કોઇ પણ પરિવારમાં બે એવા મોટા ખર્ચ આવે છે જેમાં એક છે માંદગી. માંદગી માટે પણ હવે તો ઇન્સ્યોરન્સ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં તેનો ખર્ચો એટલો મોટો હોય છે કે કદાચ કોઇ પરિવાર દેવાદાર બની જાય છે. માંદગી આવવી તે કોઇને હાથમાં નથી તે ગમે ત્યારે આવી જાય છે અને સ્વજનને બચાવવા માટે દેવું કરવું પડે તો કરવું જોઇએ તેમાં કોઇ જ ખોટી બાબત નથી પરંતુ બીજી બાબત છે લગ્ન. ભારતના હિન્દુ પરિવારમાં લગ્ન એટલો મોટો ખર્ચ માંગી લે છે કે, બાળક જન્મે ત્યારથી જ તેના લગ્ન માટેનું સોનુ જમા કરવાની શરૂઆત થઇ જાય છે.
લગ્ન એમ તો સાદગીથી પણ થઇ શકે છે પરંતુ પરિવારના ઉમંગના કારણે તેની પાછળ પણ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. જો વ્યક્તિ આવો ખર્ચ કરવા માટે સક્ષમ હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ તેના માટે દેવું કરવું પડે તે સારી બાબત નથી. તાજેતરમાં વેડિંગ લોન માટે સમર્પિત ફિટનેક પ્લેટફોર્મ વેડિંગલોન ડોટકોમ લોન્ચ કરાયું છે. જેમાં આઈડીએફસી, તાતા કેપિટલ અને એલએન્ડટી ફાઇનાન્સ પણ તેમાં ભાગીદાર છે.
મેટ્રિમોનીડોટકોમના મયંક ઝાનું કહેવું છે કે 25થી 30% પર્સનલ લોન લગ્નો સાથે સંબંધિત છે. છેલ્લાં બે વર્ષમાં તેમની માંગમાં 20%નો વધારો થયો છે. વેડિંગ લોનનું મુખ્ય આકર્ષણ તેમની સુલભતા છે. જેમ કે એક્સિસ બેન્ક સિક્યોરિટી વગર લોન આપે છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 50 લાખ રૂપિયા સુધી આપે છે, જ્યારે IDFC બેન્ક 1 કરોડ રૂપિયા સુધી લોન આપે છે. વ્યાજ દરો 10%થી શરૂ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીયોમાં મહત્ત્વાકાંક્ષા ઝડપથી વધી રહી છે અને તેઓ પ્રાયોગિક ખર્ચને મહત્ત્વ આપે છે. જેમ જેમ અર્થવ્યવસ્થા વધે છે.
ભારતીય લગ્નો માત્ર આયોજન નહીં, પરંતુ લાંબા સમય સુધી ચાલતું એક ભવ્ય સેલિબ્રેશન બની ગયાં છે. બોલિવૂડ-સ્ટાઈલના સમારોહ અને ડેસ્ટિનેશન વેડિંગ પર ખાસ ખર્ચ કરવામાં આવે છે. તેથી માતા-પિતા પર વધુ બોજ ન પડે તે માટે યુવાનો હવે બચતના પૈસા વાપરે છે, લોન પણ લઈ રહ્યા છે. દેશનાં 20 શહેરોમાંથી 1,200 મિલેનિયલ્સના સરવેમાં જાણવા મળ્યું છે કે 42% લોકો પોતાનાં લગ્ન માટે પોતે નાણાં એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઈન્ડિયાલેન્ડ્સના વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 મુજબ 41% તેમની બચતમાંથી પૈસા ખર્ચ કરવાનો ઇરાદો ધરાવે છે, 26% વ્યક્તિગત લોન લેવાનું વિચારી રહ્યા છે જ્યારે 33% લોકોએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. રિપોર્ટ અનુસાર 68% યુવાનો 1 લાખથી 5 લાખ રૂપિયાની લોન લેવાનું વિચારી રહ્યા છે. તેનું કારણ લગ્નના કાર્યક્રમોનો વધતો ખર્ચ છે. વેડિંગ પ્લાનર વેડમિગુડનો અંદાજ છે કે આ વર્ષે લગ્નનું સરેરાશ બજેટ 36.5 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે, જ્યારે ડેસ્ટિનેશન વેડિંગ માટે સરેરાશ 51 લાખ રૂપિયા છે. જે ગયા વર્ષ કરતાં 7% વધુ છે. સ્થળ અને કેટરિંગ ખર્ચમાં પણ 10%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં યુવા યુગલો લોન લઈને તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધારી રહ્યાં છે.
