National

મહારાષ્ટ્ર: મહાયુતિની બેઠક પહેલા એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ, કહ્યું- ‘સારું છે’

મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે જેના પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે અને તે પહેલા રાજકીય વર્તુળોમાં કંઈ પણ થઈ શકે છે. આજે જ મહાયુતિની મહત્વની બેઠક યોજાવાની હતી, તે પહેલા જ શિંદેની તબિયત લથડી હતી. ડૉક્ટરોએ એકનાથ શિંદેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર અને સાંસદ શ્રીકાંત શિંદે પણ એકનાથ શિંદે સાથે છે. ડોક્ટરોની ટીમ કેટલાક ટેસ્ટ કરશે અને પછી રિપોર્ટ આપશે. શિંદે સતત તાવ અને ગળામાં ઈન્ફેક્શનથી પીડિત છે.

સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચેકઅપ કરાવવાની સલાહ આપી છે. તેમની તબિયત વિશે પૂછવામાં આવતા મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ કહ્યું, “સારું છે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર મહાયુતિની જીત બાદ એકનાથ શિંદેનું સન્માન કરવામાં આવી રહ્યું નથી અને તેમને શપથ સમારોહની તારીખ, સ્થળ અને અન્ય નિર્ણયો લેવા માટે પૂછવામાં આવ્યું નથી, ત્યારે એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને ગૃહવિભાગ સહિત માન સન્માનની ચિંતા છે તેમજ ગુસ્સો છે.

તમને જણાવી દઈએ કે મહાયુતિની આ બેઠક આજે બપોરે 3 વાગ્યે એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે. આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે.

Most Popular

To Top