દરેક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતી યુવાનો ઝળકયાં છે. હાલમાં જ રાજકોટમાં અધધધ વિશાળ વૃદ્ધાશ્રમ બન્યું. તેમાં ફકત ગુજરાતનાં વૃદ્ધો રહી શકે એવું નહીં. ભારતનાં કોઇ પણ રાજ્યનાં વૃદ્ધ રહી શકે. બધું જ મફત. એક રૂપિયો આપવાનો નથી. ખાવાનું, પીવાનું, દવા, પર્યટન બધું જ સંસ્થા કરાવે. હાલમાં સમાચાર આવ્યા છે કે ભુજ તાલુકાના કોટાય ગામની મહિલાએ આહીર ભરતકામને ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડવાનું કામ કર્યું.
પ્રાથમિક શાળામાં ભણતા ચિત્રશિક્ષકને વિનંતી કરી કે મને આ ચિત્રકલામાં આગળ વધારો તો શિક્ષકે ના પાડી કે બ્રશ પકડવાનું કામ યુવતીઓનું નથી. ત્યારથી સોયદોરો પકડી અને ગુજરાતની એક આગવી આહિર ચિત્રકળાને કાપડ પર ઉતારી આંતરરાષ્ટ્રીય નામ કાઢયું. મહેણું ઘણી વાર અદ્દભુત સંશોધન કરે છે તેનો આ દાખલો છે. આ ધર્મિલાબેન નામ મહિલાઓ પોતે તો સોયદોરાથી કાપડ પર આહિર ચિત્રકલાને કંડારી પરંતુ સાથે 90-95 જેટલી બીજી બહેનોને પણ પોતે આ આહિર કલાને કાપડ પર ઉતારતાં શીખવ્યું. આજે વિદેશથી પણ આ કપડાના ઓર્ડરો મળે છે.
ધર્મિલાબેનને રાજ્યનો તો એવોર્ડ મળ્યો છે. હવે તેનું નામ નેશનલ એવોર્ડમાં બોલે છે.ધર્મિલાબેને નાની ઉંમરમાં ફિલ્મમાં પણ નામ કાઢયું છે. સાથે સાથે પોતાના ભાઈને પણ ભણાવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બુકબેંક ચલાવે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય તેનો આ પ્રયત્ક્ષ દાખલો છે. આ રીતે ભારતનાં બીજાં રાજ્યોનાં યુવાન યુવતી પોતાના ક્ષેત્રનો કસબ બતાવે તો ભારત જગવિખ્યાત દેશ તરીકે ઊભો રહે. ગુજરાત તેમજ બીજાં રાજ્યોનાં યુવાન-યુવતી વિચારે.
સુરત – કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સેલ્ફીનું ચક્કર
હમણાં હમણાં મોબાઈલના વપરાશની સાથે સાથે સેલ્ફીનું ચક્કર પણ જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં સેલ્ફી લેવાના પ્રયત્નો જોવા મળશે. સેલ્ફી લેવી એ એક કળા છે માત્ર હાથ લાંબો કરીને પોતાનો ફોટો લેવાથી એ માત્ર પાસપોર્ટ ફોટો બને છે, સેલ્ફી નહીં. સેલ્ફી લેવા માટે તમારે તમારા મોંઢાને શક્ય એટલું વધારે વાંકુચૂંકું કરવું પડે છે. આંખને કપાળ તરફ અને નાકને ગાલ પ્રદેશમાં કામગીરી સોંપવી પડે છે, હોઠ બને એટલા બહાર કાઢવાના અને સાથે હસવાનું પણ ખરું. આ સ્થિતિમાં રહીને તમારો હાથ તમારાથી શક્ય એટલો દૂર કરવાનો પછી સેલ્ફી લેવાની.
આ સેલ્ફીનું ગાંડપણ તો એટલે સુધી જોવા મળે છે કે સેલ્ફી લેતી વખતે સાવચેતી ન રાખવાને કારણે કેટલાંકે પોતાના જીવ પણ ગુમાવ્યાના અનેક દાખલા જોવા મળ્યા છે. સાંભળવા પણ મળ્યા છે. આ સેલ્ફી સૌથી વિશેષ યુવાન છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળે છે. બધાં ભેગાં થયાં ને ગ્રુપ ફોટો પાડવાનો હોય તો તરત જ સેલ્ફી લેવાશે. સેલ્ફી લો એમાં કાંઈ જ વાંધો નથી પરંતુ જરા સાવધાન રહીને લો તો સારી વાત છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.