SURAT

વોચમેનની લાપરવાહી સિક્યુરિટી એજન્સીને ભારે પડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરત: ગ્રાહક સુરક્ષાના એક અનોખા પ્રકારના કેસમાં વોચમેનની બેદરકારીને કારણે કાર ડીલરને થયેલા આર્થિક નુકશાનનો વિવાદ ઉપસ્થિત થયો હતો. કાર ડીલરના શો-રૂમના વોચમેને ડીલરના અધિકૃત અધિકારીઓના સહી તેમજ Payment Received ના સિક્કાની ચકાસણી કર્યા વિના સર્વિસમાં આવેલી 31 મોટરકારને શો-રૂમ બહાર જવા દીધી હતી. જેને પરિણામે રીપેરીંગ ચાર્જના ગુમાવવા પડેલા રૂા. 4.73 લાખ ડીલરને વ્યાજ વળતર સહિત ચુકવી આપવાનો સીક્યુરિટી એજન્સીને સુરત જીલ્લા ફોરમે કરેલો હુકમ રાજ્યની વડી અદાલત (સ્ટેટ કમિશન)એ પણ માન્ય રાખ્યો છે.

  • વોચમેને સર્વિસમાં આવેલી 31 કારને પેમેન્ટ કે ગેટપાસ વિના જ જવા દીધી હતી
  • સુરતની ગ્રાહક કોર્ટનો ચૂકાદો, વોચમેનની બેદરકારીથી થયેલી નુકસાની સિક્યોરિટી એજન્સીએ ચૂકવવી પડે
  • 4.73 લાખ વ્યાજ-વળતર ચૂકવવાનો સુરત જિલ્લા ફોરમનો હુકમ વડી ગ્રાહક અદાલતે માન્ય રાખ્યો

કેસની વિગતો મુજબ, નાણાવટી મોટર્સ પ્રા.લિ. તરફથી ફરિયાદીએ સિક્યોરિટી એજન્સી અભેસિંહ પરમાર સામે એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફતે સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ટોયોટા કંપનીના ડીલર છે અને પોતાનો શો-રૂમ ધરાવે છે.

ફરિયાદીએ શો-રૂમની સલામતી માટે અભેસિંહ પરમાર પાસેથી સિક્યુરિટી સર્વિસ લીધી હતી. જેમાં શો-રૂમમાંથી બહાર નીકળતા પ્રત્યેક વાહનોના ગેટપાસ સિક્યુરિટી એજન્સીના કર્મચારીએ ચેક કરવાના હતા અને અધિકૃત વ્યક્તિની સહીવાળા ગેટપાસ ન હોય તેમજ Payment Received ના સિક્કાની ચકાસણી કર્યા વિના કોઈપણ વાહનને શો-રૂમની બહાર જવા દેવાનું ન હતું.

દરમિયાન સી.એના ઓડિટ દરમિયાન ફરિયાદીને વોચમેનની બેદરકારી જોવા મળી હતી. જેમાં 31 જેટલી કાર શો-રૂમમાં સર્વિસ તેમજ રીપેરીંગ માટે આવેલી હતી. આ સર્વિસ દરમિયાન 31 કારના સર્વિસના રૂ. 4.73 લાખ કારના માલિક પાસેથી ફરિયાદીએ લેવાના બાકી હતા.

જેમાં સિક્યુરિટી એજન્સીના કર્મચારીએ પોતાના કામમાં બેદરકારી દાખવીને અધિકૃત વ્યક્તિની સહીવાળા ગેટપાસ ન હોય તેમજ Payment Received ના સિક્કાની ચકાસણી કર્યા વિના 31 કારના માલિકને સર્વિસમાં આવેલી કારની ડિલિવરી આપી દીધી હતી. જેથી સિક્યુરિટી એજન્સી દ્વારા ફરિયાદીને આર્થિક નુકશાન થયું હતું.

જેમાં, સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડિશનલ)ના તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એસ.જે શેઠે ફરિયાદીની ફરિયાદ મંજૂર કરી કંપનીને થયેલા આર્થિક નુકશાનના રૂ. 4.73 લાખ વ્યાજ, વળતર તેમજ ખર્ચ સહિત ચૂકવી આપવા માટે સિક્યુરિટી એજન્સીને હુકમ કર્યો હતો.

આ હુકમથી નારાજ સિક્યુરિટી એજન્સીએ ગુજરાત રાજ્યની વડી ગ્રાહક અદાલત અમદાવાદ સમક્ષ અપીલ કરીને સુરત ફોરમના હુકમને રદ કરવા માટે દાદ માંગી હતી. પરંતુ ગુજરાત રાજ્યની વડી ગ્રાહક અદાલતે પણ સુરત જિલ્લા કમિશને કરેલો હુકમ સ્વીકારી સિક્યુરિટી એજન્સીની અપીલ રદ કરી હતી.

Most Popular

To Top