Comments

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ચાલીસ વરસ : કોઈને કશો ફરક નથી પડ્યો

ચોપન વરસના રાહુલ ગાંધીના મગજમાં ગૌતમ અડાણી એક ગાંઠની માફક ઘૂસી ગયા છે. રાહુલના મગજનું ઓપરેશન કરાવવું જરૂરી છે. સરકાર અને ઉદ્યોગપતિની સાંઠગાંઠ બાબતે બાળરાજા અવારનવાર પુરાવા વગરના આરોપો કરતો રહે છે. એને એ નથી સમજાતું કે પ્રજાને એના પાયા વગરના આક્ષેપોમાં કોઈ રસ નથી. ભોપાલમાં પચ્ચીસ હજાર જેટલાં લોકોને ભરખી ગયું અને પાંચ લાખ લોકોને વિકલાંગ કે કાયમ માટે બિમાર બનાવી દીધાં તે યુનિયન કાર્બાઈડના ગેસ ગળતર કાંડને ગઈ બીજી ડિસેમ્બરે ચાલીસ વરસ થયાં. શા માટે ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુનિયન કાર્બાઈડના અમેરિકન માલિક વોરેન એન્ડરસનને હોનારતના થોડા દિવસોમાં જ ભારતમાંથી હેમખેમ અમેરિકામાં જતાં રહેવાની છૂટ આપી હતી! એ કંપની કે કંપનીના માલિક સામે ક્રિમિનલ એક્ટ હેઠળ શા માટે કોઈ પગલાં લેવામાં ન આવ્યાં? રાહુલના ડીએનએ અને લોહીમાં બોફોર્સનાં નાણાં દોડી રહ્યાં છે. આમને બોફોર્સ યાદ નથી તો યુનિયન કાર્બાઈડ અને ગેસ દુર્ઘટના ક્યાંથી યાદ હોય?

બીજી ડિસેમ્બર, 1994ની મધ્યરાત્રિ થવાની થોડી પળો અગાઉ ભોપાલ ખાતેની યુનિયન કાર્બાઈડની જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરીમાંથી મિથાઈલ આઈસોસાઇનેટ નામક અત્યંત ઝેરી વાયુ સ્ટોરેજ ટેન્કમાંથી લીક થવા માંડ્યો. એ રાત્રિ દરમિયાન ભોપાલ શહેરમાં 27 ટન વાયુ ફેલાઈ ગયો. હજારો અને લાખો લોકોનો શ્વાસ ઊંઘમાં જ ગૂંગળાઈ ગયો. પરોઢના સમયે જ ભોપાલ શહેરની ગલીઓ મૃતદેહોથી ઊભરાઈ રહી હતી. અનેકના મગજને પ્રાણવાયુ ન મળ્યો તેથી જીવનભર અપંગ બની ગયાં. ફેક્ટરીની આસપાસ રહેતાં હતાં તેઓ મોતની લપેટમાં આવી ગયાં. તેમાં મુસ્લિમોની સંખ્યા વધુ હતી. ફેક્ટરીની આસપાસ ઝૂંપડપટ્ટીઓ પણ ફૂલીફાલી હતી.

માનવાધિકારો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલના આંકડાઓ મુજબ ગેસ ગળતરની ઘટનાના ત્રણ દિવસમાં જ 10,000 લોકો મરણ પામ્યાં હતાં અને બીજા 12,000 ત્યાર પછીના દિવસોમાં મરણ પામ્યાં હતાં. કબ્રસ્તાનો અને સ્મશાનોમાં જગ્યા બચી ન હતી. લગભગ તમામને અસર થઈ હતી તેમાં કોણ કોની મદદે આવે? લાશો રઝળતી રહી. આજે પણ ગેસ વિસર્જનને કારણે વિકલાંગ થયેલાં પાંચેક લાખ લોકો ભોપાલમાં યાતનામય જીવન જીવી રહ્યાં છે.

આટલી મોટી હોનારતમાં યુનિયન કાર્બાઈડ કંપનીના માલિકો, હોદ્દેદારો કે કર્મચારીઓ સામે કશાં પગલાં ભરવામાં ન આવ્યાં. એ દિવસોમાં યુનિયન કાર્બાઈડના માલિક અને ચેરમેન વોરેન એન્ડરસન ભારતમાં હતા. ભારતની અદાલતોએ પણ અલિપ્ત વલણ અપનાવ્યું. જાણે કે કશું બન્યું જ નથી. દુર્ઘટના બાદના થોડા દિવસો બાદ વોરેન એન્ડરસન યુનિયન કાર્બાઈડના કારખાનાની સ્થળ પર મુલાકાત માટે પહોંચ્યા.

ત્યાં એમની ધરપકડ કરવામાં આવી પરંતુ ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધી અને ભોપાલ અદાલતના ન્યાયાધીશ અઝીઝ અહમદીની કૃપાદૃષ્ટિથી વોરેન એન્ડરસનને એ જ દિવસે છોડી મૂકવામાં આવ્યા. કહે છે કે એમને છોડી મૂકવા માટે અમેરિકન સરકાર તરફથી દબાણ આવ્યું હતું. સાપ જતા રહ્યા પછી ભારતના નેતાઓ, વિપક્ષો વગેરેએ મગરનાં આંસુ વહાવ્યા, ધમપછાડા કર્યા પણ વોરેન એન્ડરસન એ વખતે અમેરિકા જતા રહ્યા પછી ક્યારેય ભારત આવ્યા નહીં. વરસ 2014માં એમનું મરણ થયું. કહે છે કે આટઆટલાં લોકો માર્યા ગયાં અને જખમી થયાં તેનો ખૂબ વસવસો એમને જીવનમાં છેલ્લે સુધી સાલ્યો હતો અને એ પછીના દિવસો એમણે એકાંતવાસમાં ગાળ્યા હતા. પરંતુ ભારતની અદાલતો, નેતાઓના વલણ અને ગેરવર્તનનો આ સૌથી મોટો અને સૌથી વધુ દયા ઉપજાવે તેવો દાખલો છે.

