એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
‘એક દેશ એક ચૂંટણી’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રીએ કેબિનેટમાં એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
અગાઉ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી, 100 દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.
‘એક દેશ, એક ચૂંટણી’નો ખ્યાલ શું છે?
પીએમ મોદી લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. ‘એક દેશ, એક ચૂંટણી’નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.
‘એક દેશ, એક ચૂંટણી’ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.