજમાં મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે. મતલબ હાર્ટએટેક, અકસ્માત કે અન્ય રોગોથી મૃત્યુ પામનારાં લગભગ ૫૨ થી ૬૫ વર્ષનાં છે. જુના જમાનાના ખાધેલા લાંબુ જીવે છે. એમ બધા કહે છે. તેમ સરેરાશ આયુષ્ય આ વૃધ્ધોને કારણે ઊંચું ટક્યું છે.

બાકી આજથી 20 વરસ પછી આ ભાગદોડ ટેન્શન અપોષિત ખોરાક અને અસ્તવ્યસ્ત જીવનશૈલીને લીધે આયુષ્ય ટૂંકું થાય તો નવાઈ નહીં. કદાચ માટે જ પેલા બે સર્વેમાં સરેરાશ આયુષ્ય ઘટેલું આવ્યું હશે. વળી દેશની કુલ વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધેલું બતાવે છે ત્યાં કોઈને પણ પ્રશ્ન થવો જોઈએ કે જો જન્મે છે પુરુષ વધારે તો પુખ્ત સંખ્યામાં સ્ત્રીઓ કેવી રીતે વધી? મતલબ સ્પષ્ટ છે. મૃત્યુ પામનારમાં પુરુષ સંખ્યા વધારે હોવી જોઈએ. જો સરેરાશ આયુષ્ય ખરેખર ઘટ્યું હોય તો 130 કરોડ ની વસ્તીના માપ મુજબ કોરોનામાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં હોવાં જોઈએ તો જ સરેરાશમાં ચોક્કસ ઘટાડો નોંધાય.

આવનારા સમયમાં ચિંતાની વાત અર્થતંત્રમાં ખર્ચવાપાત્ર આવકનો છે. આજે ૨૦ વર્ષથી ઉપરનાં બધાં કામ કરતાં તો દેખાય છે. એટલે રોજગારી તો છે, પણ આ યોગ્ય આવક સાથેની રોજગારી નથી. ઉપર જોયું તેમ ૧૫ થી ૨૫ હજારમાં નોકરી કરનાર વર્ગની બધી જ આવક પાયાની અને રોજિંદી જરૂરિયાતો પાછળ ખર્ચાઈ જય તો, બચત વધશે કેવી રીતે? ગાડી બંગલા ખરીદશે કોણ? દેશમાં ખાનગી હોસ્પિટલો વધી છે. ખાનગી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. ખાનગી સેવાઓ વિસ્તરી છે. પણ, આ બધું જ ખરીદશક્તિ મુજબ ચાલવાનું છે. દર્દી હશે પણ ફી ન હોવાથી દવાખાનામાં નહીં જઈ શકે. અત્યારે જેમ મલ્ટીપ્લેક્ષમાં સોમથી શુક્ર દરમિયાન પ્રેક્ષકો મળતાં નથી, કારણકે ૨૦૦ રૂપિયા ખર્ચ કરીને ફિલ્મ જોનાર વર્ગ નથી. કેટલાય મોલ ગ્રાહકોના અભાવે બંધ થયા. આવનારા સમયમાં જન્મદર ઘટ્યો છે એટલે શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટવાની જ છે. અત્યારે જ ગામડાંઓમાં સ્કૂલો સંખ્યાના અભાવે બંધ થઇ રહી છે.

ભારતનાં શહેરોમાં વસ્તી વધી રહી છે પણ તે સ્થળાંતર આધારિત છે. ગામડાં ખાલી થઇ રહ્યાં છે. સર્વે કહે છે કે ગામડાંઓમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ છે. આનું કારણ શિક્ષણ અને રોજગાર માટે પુરુષ વસ્તીનું સ્થળાંતર છે. એક વાત સમજવા જેવી છે કે અત્યારે અર્થતંત્ર સરકારની આંગળી પકડીને ચાલે છે. વળી સમાજમાં પણ કુટુંબો એવાં છે જ્યાં વડીલો પેન્શન મેળવે છે અને યુવાનો ખાનગી નોકરી કરે છે. હવે આપણે ૨૦૦૪ પછી સરકારી નોકરીમાં પણ પેન્શન બંધ કર્યું છે. એટલે થોડાં વર્ષો પછી સમાજમાં નિયત અને નિશ્ચિત આવક મેળવતો વર્ગ નહીં હોય માટે ખર્ચવાપાત્ર આવક નહીં હોવાથી બજાર પર તેની ઘેરી અસર પડી શકે.

હાલ દેશમાં જી. ડી. પી. વધેલી દેખાય છે. અવનવી યોજનાઓ અમલી બની રહી છે પણ આ સમાજના એક ચોક્કસ વર્ગના હાથમાં જ સત્તા સમ્પત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થઇ રહ્યું છે. આપણે ત્યાં પાંચ લાખથી વધુની રકમ પર આવકવેરો ભરવો પડે છે. જો દેશમાં સાત લાખ જ રીટર્ન ફાઈલ થતાં હોય તો કાં તો દેશમાં કરચોરી વ્યાપક છે અથવા 120 કરોડ લોકોની વાર્ષિક આવક પાંચ લાખથી વધુ નથી. હમણાં જ આંકડા આવ્યા છે કે ગુજરાતમાં ૧૦ લાખ લોકોએ જીઓનું સબસ્ક્રાઈબ છોડી દીધું છે.એક બાજુ વધતા ભાવ અને બીજી બાજુ નીચી આવક.બજારનાં તમામ લોકોએ આ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. એક તરફ દેશમાં હોસ્પિટલોમાં લોકો લાખોનાં બીલ ચૂકવે છે, સ્કૂલોમાં મોટી ફી ભરે છે.

હાઈ વે થી માંડીને મલ્ટીપ્લેક્ષમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. બીજી બાજુ આ જ હોસ્પિટલોમાં નર્સ અને અન્ય સ્ટાફનો પગાર દસ હજારથી વધુ નથી.સ્કૂલો કોલેજોમાં પગારો આટલા જ છે. ચેનલના પત્રકાર કે બેન્કના કર્મચારી કોઈ ૨૫૦૦૦ થી વધતા નથી. તો આનો મતલબ એ કે આવક અને ખર્ચનો પ્રવાહ યોગ્ય નથી. આવક અને સમ્પત્તિનું કેન્દ્રીકરણ વધતું જાય છે. જેમ શરીરમાં લોહીના ગઠ્ઠા જામે અને તે તબિયતને નુકસાન કરે તેમ આવકના ગઠ્ઠા અર્થતંત્રને નુકસાન કરશે. આશા રાખીએ કે સામાજિક, આર્થિક નિસ્બતવાળાં લોકોને સરકાર પૂછે કે આ દેશમાં સારી આર્થિક નીતિ કઈ રીતે અમલી બનાવી શકાય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top