ભારતમાં મુસ્લિમોના રાજ દરમિયાન જૈનો અને હિન્દુ લોકોનાં હજારો મંદિરો તોડીને ત્યાં મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. જો આ બધી મસ્જિદોને તોડીને ત્યાં ફરી પાછાં મંદિરો ઊભાં કરવાં હોય તો તેમ કરવા જતાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભયંકર રમખાણો ફાટી નીકળે તેવી સંભાવના હતી. ૧૯૯૦ના દાયકામાં બાબરી મસ્જિદ-રામ મંદિરવિવાદ પેદા થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ વિવાદ કેવું હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વિવાદ પરથી બોધપાઠ લઈને ૧૯૯૧માં નરસિંહરાવની સરકારે સંસદમાં પૂજાસ્થળ કાયદો ઘડ્યો કે બાબરી મસ્જિદને બાદ કરતાં દેશના કોઈ પણ ધર્મસ્થાનના પ્રકારમાં ફેરફાર કરી શકાશે નહીં.
આ માટે ઇ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટને કટ ઓફ્ફ લાઇન ગણવામાં આવી હતી. તેનો સીધો મતલબ એવો થતો હતો કે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે જો કોઈ પૂજાસ્થળ મસ્જિદ હોય તો તેને હવે મંદિર બનાવી શકાય નહીં, પણ તે કાયમ માટે મસ્જિદ જ રહેશે. આ કાયદો મુસ્લિમો માટે ફાયદાકારક હતો, પણ હિન્દુઓ માટે નુકસાનકારક હતો, કારણ કે તેઓ અયોધ્યાની બાબરી મસ્જિદ પછી મથુરાની કૃષ્ણ જન્મભૂમિ સહિતની સેંકડો મસ્જિદોનું ફરીથી મંદિરોમાં રૂપાંતર કરવા માગતા હતા. તેમને આ કાયદો આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. હવે હિન્દુ સંસ્થાઓ દ્વારા આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે ૨૦૨૦માં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ૧૯૯૧ નો પૂજાસ્થળ કાયદો ધર્મનિરપેક્ષતા અને સમાનતા જેવા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમના મતે આ કાયદો હિન્દુઓને વધુ નુકસાન પહોંચાડે છે. આ અરજીનો વિરોધ કરીને જમિયત ઉલેમા-એ-હિંદ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને ઘણા કાર્યકરોએ પણ તેમની અરજી દાખલ કરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ પૂજાસ્થળ કાયદાની બંધારણીયતાને લગતી અરજીઓ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ બાબતોમાં હજુ ચર્ચા શરૂ થઈ નથી. ઓછામાં ઓછી ૬ અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં સરકારને નોટિસ પાઠવી હતી.
પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ કહે છે કે ભારતમાં ધાર્મિક સ્થળની સ્થિતિમાં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પછી કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં. આ કાયદાના વિવિધ વિભાગોમાં નીચેના મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કાયદાના વિભાગ ૩ હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમુદાયના ધાર્મિક સ્થળ અથવા પૂજાસ્થળની પ્રકૃતિ બદલવાનો પ્રયાસ કરી શકે નહીં. તેની કલમ ૪ (૧) માં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના જે સ્વરૂપમાં હતું તે જ સ્વરૂપમાં રહેશે. આ કાયદાની કલમ ૪ (૨) મુજબ જો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પછી કોઈ પણ ધાર્મિક સ્થળની પ્રકૃતિમાં ફેરફાર અંગે કોઈ કેસ, અપીલ અથવા અન્ય કાર્યવાહી કોઈ પણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા સત્તામાં પેન્ડિંગ હોય, તો તે કેસ રદ કરવામાં આવશે. આ સિવાય આવા કેસમાં ફરીથી કોઈ કેસ કે અપીલ દાખલ કરી શકાશે નહીં. આ કાયદાના વિભાગ-૫ મુજબ બાબરી મસ્જિદનો વિવાદ આ કાયદામાં સામેલ નથી, કારણ કે આ મામલો આઝાદી પહેલાં પણ કોર્ટમાં પેન્ડિંગ હતો. અન્ય અપવાદમાં એવાં ધાર્મિક સ્થળો છે જે પુરાતત્ત્વીય સર્વે વિભાગ (ASI) હેઠળ આવે છે. આ સ્થળોની જાળવણી અને સંરક્ષણ કાર્ય પર કોઈ પ્રતિબંધ નથી. આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઇદગાહ સહિત દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લાગુ પડે છે.
