દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. જ્યાં એક તરફ બીજેપી પોતાના પોસ્ટરમાં દિલ્હી સરકારના કૌભાંડોને ઉજાગર કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કરતા પોસ્ટર બહાર પાડવાનું શરૂ કરી દીધું છે. આ વખતે આમ આદમી પાર્ટીની પુષ્પા ફિલ્મનું પોસ્ટર ચર્ચામાં છે.
આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં ઉભા જોવા મળે છે. પોસ્ટરમાં કેજરીવાલ હાથમાં ઝાડુ પકડેલા દેખાડવામાં આવ્યા છે. કેજરીવાલ ઝુકશે નહીં એવું પણ લખવામાં આવ્યું છે. સાથેજ કેજરીવાલની ચાર ટર્મ કમિંગ સૂન એવું પણ લખવામાં આવ્યું છે.
આ પહેલા ભાજપે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતું પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી સરકારના કથિત કૌભાંડો જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો સામેલ હતો. આ પોસ્ટર ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પર ચૂંટણી થવાની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તેની તૈયારીઓને લઈને પૂરા જોશ સાથે કામ કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. 2020 માં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપે 8 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ ખાલી હાથે રહી હતી.