અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં અત્યંત આઘાતજનક ઘટના બની છે. હૈયા હચમચાવી દેનારી આ ઘટનામાં માતા-પુત્રએ જીવ ગુમાવ્યા છે.
આ ઘટનાની મળતી વિગત અનુસાર નરોડા વિસ્તારમાં 8 વર્ષના દીકરાને એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ફેંક્યા બાદ માતાએ પણ મોતનો કૂદકો માર્યો છે. બંનેના મોત નિપજ્યા છે. કૂદકો મારનાર મહિલા પોલીસકર્મીની પત્ની હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે. વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાળક માનસિક રીતે અસ્થિર હતો અને વિરાજબેનની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાથી દવા ચાલતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પડોશીઓ તેમજ પરિવારજનો સાથે પૂછપરછ કરી વધુ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે.
દરમિયાન મૃતકના ભાઈએ બનેવી પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. મિતેશકુમાર વાણીયા તેમની પત્ની વિરાજબેનને માર મારતા હોવાના આરોપ વિરાજબેનના ભાઈએ લગાવ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.