૧૯૯૦માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ આંદોલનના સમર્થનમાં રથયાત્રાની શરૂઆત કરી હતી. બિહારમાં તેમની ધરપકડ અને તે જ વર્ષે કારસેવકો પર ગોળીબારની ઘટનાઓને કારણે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ માહોલમાં અયોધ્યા આંદોલન અને તેનાથી સંબંધિત વિવાદો ચરમસીમાએ હતા. આવા સમયે, ૧૮ સપ્ટેમ્બર ૧૯૯૧ના રોજ કેન્દ્રની નરસિંહરાવ સરકાર દ્વારા સંસદમાં પૂજાસ્થળ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. તે સમયે ઉમા ભારતી સહિત ભાજપનાં અનેક નેતાઓએ નવા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવો કાયદો બનાવીને આપણે આવા વિવાદાસ્પદ મામલાઓને નજરઅંદાજ કરી શકતા નથી.
હાલમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવાં રાજ્યોમાં ૧૦ થી વધુ ધાર્મિક સ્થળો અને સ્મારકોના કેસો વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ છે. આ બધામાં પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ, ૧૯૯૧ની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ કેસોમાં હાલની મસ્જિદો, દરગાહ અને સ્મારકોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યાં હતાં અને તેને હિન્દુ સમુદાયને સોંપી દેવાં જોઈએ. જો આ કાયદો રદ કરવામાં આવે તો દેશમાં આવા સેંકડો કેસો કરવામાં આવશે અને અદાલતોની કાર્યવાહી ખોરવાઈ જવાનો ડર પેદા થશે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સામે ૧૯૯૧થી કેસો ચાલી રહ્યા છે, પરંતુ ૨૦૨૧માં એક નવો કેસ આવ્યા બાદ કેસ ઝડપથી આગળ વધી રહ્યો છે. પાંચ મહિલાઓએ બીજી અરજી દાખલ કરી, જેમાં તેઓએ મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી અને એ પણ કહ્યું હતું કે મસ્જિદમાં મા શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ અને ભગવાન હનુમાન જેવા ઘણાં દેવીદેવતાઓની મૂર્તિઓ છે જેની સુરક્ષા કરવી જોઈએ. અરજીકર્તાઓનું કહેવું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મંદિરને તોડીને આ મસ્જિદ બનાવી હતી. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય બાદ ફેબ્રુઆરી ૨૦૨૪થી મસ્જિદના એક ભોંયરામાં પૂજા પણ શરૂ થઈ ગઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આ અરજીઓ પૂજાસ્થળના કાયદા વિરુદ્ધ નથી. અત્યારે પણ આ તમામ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે.
કેટલાંક લોકો દાવો કરે છે કે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર બનેલી છે. ૨૦૨૦ માં છ શ્રદ્ધાળુઓએ એડવોકેટ રંજના અગ્નિહોત્રી દ્વારા અરજી દાખલ કરી મસ્જિદને હટાવવાની માંગણી કરી હતી. આ કેસમાં કુલ ૧૮ અરજીઓ છે. ઓગસ્ટ ૨૦૨૪માં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આ અરજીઓ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ની વિરુદ્ધ નથી. ૨૦૨૩માં હાઈકોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી જે મસ્જિદનો સર્વે કરી શકે, પરંતુ જાન્યુઆરી ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે તેના પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો, જે હજુ પણ અમલમાં છે.
આ વર્ષે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ રાજસ્થાનના અજમેર શહેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર અજમેરની સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓ દાવો કરે છે કે દરગાહની નીચે એક શિવ મંદિર છે. વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજીમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની માંગણી કરી છે અને કહ્યું છે કે દરગાહની જગ્યાએ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવે. અરજીની સુનાવણી કરતાં અજમેર પશ્ચિમ સિવિલ જજ મનમોહન ચંદેલની બેંચે લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ૨૭ નવેમ્બરે નોટિસ જારી કરી હતી. તેની આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે છે.
જ્ઞાનવાપી કેસની સુનાવણી દરમિયાન તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મૌખિક ટિપ્પણી કરી હતી કે પૂજાસ્થળ અધિનિયમ ૧૯૯૧, કોઈ પણ માળખાના ધાર્મિક પ્રકારની તપાસ પર પ્રતિબંધ મૂકતો નથી. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશની આ મૌખિક ટિપ્પણીને ટ્રાયલ કોર્ટ અને બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કાનૂની સત્તા તરીકે લેવામાં આવી હતી. આ અદાલતોએ કહ્યું કે આ પ્રકારના મામલાઓ પૂજાસ્થળ કાયદા હેઠળ પ્રતિબંધિત નથી. આ પછી મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.-
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.