પ્રતિનિધિ વડોદરા તા.8
વડોદરા- હાલોલ રોડ પર કોટાલી ગામ પાસે સિન્ટેક્ષ ટ્રાન્સપોર્ટરની કન્ટેનરના ચાલકે રિવર્સ લેતી વેળા 35 વર્ષીય યુવકને કચડી નાખ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે. જેમાં કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે કંપાઉન્ડ વોલને અડીને ઉભેલા યુવકને દિવાલ સાથે દબાવી દેતા યુવકને ગંભીર ઇજાઓ થઇ હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ યુવકનું મોત થયું હતું. જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા રમજાનખાન ઇસાક મેવે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા કાકા સદ્દામખાન મહમદ્દખાન મેવ વડોદરા સેન્ટેક્ષ એન્ટરપ્રાઇઝની ગાડી ચલાવે છે. 6 ડિસેમ્બરના રોજ રાત્રીના 11 વાગે હું મારા ઘરે હજાર હતો. ત્યારે વતનમાંથી મારા કાકા રમજાનખાન ઉર્ફે અસોકખાન મહમદ્દખાન મેવનો ફોન ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તારા કાકા સદ્દામખાન ગાડી લઇ વડોદરાથી કોટાલી ગામમાં સેન્ટેક્ષ ટ્રાન્સપોર્ટમાં માલ ખાલી કરવા આવ્યા હતા. સદ્દામખાન ગોડાઉન પાસે બહાર ઉભા હતા. દરમિયાન કન્ટેનર ચાલકે પાછળ જોયા વગર પુર ઝડપે રીવર્સ લેતા સદ્દામખાન મહોમદ્દખાન મેવને અથાડી દબાવી દીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા વડોદરાની જાનવી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમે જાવ તેમ કહેતા હું મારી બાઇક લઈને વડોદરા જાનવી હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે મારા કાકા સદ્દામખાન મહોમદ્દખાન મેવ શરીર પર ટાયરના ઘસારાના નિશાન હતા. જેથી તેમને સારવાર માટે લઇ જતા હોસ્પિટલમાં હાજર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભત્રીજાએ આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.