Comments

રશિયા અને અમેરિકા વચ્ચેની પ્રોક્સી વોરમાં સીરિયા બરબાદ થઈ ગયું છે

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે માંડ યુદ્ધવિરામ થયો ત્યાં સીરિયામાં વિદ્રોહી જૂથો અને સરકાર વચ્ચેનો સંઘર્ષ ફરી એક વાર ઉગ્ર બન્યો છે. તાજેતરના સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. રશિયાએ દક્ષિણ તરફ આગળ વધતા બળવાખોરોને રોકવા માટે સીરિયામાં અનેક હવાઈ હુમલા કર્યા છે. રશિયાએ ઇદલિબ અને હમાના ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવ્યાં છે, જ્યાં હુમલાનું નેતૃત્વ કરી રહેલા બળવાખોર જૂથે હાલમાં જ નિયંત્રણ મેળવ્યું છે. શનિવારનો હુમલો એલેપ્પો પર ૨૦૧૬ પછી રશિયાનો પહેલો હુમલો હતો, જ્યારે બળવાખોરોએ સીરિયાનાં બીજાં સૌથી મોટાં શહેરના મોટા ભાગ પર કબજો કર્યો હતો.

સીરિયામાં ૨૦૧૧થી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો માર્યા ગયાં છે. જ્યારે બશર અલ-અસદ સરકારે લોકશાહીતરફી વિરોધને દબાવવા માટે પગલાં લીધાં ત્યારે આ યુદ્ધ શરૂ થયું હતું. બળવાખોરોને અમેરિકા તરફથી શસ્ત્રસહાય મળી રહી હતી, જ્યારે બશર અલ-અસદને ઇરાન ઉપરાંત રશિયાનો પણ ટેકો હતો. ૨૦૨૦ માં યુદ્ધવિરામ કરાર પછી અહીંનો સંઘર્ષ મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યો છે, પરંતુ વિપક્ષી દળોએ ઉત્તર-પશ્ચિમનાં શહેર ઇદલિબ અને આસપાસના મોટા ભાગના પ્રાંત પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.

ઇદલિબ શહેર એલેપ્પોથી ૫૫ કિલોમીટર દૂર છે. ૨૦૧૬ માં સરકારી દળો દ્વારા તેમની હાર થઈ ત્યાં સુધી આ શહેર બળવાખોરોનો ગઢ હતું. સીરિયામાં તાજેતરના હુમલાઓનું નેતૃત્વ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) અને તેના તુર્કી સમર્થિત બળવાખોરો દ્વારા કરવામાં આવ્યું છે. એચટીએસને અસદ સરકાર સામે લડતાં સૌથી અસરકારક અને ઘાતક જૂથોમાંનું એક માનવામાં આવતું હતું અને તે પહેલેથી જ ઇદલિબમાં પ્રભાવશાળી બળ હતું. બળવાખોરોએ એલેપ્પો એરપોર્ટ અને આસપાસનાં ડઝનેક શહેરો પર કબજો જમાવી લીધો છે. બળવાખોર લડવૈયાઓ દક્ષિણમાં હમા તરફ આગળ વધ્યા છે અને સીરિયન સેના ત્યાંથી પીછેહઠ કરી રહી છે. ભારત સરકારે સીરિયામાં રહેતાં ભારતીય નાગરિકો માટે ચેતવણી બહાર પાડી છે.

