Comments

આવનારા વર્ષોમાં સોશિયલ કોમર્સ ઈ-કોમર્સને હંફાવશે

દુનિયાની વસતિનાં ૮૦૦ કરોડમાંથી ૨૫૦ કરોડ લોકો ઈ-કૉમર્સના યૂઝર્સ છે. ઑનલાઈન ખરીદ-વેચાણનું માર્કેટ ૧૮ ટકાના દરે વધી રહ્યું છે, એમાંય વળી સોશ્યલ મિડિયાના માધ્યમથી ખરીદીનું ચલણ વધતું જાય છે. આજે ઈ-કૉમર્સનું ગ્લોબલ માર્કેટ ૨૧ ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી ગયું છે અને આગામી એક દાયકામાં ૭૫ ટ્રિલિયન ડૉલરે પહોંચવાનો અંદાજ છે. ઈ-કૉમર્સ માર્કેટ એટલે કે ઑનલાઇન ખરીદ-વેચાણ કરવાનો યુગ શરૂ થયા બાદ રીટેલ માર્કેટને મોટો ફટકો પડ્યો છે, પરંતુ તેમના માટે ઓનલાઇન ચીજવસ્તુઓ વેચવાનો અવસર પણ સર્જાયો છે.

બહુ જ ઓછા રોકાણથી, માત્ર બે-ત્રણ જરૂરી સર્ટિફિકેટ મેળવી લેવાથી ઘેર બેઠાં ઑનલાઇન ચીજવસ્તુઓ વેચીને રોજગારી મેળવનારાં સેંકડો લોકો છે. તેમના માટે ઈ-કૉમર્સ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. ઈ-કૉમર્સ એટલે ઈલેક્ટ્રૉનિક્સ કૉમર્સ. ટેક્નૉલૉજીની મદદથી ઇન્ટરનેટના માધ્યમે થતો વેપાર. ઈ-કૉમર્સના ૨૫૦ કરોડ યૂઝર્સમાંથી કરોડો લોકો ઈ-કૉમર્સના નિયમિત ગ્રાહકો છે.

એક જમાનામાં ઑનલાઇન પુસ્તકો અને ભેટસોગાદોથી ઈ-કૉમર્સની શરૂઆત થઈ હતી. બે દાયકા પહેલાં જ્યારે ઈ-કૉમર્સ માર્કેટ નવું નવું વિકસતું હતું, ત્યારે વેબસાઇટમાંથી ચીજવસ્તુનો ઑર્ડર આપવામાં આવતો હતો. શરૂઆતમાં બહુ મર્યાદિત ઉત્પાદનો જ ઑનલાઇન પર વેચવામાં આવતાં. ગ્રાહકોને બધી જ ચીજવસ્તુઓ ઑનલાઇન દ્વારા ખરીદવામાં વિશ્વાસ બેસતો ન હતો. દેખાય છે એવી જ પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચશે કે નહીં એ મુખ્ય મુદ્દો હતો, પણ ટૅક્નૉલૉજી વિકસી અને પ્રોડક્ટને ઑનલાઇન ચકાસવા માટે ફોટો, વિડિયો જોઈને નિર્ણય કરવાનું સરળ બન્યું પરિણામે આખી વાત જ બદલાઈ ગઈ. વેબસાઇટને બદલે ઍપ્લિકેશન્સ આવી, તો એનાથી સરળતા વધી અને હવે તો સોશ્યલ કૉમર્સનો ટ્રેન્ડ શરૂ થતાં શૉપિંગની પદ્ધતિમાં પુનઃ પરિવર્તન આવ્યું છે.

‘સોશ્યલ કૉમર્સ’નામની નવી વ્યાખ્યા અસ્તિત્વમાં આવી. એમાં બે બાબતો છે – સોશ્યલ મિડિયા અને કૉમર્સ, સોશ્યલ મિડિયામાં ખરીદ-વેચાણ થાય તેને સોશ્યલ કૉમર્સ કહેવાય છે. વેપારીઓ સોશ્યલ મિડિયામાં ચીજવસ્તુઓ વેચવા માટે મૂકે છે. ગ્રાહકો એના પર જ એ ઉત્પાદનને જુએ, એમાં રસ બતાવે છે અને એનો ઑર્ડર પણ ત્યાં જ આપે. આમ વેપારી-ગ્રાહક વચ્ચે સંપર્ક કરવાનો થાય, તોપણ એ સોશ્યલ મિડિયા પ્લૅટફૉર્મ પર જ થાય. બધો વેપાર સોશ્યલ મિડિયામાં થતો હોવાથી તેના માટે ઈ-કૉમર્સને બદલે સોશ્યલ કૉમર્સ શબ્દ વપરાય છે.

૨૦૦૫માં સોશ્યલ મિડિયાનો નવો નવો ઉદ્ભવ થયો હતો, ત્યારે યાહૂએ પહેલ- વહેલી વખત ‘સોશ્યલ કૉમર્સ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે વખતે હજી સોશ્યલ મિડિયામાં એટલા યૂઝર્સ ન હતા, આથી એ સમયે ઈ-કૉમર્સનો દબદબો શરૂ થયો હતો. સોશ્યલ કૉમર્સમાં માત્ર સોશ્યલ મિડિયા પ્લેટફૉર્મ્સ એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કે વૉટ્સએપ વગેરેનો સમાવેશ થાય છે.

