SURAT

આંખે અંધારા લાવી દેતી વ્હાઈટ હેલોજન લાઈટ લગાડેલી 98 કાર સુરતમાં જપ્ત કરાઈ, જાણો શું છે નિયમ?

સુરત: શહેર પોલીસે આજે એક મેગા ડ્રાઇવમાં વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ જપ્ત કરી હતી. સુરતમાં 12 કલાકમાં 98 જેટલી કાર અને બાઈક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • પોલીસે મોડીફાઈડ વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાડતાં કારચાલક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં બુલેટચાલકો વિરુદ્ધ અભિયાન છેડી દીધું
  • કાર-મોટરસાયકલથી રોફ મારવા જશો તો 5-10 હજારના દંડની તૈયારી રાખવી પડશે

અનેક વાહનચાલકો તેમના વાહનોમાં વ્હાઈટ હેલોજન બલ્બ લગાડે છે, જે માત્ર લાઈટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી, પરંતુ મોટાભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણે બને છે. દરમિયાન હાલમાં રાજ્ય સરકારને આ મામલો ગંભીર જણાતાં ત્વરીત કાર્યવાહી કરવા માટે રાજ્ય પોલીસને સુચના આપી છે.

ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સરકારના આદેશ છતાં કેટલાક લોકો હેલોજન બલ્બ અને મોડીફાઇડ વાહનોનો ઉપયોગ ચાલુ રાખી રહ્યા છે. આમાંની મોટાભાગની કાર અને બુલેટ ધ્વનિ પ્રદૂષણ અને આગ-અકસ્માતોના મુખ્ય કારણ બની રહી છે.

આવા તત્વો સામે પગલાં લેવા સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશાળ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 98 જેટલી કાર ખાસ વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતી પકડવામાં આવી હતી. જ્યારે મોડીફાઇડ બુલેટ જે ધ્વનિ પ્રદૂષણ કરતી હતી, તેવી બુલેટ મોટરસાયકલો પણ જપ્ત કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો અને આવનારા દિવસોમાં આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે. 5000થી લઇ 10000 રૂપિયા સુધી દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. આને કારણે માનવીય જાનહાનિ અને માલહાનિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આવા કિસ્સાઓના પુનરાવર્તનને રોકવા માટે સરકાર અને સુરત પોલીસના પ્રયાસોથી ચિંતાનો અંત લાવવાનો આ પ્રયત્ન છે.

Most Popular

To Top