એડિલેડઃ એડિલેડ ટેસ્ટમાં ભારતની મુશ્કેલીઓ વધતી દેખાય છે. હવે કોઈ ચમત્કાર જ ભારતને પિન્ક બોલ ટેસ્ટમાં હારથી બચાવી શકે છે. મોટે ભાગે મેચનું પરિણામ ત્રીજા દિવસે જ ભારતની વિરુદ્ધમાં આવી જાય તેવી દહેશત રહેલી છે.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 157 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત બીજી ઈનિંગમાં પણ ખરાબ રહી હતી. ભારતે 105 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. કે.એલ. રાહુલ (7), યશસ્વી જયસ્વાલ (24), કોહલી (11), ગિલ (28) અને રોહિત શર્મા (6) આઉટ થયા છે. દિવસના અંતે ભારતનો સ્કોર 128/5 પર હતો. રિષભ પંત (28) અને નીતિશ રેડ્ડી (15) રમતમાં છે. ભારત હજુ 28 રન પાછળ છે.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ડે-નાઈટ પિન્ક બોલ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ભારતીય બોલરો પર હાવી રહ્યાં હતાં. ખાસ કરીને ટ્રેવિસ હેડએ ભારતીય બોલરોને ખુબ પરેશાન કર્યા હતા. વન-ડે સ્ટાઈલમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી, જેના પગલે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 157 કરતા વધુ રનની લીડ મેળવી છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 337 રન બનાવ્યા છે. ભારત તરફથી બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ લીધી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. આજે (7મી ડિસેમ્બર) મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમ આ ગુલાબી બોલ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. લાબુશેન બાદ ટ્રેવિસ હેડે સારી બેટિંગ કરી છે. તેના પગલે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 પાર થયો છે. આ રીતે તેની લીડ 150 રનથી વધુ છે. તેની 9 વિકેટ પડી છે. ટ્રેવિસ હેડે આ મેચમાં તેના કેરિયરની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. ભારત સામે આ તેની બીજી ટેસ્ટ સદી છે.
જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. ઉસ્માન ખ્વાજા 13 રન બનાવીને આઉટ થયો હતો. તે ભારતીય કેપ્ટન રોહિત શર્માના હાથે સ્લિપમાં કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 24 રનના સ્કોર પર પડી હતી.
મેચના બીજા દિવસે (7 ડિસેમ્બર) જસપ્રીત બુમરાહે ભારતને બીજી સફળતા અપાવી. બુમરાહે નાથન મેકસ્વીનીને પંત (39) રન પર કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના સ્કોરકાર્ડમાં માત્ર 12 વધુ રન જોડાયા હતા અને સ્ટીવ સ્મિથ પણ બુમરાહની નેટમાં ફસાઈ ગયો હતો અને પંતના હાથે કેચ થયો હતો.
સ્મિથના આઉટ થયા પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને દાવને આગળ ધપાવ્યો અને સ્કોર 168 સુધી લઈ ગયો પરંતુ લાબુશેન (64) નીતીશ રેડ્ડીના બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો. મિશેલ માર્શ (9) રન બનાવીને અશ્વિનના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી.
સદી બાદ ટ્રેવિસ હેડે રનોની ગતિ વધારી હતી. તે ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે એક સુંદર યોર્કર બોલથી સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો હતો. 140ના અંગત સ્કોર પર હેડ આઉટ થયો હતો. ત્યાર બાદ પેટ કમિન્સે કેટલાંક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા, પરંતુ તે લાંબુ ટકી શક્યો નહોતો.
આ સાથે ઓસ્ટ્રેલિયાએ 332ના સ્કોર પર 8મી વિકેટ ગુમાવી હતી. બ્રેક બાદ સ્ટાર્ક સિરાજનો શિકાર બન્યો હતો. 332 પર ઓસ્ટ્રેલિયાની 9મી વિકેટ પડી હતી. જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને 4 સફળતા અપાવી, જ્યારે સિરાજે 3 અને નીતિશ રેડ્ડી-રવિચંદ્રન અશ્વિનને 1-1 સફળતા મળી હતી.
સિરાજ-હેડ વચ્ચે ચકમક ઝરી
એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ટ્રેવિસ હેડના 140 રન મુખ્ય હાઈલાઈટ રહ્યા હતા. તે ઉપરાંત કોહલીની અમ્પાયરિંગ સામે નારાજગી અને હેડ-સિરાજની ચકમક પણ જોવા મળી હતી.
હેડે સદી ફટકાર્યા બાદ જૂના બોલમાં ઝડપી રન બનાવાનું શરૂ કર્યું હતું. તે બુમરાહ-સિરાજને ચોગ્ગા-છગ્ગા ફટકારતો હતો. 141 બોલમાં હેડે 140 રન બનાવ્યા હતા, જેમાં 17 ચોગ્ગા અને 4 છગ્ગા હતા. સિરાજને સિક્સ ફટકાર્યાના બીજા જ બોલે યોર્કર બોલ પર હેડ આઉટ થયો હતો, ત્યારે સિરાજે હેડને આંખો બતાવી હતી. ત્યારે પેવેલિયન જતા હેડે સિરાજને કશુંક કહ્યું હતું.
કોહલીએ અમ્પાયરિંગ સામે નારાજગી વ્યક્ત કરી
આ અગાઉ ઓસ્ટ્રેલિયાની ઈનિંગના 58માં ઓવરમાં અશ્વિનની બોલ પર મિચેલ માર્શને એલબીડબ્લ્યુ આઉટ માટે અપીલ કરાઈ હતી. થર્ડ એમ્પાયરે પુરતા પુરાવા નહીં હોય માર્શને નોટ આઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણય પર કોહલીએ મેદાનમાં જ નારાજગી દર્શાવી હતી. બોલ પહેલાં પેડ પર લાગ્યો હોવા છતાં થર્ડ એમ્પાયરે નોટ આપ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે કોહલીએ પહેલી ટેસ્ટમાં રાહુલને પણ ખોટો આઉટ આપ્યો હોવાનું યાદ કરતા કહ્યું કે પર્થમાં પણ આવું જ થયું હતું.