સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સામે વર્ષ ૨૦૧૧થી વિદ્રોહ ચાલી રહ્યો હતો, પણ તેમને રશિયા તેમ જ ઈરાનનો સદ્ધર ટેકો હોવાથી તેઓ ટકી ગયા હતા. સીરિયામાં છેલ્લાં સપ્તાહમાં એવું શું બન્યું કે જેના કારણે બશરનું સામ્રાજ્ય દસ જ દિવસમાં પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયું? છેલ્લાં અઠવાડિયે સીરિયાની પરિસ્થિતિમાં જે ઝડપથી પરિવર્તન આવ્યું છે તેનો ઘણા લોકોને ખ્યાલ નહોતો. માત્ર એક અઠવાડિયાં પહેલાં જ બશર અલ-અસદે આતંકવાદીઓને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
થોડા દિવસો પહેલા સીરિયાના ઉત્તરમાં આવેલા શહેર ઇદલિબમાં એક સશસ્ત્ર જૂથ હયાત તહરિર અલ-શામના નેતૃત્વ હેઠળ સરકાર સામે લડાઈ શરૂ થઈ હતી. આ જૂથનું અને તેના નેતા અલ- જુલાનીનું નામ પણ સીરિયાની બહાર કોઈએ સાંભળ્યું નહોતું. આ જૂથ પાસે અચાનક એવી તાકાત ક્યાંથી આવી ગઈ કે તેણે એક પછી મોટાં શહેરો કબજે કર્યાં અને છેવટે રાજધાની દમિશ્કમાં પણ પોતાની સત્તા સ્થાપિત કરી લીધી? આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સીરિયન સેના વિદ્રોહીઓની આ હિલચાલને કેમ રોકી શકી નહીં? એક પછી એક અનેક શહેરોમાંથી સીરિયાની સેના કેમ પીછેહઠ કરતી રહી? શું કોઈ મહાસત્તાના ટેકા વગર આવું બનવું સંભવિત છે?
સીરિયામાં થયેલી આ ક્રાંતિ પાછળ હયાત તહરિર અલ-શામના વડા અબુ મોહમ્મદ અલ-જુલાનીનું નામ ચર્ચામાં આવ્યું છે. અમેરિકાએ તેને પકડવા માટે ૧૦ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. અબુ મોહમ્મદ અલ-જુલાની તો અટક છે. તેનું સાચું નામ અને ઉંમર વિવાદિત છે. જન્મ સમયે તેનું નામ અહેમદ અલ-શરા હતું અને તે સીરિયન છે. તેનો પરિવાર ગોલન વિસ્તારમાંથી આવ્યો હતો. તેનો જન્મ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો, જ્યાં તેના પિતા કામ કરતા હતા. પરંતુ તે પોતે સીરિયાની રાજધાની દમિશ્કમાં મોટો થયો હતો. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૦૩માં અમેરિકા અને ગઠબંધનના દળો દ્વારા ઇરાક પરના આક્રમણ પછી અબુ મોહમ્મદ અલ-જુલાની ત્યાં સ્થિત જેહાદી જૂથ અલ-કાયદામાં જોડાયો હતો.
ઇરાકમાં અમેરિકન દળોએ વર્ષ ૨૦૧૦માં અલ-જુલાનીની ધરપકડ કરી અને તેને કુવૈત નજીક સ્થિત જેલ કેમ્પ બુકામાં બંદી બનાવી રાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે અહીં તે ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથની રચના કરનાર જેહાદીઓને મળ્યો હતો. અહીં તે અબુ બકર અલ-બગદાદીને પણ મળ્યો હશે, જે પાછળથી ઈરાકમાં આઈએસનો નેતા બન્યો હતો. અલ-જુલાનીએ મીડિયાને જણાવ્યું કે જ્યારે ૨૦૧૧માં સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો, ત્યારે અલ-બગદાદીએ ઇસ્લામિક સ્ટેટ જૂથની શાખા શરૂ કરવા માટે તેને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.
