SURAT

સરથાણા નેચરપાર્કની ઐતિહાસિક ઘટના: જળબિલાડીએ એકસાથે 7 બચ્ચાંને જન્મ આપ્યો

સુરત: સુરત મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં બ્રિડિંગ પ્રોગ્રામને લઈ ઐતિહાસિક ઘટના બની હતી. નેચરપાર્કમાં વર્ષ 2008 માં બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરાયો હતો. જેમાં આજદિન સુધી જળબિલાડીઓમાં એકથી ચાર બચ્ચાંને જન્મ આપતી હતી પણ પ્રથમવાર એક જળબિલાડીએ સાત બચ્ચાંને જન્મ આપ્યો હોવાની ઘટના બની છે. જે સરથાણા નેચરપાર્ક માટે મોટી સફળતા મળી છે. કારણ કે સમગ્ર ભારતમાં હજુ સુધી કોઈ ઝૂમાં જળ બિલાડીઓનું આટલું સફળ બ્રિડિંગ નોંધાયું નથી.

  • સમગ્ર ભારતમાં હજુ સુધી કોઈ ઝૂમાં જળબિલાડીઓનું આટલું સફળ બ્રિડિંગ નોંધાયું નથી

કેપ્ટિવિટીમાં રહેલી માદા જળ બિલાડીએ તા. 6 ડિસેમ્બર 2024 ના દિવસે એકસાથે સાત બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હાલમાં માદા જળબિલાડી અને તેના બચ્ચાઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવામાં આવ્યું છે અને તમામ બચ્ચાઓને અને તેમના માતાને નેચર પાર્કના વેટરનરી ડોક્ટર્સ અને સ્ટાફની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી નદીના પૂરમાં જળબિલાડીઓ સુરત સુધી તણાઇ આવ્યા બાદ તેને સરથાણા ઝૂમાં રાખવામાં આવી હતી અને દેશના અન્ય ઝૂ માં જળબિલાડીઓ ઉપલબ્ધ નહોતી. તેથી 2008 મનપા દ્વારા સરથાણા નેચર પાર્કમાં બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં દેશના જુદાં જુદાં ઝૂને એનીમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ સુરત મનપાના સરથાણા ઝૂ દ્વારા જળ બિલાડીઓ આપીને જુદાં જુદાં પ્રાણીઓ મેળવવામાં આવ્યા છે.

16 વર્ષમાં 41 જળબિલાડીઓનો જન્મ નેચર પાર્કમાં થયો
2008 થી 2023 સુધીમાં સુરત ઝૂ માં મોટાપાયે જળબિલાડીઓનું સફળ બ્રિડિંગ થયું છે. આ સમયગાળામાં કુલ 41 બચ્ચાઓનો જન્મ થયો હતો. જેમાંથી 19 જળબિલાડીઓને પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ ભારતના વિવિધ ઝૂમાં એક્સચેન્જ કરવામાં આવી હતી. વિનિમય પ્રોગ્રામ દ્વારા અન્ય પ્રાણીઓ સુરત ઝૂમાં લાવવામાં આવ્યા છે.

Most Popular

To Top