Columns

મુખ્યમંત્રીનું ડીમોશન : સત્તા બહુ બૂરી ચીજ છે

મહારાષ્ટ્રમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને બે ડેપ્યુટી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારનાં નામ નક્કી થયાં. એકનાથ શિંદે રાજી નહોતા. એમને ફરી સી.એમ. બનવું હતું અને એમણે ભાજપને બિહાર ફોર્મ્યુલાની યાદ અપાવી હતી જ્યાં ભાજપે નીતીશકુમારને સી.એમ. બનાવ્યા. પણ આખરે હવે એ રાજી થયા અને ડેપ્યુટી સી.એમ. બન્યા છે. એમને ગૃહ ખાતું જોઈતું હતું પણ એય મળ્યું નથી. અજીત પવારને ફરી ડેપ્યુટી સી.એમ. બનવામાં કોઈ વાંધો નહોતો. એમને ખબર છે કે, હવે એમના નસીબમાં મુખ્યમંત્રી થવાનું રહ્યું નથી.

સત્તા બહુ બૂરી ચીજ છે. કોઈ માણસના ચરિત્રને તપાસવું હોય તો એને સત્તાની ખુરશીમાં બેસાડી દો.આ કહેવત સાવ સાચી છે અને અત્યારે મહારાષ્ટ્ર પૂરતી તો સાવ સાચી છે. એકનાથ શિંદે સત્તાવાર શિવસેના છે અને એને આ વેળા ૫૭ બેઠકો મળી એટલે એ મજબૂત બની પણ ભાજપને ૧૩૨ મળી. શિંદે મુખ્યમંત્રી જ બનવા માગતા હતા. પણ એ જીદ પર અડેલા રહે તો ભાજપ એની સાથે છેડો ફાડી અજીત પવાર સાથે આસાનીથી સરકાર રચી શકે એમ છે. આમ છતાં ભાજપ મહાયુતિમાં કોઈ સમસ્યા નથી એવું દર્શાવવા માટે દેવેન્દ્ર શિંદે મનાવવા ગયા અને આખરે એ માની ગયા છે. પછી ગૃહ ખાતા માટે એમની જીદ હતી પણ ભાજપે એય ના પાડી અને શહેરી વિકાસ વિભાગ અપાયાના અહેવાલો છે. જો કે, શિંદે હજુય નારાજ છે પણ એની નારાજગીનું કાંઈ પરિણામ આવવાનું નથી.

એમની સામે પક્ષમાં પણ પડકાર તો છે જ. એ ના પાડે તો પક્ષમાં કેટલાક એવા નેતાઓ છે જે ડેપ્યુટી સી.એમ. બનવા બેતાબ છે. તો સત્તાનું કેન્દ્ર ખસકી જાય. ભાજપ એવું કરાવી શકે અને એવું એમણે સાથીઓમાં જ નહિ પણ પક્ષમાં પણ અગાઉ કર્યું છે. ગુજરાતમાં આનંદીબહેન પટેલનું રાજીનામું પડ્યું એ પછી નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે એ લગભગ નક્કી હતું પણ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ નક્કી થયું અને નીતિનભાઈ નારાજ થયા. પણ આખરે એમણે માની જવું પડ્યું. હા, એટલું ખરું કે, એમને નાણાં ખાતું અપાયું હતું.

મહારાષ્ટ્રમાં તો મુખ્યમંત્રીનું એક વાર નહીં અનેક વાર ડીમોલિશન થયું છે અને એની શરૂઆત ૧૯૭૦ના દાયકાથી થઇ હતી. એસ. બી. ચવાણને ઇન્દિરા ગાંધીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવેલા. ૧૯૭૫ની આ વાત. પછી વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી બન્યા. ચવાણ ફરી ૧૯૮૦માં સી.એમ. બન્યા પણ બાદમાં એસ. બી. ચવાણ શરદ પવારની સરકારમાં, સુશીલકુમાર શિંદેની સરકારમાં મંત્રી રહ્યા હતા. અશોક ચવાણ પણ બે વાર મુખ્યમંત્રી બનેલા પણ પાછળથી એ ઉદ્ધવની સરકારમાં મંત્રી બન્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે દેશમુખ, સુશીલ શિંદે, અશોક ચવાણની સરકારમાં મંત્રી બન્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ પણ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. એ બનવા માગતા નહોતા પણ મોદી – શાહે એમને આગ્રહ કર્યો અને એ આદેશરૂપે માનવો પડ્યો હતો. જો કે, ભાજપની ફત્તેહ પછી એ ફરી સી.એમ. બન્યા છે.

