National

ભાજપે કહ્યું- સોનિયા અલગ કાશ્મીર તરફી સંગઠનમાં જોડાયા, ભારત વિરોધી સોરોસનું કોંગ્રેસને ફંડિંગ

ભાજપે રવિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી એક સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આ સંસ્થાનું નામ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) છે. સોનિયા તેની કો-ચેરપર્સન (CO) છે.

કોંગ્રેસ પર ભાજપના બે ગંભીર આરોપ
ભાજપે કહ્યું કે કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પણ જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન પાસેથી ફંડ મળ્યું છે. આ ફંડનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપે બીજો આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ઘણી વખત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)ના રિપોર્ટને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. OCCRP જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે. આ બંને કોંગ્રેસ સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવા અને મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલે OCCRP અહેવાલોને ટાંકીને કેન્દ્રને ઘેર્યું
OCCRP એ ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોની સંસ્થા છે. આ જ સંસ્થાએ વર્ષ 2023માં પોતાના રિપોર્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર સ્ટોકની હેરાફેરી અને અન્ય ઘણી ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત આ જ સંસ્થાએ પેગાસસ મુદ્દાને લઈને એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. OCCRP રિપોર્ટના આધારે રાહુલ ગાંધીએ ઘણી વખત પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

ભાજપે કહ્યું- OCCRP અને રાહુલ મળીને ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે
5 ડિસેમ્બરે બીજેપી સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે OCCRPને અમેરિકી સરકાર તરફથી ઘણું ભંડોળ મળે છે. આ ઉપરાંત આ સંસ્થા અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પાસેથી પણ પૈસા મેળવે છે. જેથી કરીને ભારત વિરોધી અભિયાન ચલાવી શકાય. ભાજપનું કહેવું છે કે સંસદ સત્ર પહેલા જાણી જોઈને ભારતીય ઉદ્યોગપતિઓ વિરુદ્ધ અહેવાલો લાવવામાં આવે છે. જેથી સંસદ કામ ન કરી શકે. આના કારણે ભારતને નુકસાન થશે અને ભારતીય ઉદ્યોગપતિઓ ખીલશે નહીં. આ રાહુલ ગાંધીનો પ્રયાસ છે.

અમેરિકાએ ભાજપના આરોપોને નકારી કાઢ્યા
યુએસ સરકારે ભાજપના આ આરોપોને ફગાવી દીધા છે. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા મીડિયાની સ્વતંત્રતાનું સમર્થક છે. તે OCCRP ને ભંડોળ આપતું નથી. OCCRPએ પણ ભાજપના આરોપોને ફગાવી દીધા હતા.

ભાજપનો દાવો- રાહુલ દેશ તોડનારાઓને મળે છે
ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેટલાક લોકો સાથે જોડાયેલા છે જે ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. તેમાંથી એકનું નામ સલિલ શેટ્ટી હોવાનું કહેવાય છે જે ઓપન સોસાયટી ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. આ ફાઉન્ડેશન OCCRP સંસ્થાને ભંડોળ પૂરું પાડે છે જેથી ભારત વિરુદ્ધ અહેવાલો પ્રકાશિત કરી શકાય.

ભાજપે દાવો કર્યો હતો કે સલિલ પણ રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળ્યો હતો. આ સિવાય બીજું નામ બાંગ્લાદેશી પત્રકાર મુશફીકુલ ફઝલ અન્સારીનું પણ છે. તેઓ પણ OCCRP સાથે જોડાયેલા છે. ભાજપનું કહેવું છે કે રાહુલ આ બે લોકોને મળતા રહે છે.

Most Popular

To Top