ભારતીય રીઝર્વ બેંક (આર.બી.આઈ.) ના ગવર્નર તરીકે શક્તિકાન્તદાસ છ વર્ષની સેવા પછી નિવૃત્ત થયા અને કેન્દ્ર સરકારમાં રેવન્યુ સેક્રેટરી તરીકે સેવારત સંજય મલ્હોત્રા નવા ગવર્નર તરીકે જોડાયા. નેતૃત્વ પરિવર્તન સાથે સૌની નજર ફુગાવા પ્રત્યેના આર.બી.આઈ. ના વલણ પર છે. હાલમાં છૂટક ભાવનો ફુગાવો ૬.૨૧ ટકા નોંધાયો છે જ્યારે ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૧૦.૮ ટકા જેટલો ઊંચો છે. ભારતીય રિઝર્વ બેંકનો ફુગાવાની સહનશીલતાનો દર ચાર ટકા છે જે છ ટકા સુધી ઊંચો કરી શકાય છે.
૧૪ નવેમ્બરે એક કાર્યક્રમમાં વાણિજ્ય મંત્રી પીયુષ ગોયેલે ખાદ્ય પદાર્થના ફુગાવાને વ્યાજ દરની નીતિ સાથે નહિ જોડવાની ટકોર કરી અને આર.બી.આઈ. ને વ્યાજના દર ઘટાડવા માટે ઈશારો કર્યો હતો. વિત્ત મંત્રી નિર્મલા સીતારામને પણ ટકોર કરી કે મૂડી પર વ્યાજનો દર પરવડી શકે એવો હોય તો જ દેશમાં આર્થિક વિકાસ શક્ય બને. બંને મંત્રીઓના નિવેદન એ વાતનાં એંધાણ છે કે અર્થતંત્રમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. સરકાર કાંઇક ઈચ્છે છે અને આર.બી.આઈ કાંઇક. સરકારને ઘટેલા જી.ડી.પી.ના વૃદ્ધિ દરની તેમ જ ઊંચા બેરોજગારીના દરની ચિંતા છે તો આર.બી.આઈ.એ વધતા ફુગાવા તરફ ધ્યાન આપવાનું છે.
જ્યારે આર.બી.આઈ. અર્થતંત્રમાંથી નાણાંનો પ્રવાહ ઓછો કરે છે ત્યારે હેતુ એવો હોય છે કે ઓછા નાણાંને કારણે માંગ પર કાબૂ આવે અને પરિણામે ભાવ પર કાબૂ આવે. પણ જ્યારે નાણાંનો પ્રવાહ ઓછો થાય ત્યારે બજારમાં મૂડી રોકાણના પ્રવાહ પર પણ અસર પડે છે. વ્યાજ દર ઊંચો હોય તો મૂડીનો ખર્ચ ઊંચો જાય અને ઉત્પાદન મોંઘું થાય. પરિણામે ઉત્પાદન પર કાપ પણ આવી શકે જેની સીધી અસર રોજગારની તક પર પણ પડે. એટલે જ બંને મંત્રીઓ આર.બી.આઈ. ને ઈશારો કરી રહ્યા હતા કે બે વર્ષ સતત કડક નાણાં નીતિ અપનાવ્યા પછી હવે નાણાંનો પુરવઠો હળવો કરવો જોઈએ. પણ ફુગાવો કાબૂમાં આવવાનું નામ નથી લેતો અને આર.બી.આઈ. પાસે નાણાંના પુરવઠાના નિયંત્રણ સિવાય બીજું કોઈ સાધન નથી જે ફુગાવાને નાથી શકે.
આર.બી.આઈ. અને કેન્દ્રીય સરકાર વચ્ચે નાણાં નીતિને લઈને મડાગાંઠ થતી રહેતી હોય છે. આ મડાગાંઠનું મુખ્ય કારણ છે કે જ્યારે ચીજ-વસ્તુઓના પુરવઠાના અભાવે કિંમત પર ફુગાવાનું દબાણ આવે છે ત્યારે આર્થિક વૃદ્ધિ અને ભાવનિયંત્રણના બે હેતુ એકબીજાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. ખાદ્ય પદાર્થોને કારણે વકરતો ફુગાવો સામાન્ય માણસને સૌથી વધુ તકલીફ આપે છે, કારણકે જેમ આવક ઓછી એમ આવકનો મોટો હિસ્સો ખાદ્ય વસ્તુ માટે જ વપરાય. સરેરાશ ભારતીયના કુલ ખર્ચનો આશરે પચાસ ટકા હિસ્સો ખાદ્ય સામગ્રી પાછળ વપરાય છે. જ્યારે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધે એટલે મોટા ભાગની આવક એની પર જ ખર્ચાઈ જાય.