હયાત તહરિર અલ-શામ (HTS) ની સ્થાપના ૨૦૧૧ માં જભાત અલ-નુસરા નામથી કરવામાં આવી હતી. આ જૂથ ઉગ્રવાદી સંગઠન અલ કાયદાનું સાથીદાર હતું. ઈસ્લામિક સ્ટેટ (IS) જૂથના નેતા અબુ બકર અલ-બગદાદીએ પણ આ સંગઠનની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સામે લડતાં સૌથી અસરકારક અને ઘાતક જૂથોમાંનું એક માનવામાં આવતું હતું. વર્ષ ૨૦૧૬માં આ સંગઠનના નેતા અબુ મોહમ્મદ અલ-જવલાનીએ જાહેરમાં અલ કાયદા સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તેણે જભાત અલ-નુસરાને તોડી નાખ્યું અને એક નવું સંગઠન સ્થાપ્યું. એક વર્ષ પછી અન્ય ઘણા સમાન વિચારધારાવાળાં જૂથો આ સંગઠનમાં ભળી ગયાં હતાં અને તેને હયાત તહરિર અલ-શામ નામ આપવામાં આવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષથી સીરિયાની સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં ગૃહયુદ્ધનો અંત આવ્યો હોય. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અહીંનાં મુખ્ય શહેરો પર બિનહરીફ શાસન કરે છે, પરંતુ દેશના કેટલાક ભાગો હજુ પણ તેમના નિયંત્રણમાંથી બહાર છે. આમાં પૂર્વમાં કુર્દિશ-પ્રભુત્વ ધરાવતા વિસ્તારોનો સમાવેશ થાય છે, જે સંઘર્ષની શરૂઆતથી જ સીરિયન સરકારના નિયંત્રણની બહાર છે. દેશના દક્ષિણ પ્રદેશમાં ૨૦૧૧ માં અસદ શાસન સામે બળવો શરૂ થયો હતો ત્યાં પ્રમાણમાં શાંત બળવો આજે પણ ચાલુ છે.

પોતાને ઇસ્લામિક સ્ટેટ તરીકે ઓળખાવતાં જૂથે સીરિયાના વિશાળ રણમાં સુરક્ષા માટે જોખમ ઊભું કરવાનું ચાલુ રાખ્યું છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમમાં આવેલા ઇદલિબ પ્રાંત પર જેહાદી અને વિદ્રોહી જૂથોનો કબજો છે, જેઓ ગૃહ યુદ્ધ દરમિયાન અહીં આવ્યા હતા. ઇદલિબ ઘણાં વર્ષોથી યુદ્ધનું મેદાન છે, કારણ કે સીરિયાની સરકારી સેના અહીં ફરીથી નિયંત્રણ મેળવવા માંગે છે. ઇદલિબમાં વર્ષ ૨૦૨૦માં રશિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ યુદ્ધવિરામ કરાર થયો હતો. આ યુદ્ધવિરામ ઘણી હદ સુધી સફળ રહ્યો હતો. રશિયા લાંબા સમયથી રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું મુખ્ય સાથી છે, જ્યારે તુર્કીએ કેટલાંક બળવાખોર જૂથોને ટેકો આપ્યો છે.

ઇદલિબમાં લગભગ ૨૦ લાખ લોકો રહે છે. આમાંનાં મોટા ભાગનાં લોકો એવાં શહેરોમાંથી વિસ્થાપિત થયાં છે કે જેને બશર અલ-અસદનાં દળોએ ભીષણ યુદ્ધ પછી ફરીથી કબજે કર્યાં હતાં. સીરિયામાં એલેપ્પો એ સૌથી લોહિયાળ યુદ્ધભૂમિનું સાક્ષી છે. બળવાખોરોને પાછા ભગાડવા માટે બશર અલ-અસદે રશિયન એરફોર્સ અને ઈરાનની મદદ લીધી હતી. આમાં હિઝબુલ્લાહ પણ સામેલ હતું. તાજેતરમાં લેબનોનમાં ઈઝરાયેલના હુમલાને કારણે હિઝબુલ્લાહને મોટો ફટકો પડ્યો હતો. તાજેતરની ઘટનાઓએ અલેપ્પો પર અણધાર્યો હુમલો કરવાના બળવાખોર જૂથોના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગયા અઠવાડિયે સીરિયામાં બળવાખોરોએ સરકાર વિરુદ્ધ અચાનક હુમલો શરૂ કર્યો અને અત્યાર સુધીમાં તેઓએ બે મહત્ત્વપૂર્ણ શહેરો હમા અને એલેપ્પો પર કબજો કરી લીધો છે. બળવાખોરો હવે આગળ વધી રહ્યા છે. એલેપ્પોથી દમાસ્કસના માર્ગ પર હોમ્સ એ આગલું શહેર છે. બળવાખોરોના હુમલાના ડરને કારણે હોમ્સના અલાવાઈ સમુદાયે ઘરો છોડવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ આ સમુદાયના છે.