અલ-જુલાની ત્યારબાદ નુસરા મોરચાનો કમાન્ડર બન્યો, જે ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધો ધરાવતું સશસ્ત્ર જૂથ હતું. તેણે યુદ્ધના મેદાનમાં ઘણી સફળતાઓ હાંસલ કરી હતી. ૨૦૧૩ માં અલ-જુલાનીએ IS સાથે નુસરા ફ્રન્ટના સંબંધો તોડી નાખ્યા અને તેને અલ-કાયદાના નિયંત્રણ હેઠળ લાવ્યો. ૨૦૧૬માં તેણે અલ-કાયદાથી અલગ થવાની જાહેરાત કરી હતી. ૨૦૧૭ માં અલ-જુલાનીએ જણાવ્યું હતું કે તેના લડવૈયાઓ સીરિયન બળવાખોર જૂથો સાથે ભળી ગયા હતા અને તેમણે હયાત તહરિર અલ-શામ (HTS) ની રચના કરી હતી.
અલ-જુલાનીના નેતૃત્વ હેઠળ એચટીએસ ઉત્તરપશ્ચિમ સીરિયામાં ઇદલિબ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત મુખ્ય બળવાખોર જૂથ બની ગયું હતું. યુદ્ધ પહેલા આ શહેરની વસ્તી ૨૭ લાખ હતી. કેટલાક અંદાજો મુજબ, વિસ્થાપિત લોકોના આગમનને કારણે ઇદલિબ શહેરની વસ્તી એક સમયે ૪૦ લાખ સુધી પહોંચી ગઈ હતી. આ જૂથ ઇદલિબ પ્રાંતમાં સાલ્વેશન ગવર્નમેન્ટને નિયંત્રિત કરે છે.
તે સ્વાસ્થ્ય, શિક્ષણ અને આંતરિક સુરક્ષા પ્રદાન કરવામાં સ્થાનિક વહીવટીતંત્રની જેમ કામ કરે છે. ૨૦૨૧ માં જ અલ-જુલાનીએ એક સમાચાર સંસ્થાને કહ્યું હતું કે તે વૈશ્વિક જેહાદની અલ-કાયદાની વ્યૂહરચનાનું પાલન કરતો નથી. તેણે કહ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવવાનો હતો અને અમેરિકા અને પશ્ચિમનો પણ આ જ ઉદ્દેશ્ય હતો. આ ક્ષેત્ર યુરોપ અને અમેરિકાની સુરક્ષા માટે ખતરો નથી.
આ ક્ષેત્ર વિદેશી જેહાદને અંજામ આપવાનું પ્લેટફોર્મ નથી. ૨૦૨૦ માં HTSએ ઇદલિબમાં અલ-કાયદાના મથકો બંધ કર્યાં, શસ્ત્રો જપ્ત કર્યાં અને તેના કેટલાક નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. તેણે ઇદલિબમાં ઇસ્લામિક સ્ટેટની પ્રવૃત્તિ પર પણ અંકુશ લગાવ્યો હતો. HTSએ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઇસ્લામિક કાયદો લાદ્યો છે, પરંતુ તે અન્ય જેહાદી જૂથો કરતાં ઓછો કડક છે. અલ-જુલાની જો સીરિયામાં અમેરિકા વતી રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સામે જેહાદ ચલાવતો હતો તો અમેરિકાએ તેનાં માથાં પર ૧૦ મિલિયન ડોલરનું ઇનામ કેમ રાખ્યું હતું?