આમ તો આ ઈ-કૉમર્સની જ પેટા શાખા છે. એની પદ્ધતિ પણ ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ જેવી જ છે, પરંતુ થોડી વધારે ‘સોશ્યલ’ છે! સોશ્યલ મિડિયામાં દોસ્તો સાથે ચેટ કરતાં, પોસ્ટ લાઈક કરતાં કે કૉમેન્ટ લખતાં લખતાં અચાનક કોઈ પ્રોડક્ટ ધ્યાનમાં આવે. એમાં વળી જાણીતા મિત્રની લાઇક-કૉમેન્ટ મળી હોય તો એ પ્રોડક્ટને ચેક કરવા મન પ્રેરાય ને એ રીતે ઈ-કૉમર્સ સાઇટ-એપમાં ગયા વિના જ સોશ્યલ મિડિયામાંથી જ ઑર્ડર મૂકી શકાય છે. આ ‘સોશ્યલ કૉમર્સ’નો ટ્રેન્ડ દેશ-દુનિયામાં ઝડપભેર વધતો જાય છે.

એમેઝોન-ફ્લિપકાર્ટ-અજીયો વગેરેમાં ભલે સેંકડો ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ એના રિવ્યૂ વાંચતી વખતે સોશ્યલ મિડિયામાં કોઈ ઉત્પાદનમાં પરિચિત મિત્રની લાઇક જેટલી વિશ્વસનીયતા ન આવે. ફ્રેન્ડ લિસ્ટમાંથી કોઈએ એ પ્રોડક્ટમાં રસ બતાવ્યો એટલે આપોઆપ રસ પડે, એ માનવસ્વભાવ છે. એ જ કારણ છે કે આજે સોશ્યલ કૉમર્સનું ગ્લોબલ માર્કેટ ૧૦૦૦ અબજ ડૉલરે પહોંચી ગયું છે ને ૩૦ ટકાના દરે આ ક્ષેત્ર વિકસી રહ્યું છે.

ભારતમાં અત્યારે સોશ્યલ કૉમર્સનું માર્કેટ સાત-આઠ અબજ ડૉલરનું છે, પણ પાંચેક વર્ષમાં વધીને ૮૫-૯૦ અબજ ડૉલર થઈ જશે. એ અરસામાં ભારતનું કુલ ઈ-કૉમર્સ માર્કેટ ૧૮૦ અબજ હશે અને એમાંથી ૮૦-૯૦ અબજ ડૉલરનો હિસ્સો સોશ્યલ કૉમર્સનો હશે. દેશમાં ૩૯ ટકાની ઝડપે આ ટ્રેન્ડમાં વૃદ્ધિ થઈ રહી છે.

ગ્લોબલ ઈ-કૉમર્સની તુલનાએ સોશ્યલ કૉમર્સનો આંકડો નાનો છે, પરંતુ સોશ્યલ મિડિયા પ્લૅટફૉર્મ્સ પરથી જ કરોડો-અબજો રૂપિયાનું શૉપિંગ થાય તે બહુ મોટી વાત ગણાય. સોશ્યલ મિડિયા શેરિંગ પ્લૅટફૉર્મ તો છે જ, પણ હવે બિઝનેસ પ્લેટફૉર્મ પણ બન્યું છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મમાંથી બહાર નીકળ્યા વગર જ એમાં જ વેચાણ- ખરીદીના વિકલ્પો મળે છે. વોટ્સએપ ચેટનો ઓપ્શન્સ પણ મળે છે. ઈ-કૉમર્સ કંપનીની કસ્ટમર હેલ્પલાઈન કરતાં યુઝર્સને વોટ્સએપનો વિકલ્પ વધારે ફ્રેન્ડલી લાગે છે. આ બધાં કારણોથી જ કદાચ એ યુઝર્સની પસંદ બને છે. આ ટ્રેન્ડ ઇશારો કરે છે કે કરોડો લોકોની શોપિંગની રીત ઝડપભેર બદલાઈ રહી છે.

ફેસબુક-ઈન્સ્ટામાં સ્પોન્સર્ડ બ્રાન્ડિંગનો યુગ શરૂ થયો છે, સેંકડો નાના વેપારીઓ કે ગૃહઉદ્યોગો વોટ્સએપના માધ્યમથી પોતાનું ઉત્પાદન લોકો સુધી પહોંચાડીને આજે હજારો રૂપિયાની કમાણી કરવા માંડ્યા છે. કોઈની ઓળખાણથી પ્રોડક્ટના ફોટો યૂઝર્સ સુધી પહોંચતા હોય છે એટલે ઈ-કોમર્સમાં ગમે તે વસ્તુ પધરાવી દેવાના બનાવો બને છે તે આમાં ઓછા જોવા મળે છે. સોશ્યલ મિડિયાના બિઝનેસ એકાઉન્ટ્સમાંથી હવે છૂટથી લે-વેચ થાય છે.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી એ વેપાર વધુ સરળ બન્યો છે. કદાચ એટલે જ ભારતમાં સોશ્યલ કૉમર્સનો ટ્રેન્ડ દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ ઝડપે આગળ વધી રહ્યો છે. સોશ્યલ મિડિયા શરૂઆતમાં માત્ર ફીલિંગ્સ શેરિંગ પ્લેટફોર્મ્સ હતું, પણ ઓડિયન્સ વધ્યું તેમ એનો ઉપયોગ આર્થિક ફાયદામાં કરવાના ઉપાયો કંપનીઓએ શોધી કાઢવા. શેરિંગ પ્લેટફોર્મ્સ આજે બિઝનેસ હબ બનીને ઊભર્યાં છે. આગામી વર્ષોમાં સોશ્યલ કૉમર્સ ઈ-કોમર્સને હંફાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.
હરિત મુનશિ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top