Sports

મોહમ્મદ સિરાજને મોટો ફટકો, ICCએ ફટકારી સજા: હેડ સામે શું કરી કાર્યવાહી જાણો…

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ પિન્ક બોલ ટેસ્ટમાં કાંગારૂ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને મોટો ફટકો પડ્યો છે. ICCએ સિરાજ પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે.

સિરાજને મેચમાં ટ્રેવિસ હેડ સાથે ઝઘડો કરવા બદલ આ સજા મળી છે. બીજી તરફ ICCએ ટ્રેવિસ હેડને માત્ર ઠપકો આપી છોડી દીધો છે. હેડને કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી. જોકે, આઈસીસીએ સિરાજ અને હેડ બંનેને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં આંખો બતાવી પેવેલિયન જતા રહેવાનો ઈશારો કર્યો હતો. પેવેલિયનમાં જતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.

ICCએ સિરાજને આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે અભદ્ર ભાષાના ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે હેડને આચારસંહિતાની કલમ 2.13નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ મુજબ ગેરવર્તન બદલ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

એડિલેડ ટેસ્ટમાં ભારત હાર્યું
એડિલેટમાં પિન્ક બોલથી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેનું ત્રણ જ દિવસમાં પરિણામ આવી ગયું હતું. પાંચ ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારત પહેલી ઈનિંગમાં 180 પર ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 337 રન બનાવી ભારતને 157 રનની લીડ આપી હતી, જેમાં સૌથી વધુ ટ્રેવિસ હેડના 140 રનનું યોગદાન હતું. હેડે ભારતીય બોલરોને ચારેતરફ ઝૂડ્યાં હતાં.

દરમિયાન બીજી ઈનિંગમાં પણ ભારતના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. ભારતની બીજી ઈનિંગ 175 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે એક પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી ઓસ્ટ્રેલિયાએ હાંસલ કરી ભવ્ય જીત મેળવી હતી.

Most Popular

To Top