વર્ષ ૨૦૨૪ માટે ૧૪૫ દેશોના ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ અનુસાર સીરિયા લશ્કરી શક્તિની દ્રષ્ટિએ આરબ વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. સીરિયન સેનાને અર્ધલશ્કરી દળો અને સિવિલ મિલિશિયાનો સંપૂર્ણ ટેકો હતો. આ સેના સોવિયેત યુનિયનના સમયના સાધનો અને રશિયા જેવા સાથી દેશો પાસેથી મળેલા લશ્કરી સાધનો પર નિર્ભર હતી. સીરિયન સેના પાસે ૧,૫૦૦ થી વધુ ટેન્ક અને ૩,૦૦૦ બખ્તરબંધ વાહનો છે. તેના પાસે આર્ટિલરી અને મિસાઈલ સિસ્ટમ પણ છે. સીરિયન આર્મી પાસે હવાઈ યુદ્ધ લડવા માટે હથિયારો પણ છે. તેની પાસે ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર અને ટ્રેનિંગ પ્લેન છે. આ સિવાય નાનો નૌકા કાફલો પણ છે. સીરિયન નૌકાદળ અને હવાઈ દળ પાસે લટાકિયા અને ટાર્ટસ જેવા ઘણા મહત્વપૂર્ણ એરપોર્ટ અને બંદરો પણ છે.
આંકડાઓ અનુસાર સીરિયન સેનાની સ્થિતિ ભલે સારી લાગે, પરંતુ એવાં ઘણાં કારણો છે જેના કારણે તે નબળી પડી ગઈ છે. સીરિયાના ગૃહયુદ્ધના શરૂઆતના દિવસોની સરખામણીમાં આ સેનાએ તેના હજારો લડવૈયા ગુમાવ્યા છે. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સીરિયાની સેનામાં લગભગ ત્રણ લાખ સૈનિકો હતા. હવે આ સંખ્યા માત્ર અડધી રહી હતી. સૈનિકોની સંખ્યામાં ઘટાડો બે કારણોસર થયો છે. પ્રથમ, યુદ્ધમાં મૃત્યુ અને બીજું, મોટી સંખ્યામાં સૈનિકોએ યુદ્ધભૂમિ છોડીને બળવાખોરો સાથે હાથ મિલાવ્યા છે. સીરિયન એરફોર્સને પણ વિદ્રોહીઓ અને અમેરિકાના હવાઈ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી.
સીરિયા પાસે તેલ અને ગેસનો નોંધપાત્ર ભંડાર છે, પરંતુ યુદ્ધને કારણે તે ભંડારોનો ઉપયોગ કરવાની તેની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનું કારણ અમેરિકાનો સીઝર એક્ટ હતો. ડિસેમ્બર ૨૦૧૯ માં લાગુ કરાયેલા આ કાયદા હેઠળ અમેરિકાએ કોઈપણ સરકારી સંસ્થા અથવા સીરિયન સરકાર સાથે કામ કરતી વ્યક્તિઓ પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. ઘણા અહેવાલોએ સંકેત આપ્યો છે કે અસદ સરકારના સૈનિકોને ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે. સૈનિકોને દર મહિને માત્ર ૧૫ થી ૧૭ ડોલરનો પગાર મળતો હતો.
એક સીરિયન નાગરિકના જણાવ્યા અનુસાર આટલા પૈસા ત્રણ દિવસ માટે પણ પૂરતા નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં સીરિયાની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. અમેરિકન પ્રતિબંધોને કારણે સીરિયામાં ગરીબી વધી હતી. લશ્કરી અધિકારીઓને પણ તેઓને લાયક પૈસા નહોતા મળ્યા. તેઓ મુશ્કેલ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિમાં હતા. બશર અલ-અસદે ગયા બુધવારે સૈનિકોના પગારમાં ૫૦ ટકા વધારાની જાહેરાત કરી હતી. તેનો હેતુ સ્પષ્ટપણે વિદ્રોહી દળોની આગળ વધી રહેલી સેના વચ્ચે સૈનિકોના મનોબળને વધારવાનો હતો, પરંતુ એવું લાગે છે કે આ પગલું ખૂબ મોડું લેવામાં આવ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.