સુરત: જહાંગીરપુરામાં 10 વર્ષના બાળકે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપધાત કર્યો હતો. 5 વર્ષ પહેલાં માતાએ જે જગ્યાએ ફાંસો ખાધો, ત્યાં જ બાળકે પણ ફાંસો ખાતા અનેક સવાલો ઉભા થયા છે.
- જહાંગીરપુરાના બાળકને સાવકી માતા પતંગ માટે 10 રૂપિયા આપીને બહાર જતી રહી હતી
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, જહાંગીરપુરા વિસ્તારમાં કેતારાગામ હળપતિ વાસમાં રહેતા ભલાભાઈ રાઠોડ ખેતી કામ કરે છે. ભલાભાઈને પહેલી પત્ની થકી 2 પુત્ર છે અને બીજી પત્ની થકી 1 પુત્ર અને 1 પુત્રી છે. ભલાભાઈની પહેલી પત્નીએ 5 વર્ષ પહેલા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી ભલાભાઈએ બીજા લગ્ન કર્યા હતા.
ભલાભાઈની પહેલી પત્ની થકીના બે પુત્ર પૈકી 10 વર્ષીય કેતન રાઠોડે કાલે સવારે સાવકી માતા પાસેથી પતંગ લાવવા માટે 10 રૂપિયા માંગ્યા હતા. જેથી માતાએ 10 રૂપિયા પણ આપ્યા હતા અને બહાર જતી રહી હતી. ત્યારબાદ કેતને એકાએક ઝુંપડામાં લાકડાના મોભ સાથે શર્ટ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ લીધો હતો. જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતંગ ચગાવવા ભાઈએ દોરી નહીં આપતાં કેતને જીવ દીધો હોવાની શક્યતા
5 વર્ષ પહેલાં કેતનની માતાએ જે જગ્યાએ ફાંસો ખાઈ આપધાત કર્યો હતો, ત્યાં જ કેતને પણ ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાલે કેતને પતંગ લાવ્યા બાદ ભાઈ પાસેથી પતંગ ચગાવવા માટે દોરી માંગી હતી. જો કે ભાઈએ દોરી નહીં આપતા કેતને આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. પરંતુ હાલ પોલીસ કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી અને વધુ તપાસ હાથ ધરી છે.