ચાલવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. હૃદય તથા ફેફસાં મજબૂત થાય છે. હાડકાં તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાંધાઓ તથા લીગામેન્ટસને મજૂબતી મળે છે. હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકથી બચી શકાય છે. ડાયાબિટીસ, કીડની ડીઝીસ- લીવરના રોગોથી દૂર રહેવાય છે. કેન્સરને પણ અટકાવે છે. ચાલવાથી સીરોટીનીલ લેવલ વધે છે જેથી ડીપ્રેશન-એન્કઝાયટીમાં ફાયદો થાય છે. એન્ડોરફીનનો સ્રાવ વધવાથી ઊંઘ પણ સારી આવે છે.
હાઈબ્લડ પ્રેસરવાળાં દર્દીઓને ઘણો ફાયદો થાય છે. વજનનું નિયંત્રણ કરે છે. ડીમેન્શીયા (સ્મૃતિ ભ્રંશ) તથા એલઝાઈમર ડીસીઝમાં ફાયદો થાય છે. ભૂખ લાગે છે. કોલન કેન્સર થતું અટકાવે છે. શરીરનું બેલેન્સીંગ અને કોઓર્ડિનેશન સુધારે છે. 1960ની આસપાસ જાપાનમાં લોકો બેઠાડુ જીવન જીવતાં હતાં. પછી ત્યાંના સાયન્ટીસ્ટોએ સૂચન કર્યું કે વ્યક્તિ જો 10000 સ્ટેપ ચાલશે તો આરોગ્યમાં ઘણો ફાયદો થશે. જાપાનીઝ 10000 સ્ટેપ ચાલવા માંડ્યું અને તેમના આરોગ્યમાં ઘણો ફાયદો જણાયો.
ચાલતી વખતે તમારી સ્પીડ 1 મિનિટના 100 સ્ટેપ્સ જેટલી હોવી જોઈએ. જો એકધારું 10000 સ્ટેપ્સ ચાલશો તો 1 કલાક 40 મિનિટ લાગશે અને 400 થી 500 કેલરી બર્ન થશે. પણ જરૂરી નથી કે તમે એકધારું 1000 સ્ટેપ્સ ચાલો. 60 થી 70 વર્ષની ઉંમરવાળા 6000 થી 8000 સ્ટેપ્સ ચાલશે તો યોગ્ય છે. સગર્ભાએ 30 મિનિટ ચાલવું જોઈએ.એક અઠવાડિયામાં 180 મિનિટ એકસરસાઈઝ આરોગ્ય માટે યોગ્ય છે. ચાલતાં પહેલાં વોર્મ-અપ અવશ્ય કરશો. ચાલવાની સાથે થોડું થોડું પાણી પીવું. ચાલતાં પહેલાં હળવો નાસ્તો (કાજુ, બદામ, એપલ)કરવો. ચાલ્યા પછી થોડી સ્ટ્રેચીંગ એકસરસાઈઝ કરવાની ભૂલશો નહિ. સર્વે સુખિન: સન્તુ, સર્વેસન્તુ નિરામયા
શિકાગો – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતી પાપડીના ભાવ આસમાને
શાકભાજીના ભાવ ડુંગરે અને સુરતી પાપડીના ભાવ આસમાને. શિયાળો આવે એટલે સુરતી ઊધિયું અને ઉબાડીયું બન્નેમાં પાપડી બેનનો વટ હોય છે પણ આ વખતે મોંઘાં થઇ ગયાં છે. સુરતીઓના રંગમાં ભંગ જોવા મળે છે. ઉબાડિયામાં પાપડી નહીંવત્ જોવા મળે છે. સાથે લસણનો ભાવ પણ જોરદાર છે. પોંકની સિઝન ચાલુ થઇ ગઈ છે. તેમાં પણ પોંક સાથે લસણની ચટણીની ગણતરી થાય છે. આ સુરતી પાપડી વગર આ વખતે મીજબાની થોડી અઘરી થઇ જશે. એવું લાગે છે પણ ખાવાના શોખીન સુરતીઓ ભાવ નથી જોતાં. એનો ટેસ્ટ જુએ છે.
સુરત – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.