તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે ગુરુવારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. આ વિશેષાધિકાર પ્રસ્તાવ ઉપલા ગૃહમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલામાં લાવવામાં આવ્યો છે. આ વિશેષાધિકાર પ્રસ્તાવને 60 વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે અને આ વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
સાગરિકા ઘોષે કિરેન રિજિજુ પર લગાવ્યા હતા આરોપ
ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે ગઈકાલે ગૃહમાં વિપક્ષને સંબોધિત કરતી વખતે કિરેન રિજિજુએ કહ્યું કે તમે બધા આ ગૃહમાં રહેવાને લાયક નથી. સંસદીય બાબતોના પ્રધાને સંસદને સુચારૂ રીતે ચલાવવા પર ધ્યાન આપવું જોઈએ પરંતુ તેના બદલે તેઓ વારંવાર વિપક્ષનું અપમાન કરી રહ્યા છે. ઘોષે કહ્યું કે ‘કિરેન રિજિજુએ વિપક્ષી સભ્યોનું અપમાન કર્યું છે અને સંસદની અંદર અને બહાર વિપક્ષી સાંસદો વિરુદ્ધ અંગત શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ સંપૂર્ણપણે અયોગ્ય છે અને તે પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષી સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેના જવાબમાં બુધવારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદો પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષના સાંસદો ગૃહમાં રહેવા માટે લાયક નથી. રિજિજુએ કહ્યું કે ‘જો તમે ખુરશીનું સન્માન ન કરી શકો તો તમને આ ગૃહના સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી.’ વિપક્ષી india ગઠબંધનના 60 સાંસદોએ મંગળવારે ધનખર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. આ પ્રસ્તાવમાં વિપક્ષે ધનખર ઉપર ઉચ્ચ ગૃહના અધ્યક્ષ તરીકેની ભૂમિકામાં ‘અત્યંત પક્ષપાતી’ હોવાનો આરોપ મૂક્યો હતો.
વિશેષાધિકાર પ્રસ્તાવ શું છે?
સંસદના સભ્યોને વ્યક્તિગત અને સામૂહિક રીતે અમુક વિશેષાધિકારો આપવામાં આવે છે જેથી તેઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી શકે. પરંતુ જો કોઈ સભ્ય આ વિશેષાધિકારો અથવા અધિકારોની અવગણના કરે છે અથવા તેનો દુરુપયોગ કરે છે, તો તે વિશેષાધિકારનો ભંગ માનવામાં આવે છે અને સંસદીય કાયદા હેઠળ સજાને પાત્ર છે. આ ઠરાવ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સભ્યોને લાગુ પડે છે અને જો કોઈ સભ્યને લાગે કે અન્ય સભ્યએ આનો ભંગ કર્યો છે તો તેઓ જે તે સભ્ય સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવી શકે છે.