કામરેજ: બૌધાનથી સુરત આવવા નીકળેલી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની જાણ થતાં મુસાફરોએ બૂમરાણ શરૂ કરી હતી. જેથી કંડક્ટરે ડેપો અને બાદમાં પોલીસને જાણ કરી, બસ ઉભી રખાવી ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો હતો.
માંડવી તાલુકાના લાડકુવા ગામે રહેતા અને સુરત ગ્રામ્ય એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે રણજીભાઈ ભુલાભાઈ ચૌધરી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. શનિવારના રોજ સુરત ગ્રામ્ય એસ.ટી ડેપોથી સુરતથી બૌધાનની બસ નંબર જીજે 18 ઝેડ 7771માં ડ્રાઈવર તરીકે કલ્પેશ ઝીણાભાઈ પટેલ સાથે શનિવારે રાત્રિના 7.45 કલાકે સુરત એસ.ટી ડેપોથી નીકળી માંડવી તાલુકાના બૌધાન રાત્રિના 9.45 કલાકે પહોંચ્યા હતાં.
રાત્રિ રોકાણ કરી રવિવારે સવારે 5.45 કલાકે બસ બૌધાનથી કામરેજ તાલુકાના જોખા, વાવ થઈને સુરત જવા માટે નીકળી હતી. જોખા બસ સ્ટેન્ડ પર બસમાં બેસવા માટે મુસાફરો ઉભા હતાં, ત્યારે બસના ડ્રાઈવર કલ્પેશ પટેલે બસ ધીમી પાડી હતી અને ચાલુ બસે જ મુસાફરોને બેસાડી દીધા હતાં. રોડ પર બમ્પ જોરથી કુદાવતા બસમાં બેસેલા મુસાફરો ડ્રાઈવરને બસ ધીમી ચલાવવા માટે બુમો પાડી હતી, જો કે તે છતાં પણ ડ્રાઈવરે બસ ધીમી ન ચલાવતા મુસાફરોનું ટેન્શન વધ્યું હતું.
ડ્રાઈવરે નશો કર્યો હોવાનો અંદાજ આવી જતા, વાવ ગામ નજીક કંડકટરે ડેપોના ટી.આઈને જાણ કરી હતી અને ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હોવાનું જણાવ્યું હતું. ડેપોનો આદેશ મળતાં બસ સાઈડમાં ઉભી રખાવી દઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.
કામરેજ પોલીસની પીસીઆર વાન આવી બસના ડ્રાઈવરને નશાની હાલતમાં સાથે લઈ ગઈ હતી. ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હોવાથી તેની સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ડ્રાઈવરની આ હરકતથી મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતાં. સલામત સવારીની ખાતરી આપતું એસટી તંત્ર આવા નશાબાજ ડ્રાઈવરોને કારણે બદનામ થઈ રહ્યું છે.