એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પિન્ક ટેસ્ટ શરૂ થઈ છે. ટોસ જીતીને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારતની શરૂઆત સારી રહી નહોતી. મેચના પહેલાં જ બોલ પર યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો.
તેને મિચેલ સ્ટાર્કે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલ અને કે.એલ. રાહુલે બાજી સંભાળી હતી. બંને વચ્ચે 50 થી વધુ રનની ભાગીદારી થઈ હતી. જોકે, ફરી સ્ટાર્ક ત્રાટક્યો હતો અને કે.એલ. રાહુલને આઉટ કર્યો હતો. ભારતની બીજી વિકેટ 69 રન પર પડી હતી. રાહુલ અંગત 37 રને આઉટ થયો હતો.
રાહુલના આઉટ થયા બાદ ગિલ અને કોહલી પણ લાંબુ ટકી શક્યા નહોતા. પહેલાં વિરાટ કોહલી અને ત્યાર બાદ ગિલની વિકેટ ભારતે ગુમાવી હતી. ભારતે 81ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી છે. કોહલી માત્ર 7 રન અને ગિલ 31 રન બનાવી શક્યો હતો.
કેપ્ટન રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતર્યા હતા, પરંતુ તે પણ ટકી શક્યો ન હતો. માત્ર 3 રનના અંગત સ્કોર પર તે બોલેન્ડનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ પંત ઝડપી 21 રન બનાવી આઉટ થયો હતો. પંત બાદ નીતિશ રેડ્ડી અને અશ્વિને થોડા રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 141 પર ભારતે 7મી વિકેટ અશ્વિનના રૂપમાં ગુમાવી હતી. અશ્વિન ઝડપી 22 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ હર્ષિત રાણા 0 પર બોલ્ડ થયો હતો.
બૂમરાહ પણ 0 પર આઉટ થયો હતો. ભારતે 9મી વિકેટ 176ના સ્કોર પર ગુમાવી હતી. બાદમાં નીતિશ કુમાર રેડ્ડી આઉટ થયો હતો. સ્ટાર્કે તેની વિકેટ લીધી હતી. સ્ટાર્કે પહેલી ઈનિગમાં 6 વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર 42ના અંગત સ્કોર પર આઉટ થયો હતો.
પહેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગની જેમ બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ નવોદિત નીતિશ રેડ્ડી તારણહાર બન્યો હતો. નીડરતાથી નીતિશે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોનો સામનો કર્યો હતો. તેણે મેદાનની ચારે તરફ ટી-20 સ્ટાઈલમાં શોટ ફટકાર્યા હતા.
ભારતે ટીમમાં 3 ફેરફાર કર્યા, અશ્વિનની વાપસી
બીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્લેઈંગ 11માં 3 ફેરફાર કર્યા છે. દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલના સ્થાને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ જ્યારે વોશિંગ્ટન સુંદરના સ્થાને રવિચંદ્રન અશ્વિનનો ટીમમાં સમાવેશ કરાયો છે.
એડિલેડ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.