વીડિયો ફૂટેજમાં આ સમુદાયનાં લોકો ઝડપથી ઘર છોડીને ભાગતાં જોવા મળે છે. રસ્તાઓ પર કારોના કાફલા દેખાય છે. બળવાખોરોને આગળ વધતાં રોકવા માટે યુદ્ધ વિમાનોએ હમા અને હોમ્સ વચ્ચેના રસ્તા પરના પુલને નિશાન બનાવ્યું હતું. હમા એક વ્યૂહાત્મક શહેર છે. ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું આ શહેર દમાસ્કસને અલાવાઈ સમુદાયના પ્રભુત્વવાળા વિસ્તાર સાથે જોડે છે. સીરિયન સૈનિકોએ હમા પરનું નિયંત્રણ ગુમાવ્યા પછી તેઓ હોમ્સને બચાવવામાં કેટલા અંશે સફળ થશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

રાષ્ટ્રપતિ બશર અલ-અસદે બળવાખોરોને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ તેમણે કહ્યું છે કે પશ્ચિમી શક્તિઓ આ ક્ષેત્રનો નકશો બદલવા માંગે છે. બીજી તરફ સીરિયાના સહયોગી રશિયા અને ઈરાને બિનશરતી મદદની ઓફર કરી છે. ભૂતકાળમાં પણ અસદ પોતાના વિરોધીઓને દબાવવા માટે રશિયા અને ઈરાનની મદદ લેતા રહ્યા છે. આ વખતે પણ રાષ્ટ્રપતિ અસદની સેનાની મદદ માટે રશિયા અને ઈરાનની સેના પહોંચી ગઈ છે. રશિયાનાં ફાઈટર વિમાનોએ વિદ્રોહીઓના કબજામાં રહેલા વિસ્તારોમાં હુમલા તેજ કર્યા છે. જો કે, રશિયા અને ઈરાન બંને પોતપોતાના મોરચે વ્યસ્ત છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈરાન ઈઝરાયેલ સાથે અટવાઈ ગયું છે. આવી સ્થિતિમાં સીરિયાના રાષ્ટ્રપતિ અસદ વિદ્રોહીઓને અને તેમની સરકારના પતનને કેટલો સમય રોકી શકશે તે કહેવું મુશ્કેલ છે.

બળવાખોરોએ સીરિયામાં તેમનો હુમલો એવા સમયે શરૂ કર્યો જ્યારે ઈરાને લેબનોનમાં તેના સૌથી મજબૂત સાથીદાર હિઝબુલ્લાહને ઈઝરાયેલના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઇઝરાયેલે લેબનોનમાં ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહ સહિત હિઝબુલ્લાહના મોટા ભાગના નેતાઓને મારી નાખ્યા છે. આ ઉગ્રવાદી જૂથે અસદ સરકારને સીરિયન વિદ્રોહીઓથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બળવાખોરોએ એલેપ્પોમાં સ્થિત ઈરાનના વરિષ્ઠ સૈન્ય સલાહકાર બ્રિગેડિયર જનરલ કિઓમર પોરહાશેમીની હત્યા કરી દીધી છે. સીરિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે રશિયા અને અમેરિકા વચ્ચેની પ્રોક્સી વોરનો એક ભાગ છે. બે આખલાઓ વચ્ચેની લડાઈમાં સીરિયાનો કચ્ચરઘાણ નીકળી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top