તાજેતરમાં જ સુરત સ્થિત એક પરિવારે તાજેતરમાં એક ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કર્યું છે જેણે ઈન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું છે. વધુ ખુશી વસ્તરપરા અને વર સ્મિત બાબરિયાએ એવા ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા જે પરંપરાગત લગ્ન કરતાં બોલીવુડ એવોર્ડ્સ નાઈટ જેવો લાગતો હતો. ખરેખર, ઘણા બોલીવુડ સિતારાઓએ લગ્નમાં પરફોર્મન્સ આપ્યું જેમાં રણવીર સિંહ, મલાઈકા અરોરા, દિયા મિર્ઝા અને નોરા ફતેહીનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા યુઝર્સને ખુશી વસ્તરપરા અને સ્મિત બાબરિયાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ તેમજ મહેમાનો દ્વારા ઓનલાઇન સામે આવેલા પરફોર્મન્સના અનેક વીડિયો દ્વારા લગ્નની ઝલક જોવા મળી હતી. વિધિઓની પશ્ચાદભૂમિ તરીકે લગ્નના સ્થળે ખાસ બાહુબલી થીમવાળો સેટ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 17 નવેમ્બરના રોજ યોજાયેલા આ પહેલેથી જ ભવ્ય લગ્નમાં વધુ ભવ્યતા ઉમેરવા માટે વોટર ફાઉન્ટેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કહેવાય છે કે આ લગ્નનું આયોજન સુરતના બિલ્ડર જયંતીભાઈ બાબરિયા, જે એકલેરા રિયલ્ટીના માલિક છે, તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં દિયા મિર્ઝા, નોરા ફતેહી અને મલાઈકા અરોરાના પરફોર્મન્સની ઝલક જોવા મળે છે. રણવીર સિંહને માત્ર પરફોર્મ કરતા જ નહીં પરંતુ પરિવારના સભ્યોને પણ નૃત્યમાં જોડાવા માટે પ્રેરિત કરતા ફિલ્માવવામાં આવ્યા હતા, જેમાં તેમણે લગ્નમાં પોતાની સિગ્નેચર હાઈ એનર્જી લાવી હતી. લગ્ન પહેલાં ઘણા પ્રી વેડિંગ ફંક્શન્સ યોજાયા હતા, જેમાં એક ભવ્ય સંગીત નાઈટનો સમાવેશ થાય છે જ્યાં વધુ ખુશી વસ્તરપરાએ ગોલ્ડન લહેંગા પહેર્યો હતો.
