હજુ થોડા દિવસો પહેલા જ બરેલી-બદાયુન રોડ પર ગુગલ મેપની ભૂલને કારણે કાર રામગંગા નદીમાં પડતા ત્રણ લોકોના મોતની ઘટના બની હતી ત્યારે બરેલીમાં ફરી એકવાર ગુગલ મેપના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ અકસ્માતમાં ત્રણ મિત્રોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. મંગળવારે સવારે ગ્રામજનો બહાર આવ્યા ત્યારે જોયું કે એક સફેદ રંગની કાર સૂકી કેનાલમાં પડી હતી. તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેઈનની મદદથી કારને બહાર કાઢી અને ત્રણેય યુવકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ત્રણેયની હાલત સામાન્ય છે.
આ અકસ્માત બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પીલીભીત રોડ પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુગલ મેપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો મુજબ જઈ રહેલી એક કાર કાલાપુરની સૂકી નહેરમાં પલટી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ યુવકો કાનપુરથી પીલીભીત જઈ રહ્યા હતા. માર્ગ શોધવા માટે ગૂગલ મેપની મદદ લીધી પરંતુ ગુગલે ખોટો રસ્તો બતાવ્યો હતો. આ અકસ્માત પીલીભીત બાયપાસ પર નહેર સાથેના નાના રસ્તા પર થયો હતો.
ઔરૈયાનો રહેવાસી દિવ્યાંશુ સિંહ બે મિત્રો સાથે સેટેલાઇટ અને ગૂગલ મેપની મદદથી પીલીભીત જઈ રહ્યો હતો. બરકાપુર તિરાહા ગામ પાસે કાલાપુર કેનાલ પાસે રસ્તો કાપી નાંખવામાં આવ્યો છે. જેના કારણે કાર કેનાલમાં પલટી ગઈ હતી. આ ઘટના સવારે 6 વાગ્યે બની હતી. કારમાં ત્રણ લોકો હતા. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેન વડે કારને કેનાલમાંથી બહાર કાઢી હતી.
સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં નહેરની અંદર પાણી ન હતું. જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં સુકી કેનાલ હતી. જો પાણી હોત તો કદાચ ત્રણેય યુવકોએ જીવ ગુમાવ્યો હોત. કેનાલમાં પાણી ન હોવાથી યુવક કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને ત્રણેયના જીવ બચી ગયા હતા.
આવી જ ઘટના 24મી નવેમ્બરે પણ બની હતી
ગૂગલ મેપ પર ખોટો રસ્તો બતાવવાને કારણે 24મી નવેમ્બરે બરેલીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. બદાઉનના દાતાગંજથી બરેલીના ફરીદપુર જવાના રસ્તા પર મુડા ગામ પાસે એક પુલ છે જે અધૂરો છે. 24 નવેમ્બરે કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રો અકસ્માતનો શિકાર બન્યા હતા. તે ગૂગલ મેપની મદદથી આગળ વધ્યા અને બ્રિજ પૂરો થતાં જ તેમની કાર 20 ફૂટ નીચે પડી, જેમાં ત્રણેયના મોત થયા.