National

મહારાષ્ટ્ર વિધાનસભાઃ વિપક્ષના 105 ધારાસભ્યોએ લીધા શપથ, રાહુલ નાર્વેકર બનશે સ્પીકર

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે વિપક્ષના 105 ધારાસભ્યોએ શપથ લીધા. આ તમામે 7 ડિસેમ્બરે શપથ લેવાનો ઈન્કાર કરીને ઈવીએમ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસના નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને અમિત દેશમુખ, એનસીપી-એસપી નેતા જીતેન્દ્ર આવ્હાડ, શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરેએ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ શપથ લીધા હતા. શનિવારે 173 ધારાસભ્યોએ શપથ લીધા. જો કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો અબુ આઝમી અને રઈસ શેખ પણ તેમાં સામેલ હતા. હવે બાકીના 9 ધારાસભ્યો સોમવારે શપથ લેશે.

બીજી તરફ રાહુલ નાર્વેકરે આજે સ્પીકરના પદ માટે ઉમેદવારી નોંધાવી છે. કોલાબા બેઠક પરથી ધારાસભ્ય નાર્વેકર બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે કારણ કે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. શપથ ગ્રહણ પહેલા વિપક્ષી નેતાઓ સીએમ ફડણવીસને મળ્યા હતા. આ તમામ ડેપ્યુટી સ્પીકર પદની માંગ સાથે વિધાનસભા પહોંચ્યા હતા.

કોઈપણ વિપક્ષી પાર્ટી પાસે 10% બેઠકો નથી
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. પરિણામ 23 નવેમ્બરે આવ્યું. મહાયુતિને 230 બેઠકો મળી હતી. જેમાં ભાજપે 132 ધારાસભ્યો, શિવસેનાએ 57 અને એનસીપીએ 41 સીટો જીતી હતી. જ્યારે મહાવિકાસ અઘાડી (MVA)ને 46 અને અન્યને 12 બેઠકો મળી હતી. MVA માં શિવસેના (UBT) 20 બેઠકો જીતી, કોંગ્રેસ 16 અને શરદ પવારની NCP 10 બેઠકો જીતી હતી. બહુમતીનો આંકડો 145 છે.

વિપક્ષના નેતૃત્વનો દાવો કરવા માટે પાર્ટી પાસે 10% બેઠકો હોવી જરૂરી છે. 288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં આ પદનો દાવો કરવા માટે 29 બેઠકોની જરૂર છે જે કોઈ વિરોધ પક્ષ પાસે નથી. આવી સ્થિતિમાં વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પક્ષ અને તેના નેતા નહીં હોય.

Most Popular

To Top