જીવનધોરણને સુધારતી અન્ય વસ્તુઓ ખરીદાય નહિ અને બચત પણ ખાસ વધે નહિ. નાણાંકીય નીતિ દ્વારા ખાદ્ય વસ્તુઓના ભાવ નિયંત્રિત કરી શકાય કે કેમ એ અંગે શંકા છે. કારણ કે નાણાંના પ્રવાહને નિયંત્રિત કરી મુખ્યત્વે માંગ ઉપર કાબૂ મેળવી શકાય છે જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવ પુરવઠામાં ઊભા થયેલાં વિઘ્નોને કારણે વધતા હોય છે. જળ-વાયુ પરિવર્તનને કારણે અચાનક મુશળધાર વરસી ગયેલો વરસાદ કે પછી પૂરથી થયેલી તબાહી કે પછી સાવ કોરા રહેલા ચોમાસાની અસરને નાણાં નીતિ દ્વારા કાબૂમાં ન લવાય. એ જ રીતે સતત ઊંડા જઈ રહેલાં પાણીનાં તળ અને રસાયણની બંધાણી બનેલી જમીને ગુમાવેલી ઉત્પાદકતાનો ઉપાય નાણાંના પ્રવાહમાં નથી.
આ ઉપરાંત વિશ્વને અનિશ્ચિતતાથી ઘેરી રહેલા બે યુદ્ધ – યુક્રેન-રશિયા યુદ્ધ અને ઈઝરાઈલ – પેલેસ્તીન યુદ્ધ પણ ફુગાવાને વધારવામાં એટલા જ જવાબદાર છે. વળી, જે ઊગે છે એની વહેંચણી પણ તો યોગ્ય નથી થતી. જેટલું અનાજ આપણે ઉગાડીએ છીએ એટલું લોકો સુધી પહોંચતું નથી. કેટલુંક ગોડાઉનમાં સડે છે તો કેટલુંક ટ્રાન્સપોર્ટમાં વેડફાય છે. ભૂતકાળ કરતાં એમાં સુધારો જરૂર થયો છે પણ હજુ અપૂરતો છે. આ ઉપરાંત ખાવાની ટેવ પણ બદલાઈ છે. પહેલાં સામાન્ય ભારતીયની થાળીમાં અનાજનું વર્ચસ્વ હતું. હવે શાકભાજી અને દૂધની પેદાશોનું મહત્ત્વ પણ વધ્યું છે. સરકારની ભાવનિયંત્રણની નીતિ હજુ પણ અનાજના ઉત્પાદન પર લાગુ પડે છે, જે શાકભાજી પર લાગુ પડતી નથી. એટલે શાકભાજીના ભાવમાં થતા વધારા લોકોને દઝાડતા રહે છે.
હવે, આર.બી.આઈ.ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યો છે. તેઓ તાલીમે આઈ.ટી. એન્જિનીઅર છે. નાણાં મંત્રાલયમાં કરવાનો અનુભવ ખરો પણ તેઓ અર્થશાસ્ત્રી નથી. શક્ય છે કે તેઓ નાણાં ક્ષેત્રમાં થઇ રહેલા ટેકનોલોજીના ધરખમ બદલાવને આકાર આપવામાં તેઓ શક્તિકાન્તદાસ જેવું યોગ્ય યોગદાન આપે, પણ શું તેઓ ફુગાવા અને આર્થિક વૃદ્ધિ વચ્ચે જામેલી ગાંઠને ઉકેલી શકશે? એ માટે જરૂરી લાંબા ગાળાનાં પગલાં અંગે સરકારના સલાહકાર બનશે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.