એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે તા. 8 ડિસેમ્બરે મેચનો ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 175 પર ઓલઆઉટ થઈ છે. ભારતે માત્ર 18 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વિના આસાનીથી 19 રનનો ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી હતી. આમ, ભારતને એડિલેડ પિન્ક ટેસ્ટમાં 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરિઝમાં બંને ટીમો 1-1ની બરોબરી પર પહોંચી છે. હજુ 3 ટેસ્ટ મેચ રમવાની બાકી ચે.
આ અગાઉ આ પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 157 રનની લીડ મળી હતી.
બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં
ભારતીય ટીમની બીજી ઇનિંગમાં સારી શરૂઆત રહી ન હતી અને 12 રનના સ્કોર પર કેએલ રાહુલ (7)ની વિકેટ ગુમાવી દીધી હતી. પેટ કમિન્સે રાહુલને વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ પણ સ્કોટ બોલેન્ડના બોલ પર 24 રન બનાવીને આઉટ થયો હતો.
વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને બોલેન્ડના બોલ પર વિકેટકીપર કેરીના હાથે કેચ થયો હતો. કોહલીએ 21 બોલનો સામનો કરીને 11 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (28) પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ મિચેલ સ્ટાર્કે તેનો મિડલ સ્ટમ્પ ઉડાવી દીધા હતા.. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિરાશ થયો અને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો રોહિતે 6 રન બનાવ્યા હતા. અહીંથી ઋષભ પંત અને નીતિશ રેડ્ડીએ બીજા દિવસની રમતમાં ભારતીય ટીમને વધુ નુકસાન થવા દીધું ન હતું.
ત્રીજા દિવસે ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. રિષભ પંત પહેલી સ્લિપમાં મિશેલ સ્ટાર્કના હાથે સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. પંતે 31 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. નીતિશ કુમાર રેડ્ડીએ લડત આપી હતી. તેણે 42 રન બનાવ્યા હતા. ભારત 175માં ઓલઆઉટ થયું હતું.
પર્થ ટેસ્ટમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી
આ અગાઉ ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે તે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક પિંક બોલ ટેસ્ટ રમાઈ છે, જેમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો છે.
આ મેચ ડિસેમ્બર 2020માં એડિલેડમાં થઈ હતી. હવે બંને ટીમો વચ્ચે આ બીજી ગુલાબી બોલની ટેસ્ટ રમાઈ રહી છે. જો કે, ભારતીય ટીમે છેલ્લા 2 પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે.