Comments

અમેરિકન ટેરિફનો દંડો આપણને પણ વાગશે

હમણાં અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા છે એટલે મગજ બાજુ પર મૂકીને ભક્તિમાર્ગના પ્રવાસે નીકળેલા ભારતનાં શ્રદ્ધાળુઓ એમ માનતાં થઈ ગયાં છે કે જાણે આપણો કાકાનો છોકરો-ભાઈ અમેરિકાનો પ્રમુખ બન્યો. આ અક્કલમઠાઓ એવું સમજે છે કે, ટ્રમ્પ ટેરિફ નાખશે એટલે મેક્સિકો, કેનેડા અને ચીનને નુકસાન થવાનું છે. એમને એ ખબર નથી કે, હજુ તો પડદો ઊંચકાયો છે, જુદી જુદી એન્ટ્રીઓ હવે થશે. એમાંની એક એન્ટ્રી અમેરિકામાં યોગ્ય તે વિઝા નહીં ધરાવનારા વ્યક્તિઓને મિલિટરી દ્વારા પકડીને કાઢી મૂકાશે. આજે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતાં પકડાતાં દસ ભારતીયોમાંથી પાંચ ગુજરાતી હોય છે. કેનેડા સરહદેથી પ્રવેશ કરનારની સંખ્યા રોજની ૪૦ જેટલી અંદાજવામાં આવી છે. ત્યાં પણ આપણી સંખ્યા ઓછી નહીં હોય. એટલે ટ્રમ્પશાસન કોઈ પણ શેહમાં આવ્યા વગર જે દંડો વીંઝશે તે ખાસ્સો આપણને પણ વાગશે.

વળી પાછા ટેરિફની વાત પર આવીએ. ટ્રમ્પનો ઇરાદો બહુ સરળ છે. અમેરિકામાં થતી કોઈ પણ આયાતને એ આર્થિક નુકસાન અને રોજગારીનું સ્થળાંતર ગણે છે. અત્યારે આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચીન છે. બીજા નંબરે અમેરિકા આવે. વધુ અગત્યનું તો એ છે કે અમેરિકા સાથેના વ્યાપારમાં આપણે આયાત કરીએ છીએ તેની સરખામણીમાં નિકાસ વધુ કરીએ છીએ. ટ્રમ્પ પોતાની નીતિના ભાગરૂપે ભારતના બજારમાં વધુ અમેરિકન ઉત્પાદનો પ્રવેશ કરે એવું દબાણ કરી શકે. એમાંનું એક ડેરી અને એગ્રોબેઝ ફુડ આઇટમ પણ હશે. એક બાજુ હજુ આપણે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એ મામલો થાળે પાડી શક્યા નથી અને ત્યાં જો ન કરે નારાયણ અને અમેરિકાની ડેરી પ્રોડક્ટસ કે ફુડ પ્રોડક્ટસ આ દેશમાં ઠલવાવા માંડે તો શું થાય?

આવું થશે જ એવું કહેવાનો કોઈ ઇરાદો નથી પણ થાય તો આયોજનનો એક પાયાનો સિદ્ધાંત છે, ‘પ્લાન ફોર ધ વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ’ અર્થાત્ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ઊભી થાય તો તેમાંથી બહાર નીકળવાનું આયોજન કરો અને સારામાં સારી સ્થિતિ ઊભી થશે એ આશાવાદ હેઠળ જીવો. બીજું, રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જાય તો તો સારું પણ ન થાય અને રશિયા ઉપરના પ્રતિબંધો ચાલુ રહે તો એ પ્રતિબંધો હોવા છતાં આપણે રશિયાનું ક્રુડ ઑઇલ અને બીજું બધું ખરીદીએ તે ચલાવી લેવાનું વલણ ટ્રમ્પ રાખશે એવું માની લેવું વધારે પડતો આશાવાદ છે.

અમેરિકાનો વ્યૂહાત્મક રસ હવે બાંગ્લાદેશમાં છે. બાંગ્લાદેશે અમેરિકાને પોતાનો અતિ શક્તિશાળી બેઝ બનાવવા માટે પોતાને ત્યાં સેન્ટ માર્ટિન નામના ટાપુ આપવાની તૈયારી બતાવી છે. માલદીવ્સ અને શ્રીલંકા તેમજ પાકિસ્તાનનું ગ્વાદર ચીનના હિતોને સંઘરીને બેઠા છે ત્યારે બાંગ્લાદેશ પોતાના ટાપુઓ અમેરિકન બેઝ માટે આપે તેનાથી વ્યૂહાત્મક ઇન્ડો-પેસિફિક જળમાર્ગ પર તેમજ ચીન પર સીધી નજર અમેરિકા રાખી શકશે. બાંગ્લાદેશે આ ટાપુઓ ઉપર નાગરિકોનો પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે. બાંગ્લાદેશના પ્રમુખ પણ અમેરિકાની કઠપૂતળી છે. મહંમદ યુનુસ ભારતીય હિતમાં કામ ક૨શે એવું માનવું મુર્ખામી હશે.

ભારતીય ઉદ્યોગપતિની વીજળી કંપનીનો બાંગ્લાદેશે ફ્યુઝ ઉડાડી દીધો છે. આ બધું અમેરિકાની લીલી ઝંડી ના હોય તો ના થાય. એક સમયે અમેરિકાને પોતાના બેઝ માટે આપણા લક્ષદ્વીપ-માલદીવમાં રસ હતો. હવે એને સારો વિકલ્પ મળી ગયો છે. બાંગ્લાદેશ પાકિસ્તાનની પણ નજદીક જઈ રહ્યું છે. અમેરિકન અસર અત્યારે બાંગ્લાદેશ પર હાવી છે. અમેરિકા અને કેનેડા સાથે ભારતના સંબંધો બહુ સારા ગણી શકાય એવું આજની તારીખે તો નથી ત્યારે ભારતીય નિકાસ અને ભારતીય નાગરિકો બંને માટે અમેરિકામાં વિપરીત યોગ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. આમ, ટ્રમ્પ પ્રમુખ બનશે એટલે ‘આપણે લીલાલહેર’ એમ કહીને ગોળધાણાનો પ્રસાદ વહેંચવા નીકળેલા આરાધકો ક્યાંક ખોટા તો નહીં પડે ને? આપણે ઇચ્છીએ આવું ના થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top