Columns

હારીને છોડી ન દો

એક ૩૨ વર્ષનો યુવાન પત્ની અને બે બાળકો સાથે સુંદર જીવન જીવે. અચાનક જીવનમાં જાણે ઝંઝાવાત આવ્યો. ધંધામાં નુકસાન ગયું, પત્નીને કેન્સર ડિટેકટ થયું.બાળકો નાનાં હતાં.ચારે બાજુથી આવેલી અણધારી મુશ્કેલીઓ વચ્ચે તે મુંઝાઇ ગયો. કોઈ માર્ગ દેખાતો ન હતો. ધંધામાં ખોટને કારણે લેણદારો વધી ગયા હતા. પત્નીની બીમારીનો ખર્ચો હતો. ઘર અને બાળકો સાચવવાનાં હતાં. ખૂબ જ સ્ટ્રેસ રહેવાથી ધંધામાં અને કામમાં ધ્યાન પણ આપી શકતો ન હતો. તેને આત્મહત્યા કરવાના વિચારો સતત આવી રહ્યા હતા એટલો ત્રાસ વધી ગયો હતો.

પત્ની હિંમતથી પોતાના રોગનો સામનો કરી રહી હતી અને પતિની પણ હિંમત ન તૂટે તે માટે પીડા હોવા છતાં સતત હસતી રહેતી.એક દિવસ યુવાન બહુ જ હતાશ થઈને આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો, ‘હવે તારી દવા કરાવવા જેટલા પૈસા પણ બચ્યા નથી.કામ પણ બરાબર ચાલતું નથી.માંગું પણ કોની પાસે? તું તો મને ગમે ત્યારે છોડી જતી રહીશ પછી મારું શું થશે? મને લાગે છે કે મારે પણ મરી જ જવું જોઈએ.’ પતિની હતાશાભરેલી વાતો સાંભળી પત્ની અંદરથી ધ્રૂજી ઊઠી પણ હિંમત જાળવી તેણે કહ્યું, ‘કોણે કહ્યું, હું તમને છોડીને જતી રહીશ? હું બરાબર પરેજી પાળી ધ્યાન રાખી સાજી થઈને બતાવીશ અને તમે આમ હિંમત હારો તે કેમ ચાલશે? આપણાં બાળકોનું શું?’ નિરાશ યુવાન બોલ્યો, ‘બાળકોના નસીબ હું તેમને કંઈ આપી શકું તેમ નથી.’

પત્નીએ પોતાનાં બે બાળકોના ફોટો બતાવી બોલી, ‘મારી વાત ધ્યાનથી સાંભળો. દરેક બાળક માટે તેના માતા પિતા પ્રેરણા સ્રોત હોય છે પછી તે પંખી હોય તો તેને ઊડતાં જોઇને બચ્ચાં ઊડતાં શીખે છે.તે સિંહણ હોય તો તેને જોઇને બચ્ચાં શિકાર કરતાં શીખે છે અને તમે અને હું આપણાં બે બાળકોના પ્રેરણા સ્રોત છીએ. તમે હિંમત હારી શકો જ નહિ કારણ કે આપણાં બાળકો તમને આશાભરી જોઈ રહ્યાં છે અને તેઓ તમારી પાસેથી જ પ્રેરણા લેશે.હું પણ કેન્સરથી નહિ હારું કારણ કે મારાં બાળકો મને જોઈ રહ્યાં છે અને તેમને હજી મારી જરૂર છે.’ પત્નીના શબ્દોએ યુવાનને વિચારતો કરી મૂક્યો કે કોઈ નહિ  પણ મારાં બાળકો મને જોઈ રહ્યાં છે અને એટલે હું ન હારી શકું અને ન મેદાન છોડીને ભાગી શકું. મારે મુશ્કેલીઓ સામે લડવું જ પડશે.’ યુવાને ફરી હિંમત ભેગી કરી, પત્નીના કપાળ પર ચૂમી ભરી કહ્યું, ‘હું હારીને કે છોડીને નહિ ભાગું, લડી લઈશ.તું મારી સાથે રહેજે.’ પત્નીએ હા પાડી અને પતિના વોલેટમાં બે બાળકોનો ફોટો ગોઠવીને મૂક્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top