વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગના કેસો દેખાયા, તેના પછી તેણે ચીનમાં રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું અને ૨૦૨૦ની શરૂઆતમાં આ રોગચાળો વિશ્વના અન્ય દેશોમાં ફેલાવા લાગ્યો અને જોત જોતામાં તો તેણે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરીને દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો. આ રોગચાળાને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ લોકડાઉન જેવા નિયંત્રણો અમલમાં મૂકવા પડ્યા.
તેના પછી દુનિયામાં, ખાસ કરીને અમેરિકામાં એ વાતની ચર્ચાઓ શરૂ થઇ કે આ રોગચાળાનો ઉદભવ ક્યાંથી અને કેવી રીતે થયો? મધ્ય ચીનના જે વુહાન શહેરમાં આ રોગના સૌપ્રથમ સામૂહિક કેસો દેખાયા હતા તે જ વુહાન શહેરમાં ચીનની વાયરોલોજીની જાણીતી લેબોરેટરી પણ આવેલી છે એટલે સ્વાભાવિક રીતે તેના તરફ શંકાની સોય જવા માંડી. રોગચાળાની શરૂઆતમાં વાત એવી હતી કે વુહાનની એક વેટ માર્કેટ, કે જ્યાંથી ચીનના માંસાહારીઓ ચીનની ટેવો પ્રમાણેના વિવિધ પ્રકારના જીવો કે પ્રાણીઓ ખરીદે છે ત્યાંથી આ રોગચાળાની શરૂઆત થઇ છે.
ચામાચિડીયાઓ સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓનું ભોજન કરવાની ચીનાઓની ટેવ પર આક્ષેપો થયા. આવા જ કોઇ પ્રાણી કે જીવમાંથી આ વાયરસ આવી ગયો છે એવી વાતો હતી. પણ પછી વૈજ્ઞાનિકોએ કોવિડના વાયરસનું સ્વરૂપ ચકાસ્યા પછી તેમને લાગ્યું કે આ વાયરસ પ્રકૃતિમાં દેખાતા વાયરસ જેવો નથી પણ કુદરતી વાયરસ પર પ્રયોગશાળામાં પ્રયોગો કરીને તેમાં કેટલાક ફેરફાર કરીને આ વાયરસ જન્માવવામાં આવ્યો છે અને તેના પછી વુહાનની લેબોરેટરીમાંથી આ વાયરસ લીક થયો હોવાની થિયરીને બળ મળવા માંડ્યું.
વિશ્વના વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોએ પોત પોતાની રીતે આ બાબતમાં તપાસ પણ શરૂ કરી. અનેક તપાસના તારણ એવા આવ્યા કે આ વાયરસ લેબમાંથી જ લીક થયો છે. અમેરિકી સંસદની એક સમિતિએ પણ આ બાબતમાં તપાસ શરૂ કરી. હવે આ સમિતિએ બે વર્ષ લાંબી તપાસ પછી કોવિડના સંભવિત ઉદભવ અંગેનો પોતાનો અહેવાલ રજૂ કર્યો છે જે અહેવાલનું તારણ એવું છે કે ચીનમાં વાયરસ અંગેના સંશોધનો જ કોવિડ-૧૯ રોગચાળાનું મૂળ હોવાની સૌથી વધુ શક્યતા છે.
કોરોનાવાયરસ રોગચાળા પરની અમેરિકી સંસદના પ્રતિનિધિગૃહની પ્રવર પેટા સમિતિએ પોતાનો પાંચસો પચ્ચીસ (પ૨૫) પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે જેના અંતિમ તારણો હાલ સોમવારે જારી કરવામાં આવ્યા હતા અને તે તારણો જણાવે છે કે લેબ લીક થિયરીને ટેકો આપવા માટે ઘણી સૌથી મજબૂત દલીલો છે, એટલે કે આ રોગચાળાનો વાયરસ લેબોરેટરીમાંથી લીક થયો હોવાની જે થિયરી છે તેને ટેકો આપે તેવી ઘણી મજબૂત દલીલો હાજર છે.
