મધ્યપ્રદેશના છતરપુરના ધમોરામાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધમોરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ ઘટના બની હતી. કહેવાય છે કે વિદ્યાર્થીએ બાથરૂમમાં જઈને પ્રિન્સિપાલને માથામાં ગોળી મારી દીધી હતી. આચાર્યની ઉંમર 55 વર્ષ હોવાનું કહેવાય છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકનું નામ સુરેન્દ્ર કુમાર સક્સેના હોવાનું કહેવાય છે.
ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રિન્સિપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. SFLની ટીમ પણ ઘટના સ્થળની ઝીણવટભરી તપાસમાં વ્યસ્ત છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવી રહી છે.
ગોળીબારના અવાજથી ગભરાટ ફેલાયો
કહેવાય છે કે અચાનક ગોળીબારના અવાજથી શાળામાં ખળભળાટ મચી ગયો હતો. શું થયું તે કોઈને સમજાયું નહીં. દરમિયાન એક છોકરો ઝડપથી બાથરૂમમાંથી બહાર દોડી ગયો હતો. બાદમાં લોકોએ બાથરૂમમાં જોયું તો પ્રિન્સિપાલની લાશ જમીન પર પડી હતી. હાલ હત્યાનું કારણ બહાર આવ્યું નથી. તપાસ ચાલુ છે.