આ બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ્સની લાંબી શ્રેણીમાં તાજેતરનું છે જેણે ઈન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું છે. આ પહેલાં, અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણીના અત્યંત ભવ્ય લગ્ન સમારોહે મહિનાઓ સુધી સમાચારોમાં સ્થાન મેળવ્યું હતું. આ એવા પરિવારો છે જેમની સાત પેઢી બંને હાથે લૂંટાવે તો પણ રૂપિયા ખૂટે તેમ નથી. આ પરિવારો જાહોજલાલીથી લગ્ન કરે તેમાં કંઇ જ ખોટું નથી પરંતુ લોન લઇને જો ભવ્ય લગ્ન કરવામાં આવે તો તે કોઇકાળે ચલાવી શકાય તેમ નથી. વેડિંગ ઈન્ડસ્ટ્રીને આ વર્ષે 28% વધુ કમાણીનો અંદાજ છે. વેલ્થ મેનેજમેન્ટ એક્સપર્ટના મતે આ વેડિંગ સિઝન આ ટ્રેન્ડને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. માત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં અંદાજિત 48 લાખ લગ્નો થવાની ધારણા છે. ગયા વર્ષની સરખામણીમાં આ 38 લાખ લગ્ન (27%) વધુ છે. આ વર્ષે લગ્ન ઉદ્યોગમાંથી 6 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. 2023માં તે 4.7 લાખ કરોડ રૂપિયા હતી.
ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને કેપિટલ માર્કેટ્સ ફર્મ જેફ્રીઝના રિપોર્ટ મુજબ, ભારતીય અર્થતંત્રમાં લગ્નનો બિઝનેસ 130 અબજ ડૉલર (લગભગ રૂ. 10.7 લાખ કરોડ)નો હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સામાન્ય રીતે ભારતીયો શિક્ષણ કરતાં લગ્ન પર બમણો ખર્ચ કરે છે. રૂ. 56.5 લાખ કરોડના ફૂડ અને ગ્રોસરી બિઝનેસ પછી તે ભારતનું બીજું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. અમેરિકાના 5.8 લાખ કરોડના મૅરેજ માર્કેટ કરતાં ભારતનું મૅરેજ માર્કેટ લગભગ બમણું છે, જ્યારે 14 લાખ કરોડના ચીનના માર્કેટ કરતાં ઓછું છે.
આંકડા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 80 લાખથી એક કરોડ લગ્નો થાય છે. ચીનમાં 70થી 80 લાખ લગ્ન થાય છે અને અમેરિકામાં 20થી 25 લાખ લગ્ન થાય છે. પ્રસ્તુત આંકડા દર્શાવે છે કે ભારતીય સમાજમાં લગ્ન સંબંધે ઘણું આર્થિક દબાણ હોય છે. જેફ્રીઝનો રિપોર્ટ સૂચવે છે કે ભારતમાં લગ્નનો સરેરાશ ખર્ચ રૂ. 12.5 લાખ સુધીનો હોય છે, જ્યારે ભવ્ય લગ્નનો ખર્ચ રૂ. 20થી 30 લાખની વચ્ચે હોય છે. રૂ. સાડા બાર લાખનો સરેરાશ લગ્ન ખર્ચ ભારતના કુલ માથાદીઠ ઉત્પાદન (જીડીપી, આશરે રૂ. 2.4 લાખ) કરતાં પાંચ ગણો વધારે છે.
પરિવારની સરેરાશ વાર્ષિક આવક (રૂ. ચાર લાખ)ની સરખામણીએ તે ત્રણ ગણો હોય છે. એ ઉપરાંત આ ખર્ચ ભારતમાં કિન્ટરગાર્ટનથી ગ્રેજ્યુએશન એમ 18 વર્ષ સુધી સંતાનને શિક્ષિત કરવાના ખર્ચ કરતાં લગ્નનો ખર્ચ લગભગ બમણો છે. અમેરિકામાં લગ્નમાં શિક્ષણ કરતાં અડધો ખર્ચ થાય છે. આ આંકડાઓને આધારે આપણે સાંસ્કૃતિક વિરોધાભાસને સમજી શકીએ. જેફ્રીસનો આ રિપોર્ટ વર્તમાન ડેટા તથા લગ્ન કેન્દ્રોની મુલાકાત પર આધારિત છે. વૈભવી લગ્નોથી ઓછી આવકવાળા અને મધ્યમ વર્ગના પરિવારો પર અસહ્ય બોજો આવે છે.