સમિતિએ લખ્યું છે કે કોવિડ-૧૯ના વાયરસના બાયોલોજિકલ લક્ષણો એવા છે કે જે પ્રકૃતિમાં જોવા મળતા નથી, અને આ વાયરસ માણસમાં એક જ વખતના સંપર્કથી આવ્યો છે એ બાબતને પુરાવો આપવા માટે ટેકા છે, અને એકથી વધુ વખત પ્રાણીઓમાંથી આ વાયરસ આવ્યો હોવાની ઘટનાઓ જણાતી નથી એ મુજબ આ અહેવાલનું તારણ જણાવે છે. અને વુહાન – કે જ્યાં આ વાયરસ સૌથી પ્રથમ વખત જોવા મળ્યો હતો – ત્યા઼ ચીનની સૌથી મોટી સાર્સ રિસર્ચ લેબ – ધ વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી આવેલી છે. આ અહેવાલમાં અમેરિકી ગુપ્તચર તંત્રના એવા અહેવાલ પણ ટાંકવામાં આવ્યા છે કે વુહાનની આ લેબોરેટરીમાં ઘણા સંશોધકો ૨૦૧૯ની પાનખરમાં કોવિડ જેવા વાયરસથી બિમાર થઇ ગયા હતા.
આ બાબત ખૂબ મહત્વની છે. આ લેબોરેટરીના સંશોધકો કે કર્મચારીઓ એકસામટા કોવિડ જેવા લક્ષણો ધરાવતા રોગથી બિમાર થઇ ગયા એ બાબત એ વાતને બળ આપે છે કે આ લેબોરેટરીમાં આ વાયરસ પર સંશોધનો ચાલતા હતા અને તે વાયરસ લીક થઇ ગયો હતો. ઉપરાંત એવા સીધા પુરાવાનો અભાવ છે કે જે આ વાયરસને નજીકની વુહાન પશુ બજાર સાથે કે તેની સપ્લાય ચેઇન સાથે સાંકળે. આથી વાયરસ વુહાનની વેટ માર્કેટમાંથી ઉદભવ્યો હોવાની શક્યતા ઘટી જાય છે એન લેબ લીક તરફ વધ઼ુ શંકા જાય છે.
અમેરિકી સંસદીય સમિતિનો આ અહેવાલ પ્રથમ નથી કે જે એવું સૂચવતો હોય કે કોવિડ-૧૯નો રોગચાળો વુહાનની લેબમાંથી બહાર આવ્યો છે. હાર્વર્ડ સ્થિત એક વૈજ્ઞાનિકનું તારણ પણ એમ જ સૂચવે છે કે એવી ઘણી શક્યતા છે કે કોવિડનો વાયરસ ચીની વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. એક ત્રીજો અહેવાલ પણ એમ સૂચવે છે કે આ વાયરસ ચીનની લેબમાંથી લીક થયો હોય તેવી ૭૦ ટકા ચોક્કસ શક્યતા છે.
આવા તો અનેક તારણો છે જે વુહાનની લેબમાંથી વાયરસના લીકની શક્યતા દર્શાવે છે. એક વાત છે કે ચીને જાણી જોઇને આ વાયરસ લીક થયો હોવાનો આક્ષેપ કોઇ કરતું નથી. ચીન માટે પોતાને અને અન્યોને મુશ્કેલીમાં મૂકવા માટેનું કોઇ કારણ પણ ન હતું. પરંતુ શક્યતા એવી જણાય છે કે ભવિષ્યના કોઇ મોટા યુદ્ધ કે સંઘર્ષ માટે સંભવત: જૈવિક શસ્ત્રોના ઉત્પાદન માટે ચીન આ વાયરસ પર સંશોધનો કરતું હતું. જો કે ચીને ક્યારેય આ વાત સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં અને આ વાયરસના ઉદભવનું રહસ્ય કદાચ હંમેશા અકબંધ રહેશે.