એન્ડરસન સામે કેસ માંડવામાં આવ્યો હતો પરંતુ અદાલતમાં એ ક્યારેય હાજર થયા નહીં. વરસો સુધી કેસ ચાલ્યા બાદ વરસ 2010માં યુનિયન કાર્બાઈડની ભારતીય શાખા કંપનીના સાત ભારતીય કર્મચારીઓને અદાલતે બે બે વરસની કેદ અને એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. આવી છે ભારતની ન્યાયવ્યવસ્થા, જેમાં હવે, મિડિયાની વ્યાપક હાજરીને કારણે ફરક પડ્યો છે. સરકારોના વર્તનમાં પણ ફરક પડ્યો છે.

વરસ 2001માં દુનિયાની એક મોટી કેમિકલ કંપની ડાઉ કેમિકલ્સે યુનિયન કાર્બાઈડ ખરીદી લીધી. 2004થી માંડીને ગયા વરસ સુધી અદાલતોએ ડાઉ કેમિકલ્સને સંખ્યાબંધ સમન્સ મોકલ્યા હતા. છેક 2023માં અમેરિકાના ન્યાયખાતાએ ડાઉ કેમિકલ્સને સમન્સ પાઠવ્યાં હતાં. ત્યાર બાદ કંપનીના વકીલ ભોપાલની અદાલતમાં હાજર થયા હતા. કંપનીના વકીલે અદાલતમાં દલીલ કરી કે એક અમેરિકન કંપની પર ફોજદારી કામ ચલાવવાનો ભારતની અદાલતને અધિકાર નથી. અમેરિકન કંપની ભારતની અદાલતના જ્યુરિસ્ડીક્શન અથવા ન્યાયક્ષેત્રમાં આવતી નથી. ડાઉ કંપનીએ ભારતમાં તેની પોતાની માલિકીની યુનાઈટેડ કાર્બાઈડ કંપની વતી કોઈ જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી. બસ પત્યું. દરમિયાન જે પેલા સાત કર્મચારીઓને બે બે વરસની કેદની સજા થઈ છે તેઓ અપીલમાં ગયા છે અને હજી સુધી કેસ ચાલી રહ્યો છે. એ સાતેયમાંથી એક પણ એક દિવસ માટે પણ જેલમાં ગયો નથી.

મૃતકો અને અપંગો અને બિમારો વતી એમનાં સગાંવહાલાંઓ યોગ્ય વળતરની માગણી કરતાં રહે છે. જે વળતર અપાયું તે મામૂલી છે અને બિમાર પડેલા લોકોના વારસદારોમાં પણ અમુક બિમારીઓ ઊતરી છે. 1989માં યુનિયન કાર્બાઈડ અને ભારત સરકાર વચ્ચે વળતર આપવાની બાબતમાં સમજૂતી થઈ હતી. તે મુજબ ત્યારના 47 કરોડ ડોલર ચૂકવવા કંપની તૈયાર થઈ. ત્યારે ડોલરની કિંમત આજે છે તેનાથી ઘણી ઓછી હતી. ભારત સરકારે ત્રણ અબજ ત્રીસ કરોડ ડોલરનું વળતર માગ્યું તેની સામે માત્ર 47 ડોલર મળ્યા.

જેઓ હોનારતનો ભોગ બન્યા છે તેઓને શ્વસનતંત્ર, આંખ, નબળી રોગપ્રતિકારશક્તિ જેવી અનેક બિમારીઓ હજી પજવે છે. હોનારત બાદ સ્ત્રીઓમાં કસુવાવડ, ગર્ભપતનનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. જેમણે ઝેરી ગેસનો સામનો કર્યો તે લોકોમાં કેન્સરનું પ્રમાણ આઠ ગણું વધી ગયું છે. ગેસ દુર્ઘટના બાદ જે સ્ત્રીઓએ ઝેરી વાયુ શ્વાસમાં લેવો પડયો તેઓનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો પણ વિકલાંગ જન્મી રહ્યાં છે. દુર્ઘટનાની શરૂઆતના સમયમાં માનવામાં આવતું હતું તેના કરતાં પણ વધુ બિહામણાં પરિણામો જોવામાં આવી રહ્યાં છે.

શરૂ શરૂમાં સરકારી તબીબોએ કહ્યું હતું કે ઝેરી ગેસની અસર સાડા ચાર કિલોમિટરની ત્રિજ્યામાં થઈ છે. પણ હવે જાણવા મળી રહ્યું છે કે સો કિલોમિટર દૂર સુધીનાં લોકો પર તેની અવળી અસરો પડી છે. કઠણાઈ એ છે કે બીજે કોઈ વૈકલ્પિક જગ્યા રહેવા માટે મળી નથી તેથી દોઢ લાખ લોકો હજી એ યુનિયન કાર્બાઈડના ઝેરી કચરાના ઢગોની આસપાસ વસી રહ્યાં છે. કચરો ઊઠાવીને કોઈ સલામત જગ્યાએ દાટી દેવાનો વિકલ્પ હજી મળતો નથી. ઘણાને લાગે છે કે આ ભારેલો અગ્નિ છે તેની સાથે કંઈક આઘુંપાછું થાય તો ફરીથી કરુણાંતિકા સર્જાવાનો ભય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top