ભાજપ તો આવું કરતો આવ્યો છે. જુનાગઢ મહાપાલિકાની પહેલી ચૂંટણી થઇ ત્યારે પૂર્વ સાંસદ ભાવનાબહેન ચીખલિયાને ચૂંટણી લડવા આદેશ અપાયો હતો. સાંસદમાંથી એ નગરસેવક બન્યા હતા. આવા કિસ્સાનો પર નથી. છેલ્લે સુરેન્દ્ર પટેલ એટલે કે સુરેન્દ્રકાકાને રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં ઉતારાયા હતા. ક્યારેક સત્તાનો મોહ હોય છે તો ક્યારેક પક્ષના આદેશ અને અનુશાસનને અનુસરવું પડે છે, ત્યારે મહારાષ્ટ્રમાં બન્યું એવું બને છે.

છત્તીસગઢમાં મેયરને લોકો ચૂંટશે
છત્તીસગઢ સરકારે એક નિર્ણય લીધો છે જેની બહુ ચર્ચા થઇ નથી. પણ આ નિર્ણય બહુ મહત્ત્વનો છે. હવે છત્તીસગઢમાં મહાપાલિકા કે પછી નગરપાલિકા કે નગર પંચાયતમાં મેયર કે અધ્યક્ષની ચૂંટણી સીધી જનતા કરશે. અત્યાર સુધી નગર સેવક ચૂંટાય અને એ મેયર કે અધ્યક્ષ નક્કી કરતા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સહાયે કહ્યું કે, ૧૯૯૯થી જનતા જ મેયર ચૂંટતી હતી પણ એમાં કોંગ્રેસ સરકારે ૨૦૧૯માં બદલાવ કરી નગરસેવક મેયર ચૂંટે એવી વ્યવસ્થા શરૂ કરી. અમે એમાં સુધાર કર્યો છે.

આ બહુ મોટી વાત છે. કારણ કે, મેયર કે અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે એ આપણે જાણીએ છીએ. સત્તા પક્ષના મોવડીમંડળ દ્વારા નાટક તો થાય છે. નગરસેવકોની બેઠક બોલાવાય છે અને એમાં નામની દરખાસ્ત થાય છે અને એને ટેકો અપાય છે અને પસંદગી થાય છે. આ નર્યું નાટક હોય છે. નામ તો ‘ઉપર’થી જ નક્કી થઇને આવે છે. રાજકોટમાં જનક કોટકને તો ખબર પણ નહોતી કે એમની પસંદગી થવાની છે. આગલી રાત્રે મોડેથી એમને ફોન આવ્યો કે તમે મેયર બનો છો.

પણ સીધા લોકો જ એના શહેરના મેયર કે નગરના અધ્યક્ષને ચૂંટે એ સારી વાત છે. જનતાને એમ તો થાય કે એમણે મેયર ચૂંટ્યા છે, એમના પર ઠોકી બેસાડાયા નથી. જો કે, એમાં એક જોખમ એ પણ છે કે, જે જોરાવર હોય એ જ્ઞાતિ કે ધર્મ કે નાણાનાં જોરે ચૂંટાઈ શકે છે. પણ જનતા પોતે ચૂંટે એ પદ્ધતિઓ સમગ્રતયા જોઈએ તો સારી છે. અમેરિકામાં જેમ પ્રમુખ ચૂંટાય છે એવી પદ્ધતિનાં કેટલાંક નબળાં પાસાં હશે પણ એનાથી પક્ષની મનમાનીની બાદબાકી થઇ જાય છે અને જનતાની પસંદગી મહત્ત્વની બની જાય છે. આ મુદે્ બધાં રાજ્યોમાં ચર્ચા થવી જોઈએ અને સુધારો લાવવો જોઈએ. ગુજરાત પહેલ કરી શકે છે. છત્તીસગઢમાં શરૂઆત થઇ છે એ આગળ વધવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top