ઘણી વાર નવાઈ લાગે છે કે શું આપણા દેશમાં જ આટલા પુરાવાની જરૂર પડતી હશે કે વિશ્વના દરેક દેશમાં આવું જ હશે? સવાલ એ પણ થાય કે શું આપણા દેશમાં પણ દરેકને આ બધા પુરાવાની જરૂર પડતી હશે કે ફકત સામાન્ય માણસને જ.જન્મનો દાખલો, મરણનો દાખલો,આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ,મા અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ.
આ સિવાય પણ સામાન્ય માણસને કોઈ પણ સરકારી કચેરીમાં કંઈ પણ કામ કરાવવું હોય તો અન્ય પુરાવામાં રહેઠાણનો પુરાવો,વેરા બિલ,લાઈટ બીલ,ગેસ બિલ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સ.નવાઈ વાત તો એ કે ઘણી વાર તો એક પુરાવો મેળવવા પણ બીજો પુરાવો આપવો પડે. હાસ્યાસ્પદ પરિસ્થિતિ બની જાય.આટલું બધું હોવા છતાં,આટલી સરકારી મશીનરી અને આટલાં બધાં સરકારી કર્મચારી હોવા છતાં જેને જે પણ ફ્રોડ કે ખોટું કરવું છે એ તો થઈ જ જાય છે.દિવસે ને દિવસે પરિસ્થિતિ એવી બની રહી છે કે ખોટું કરો તો સરકાર અને સરકારી વ્યવસ્થા તમને મદદ કરે અથવા તો કંઈ ન કરે પણ સાચું કરો તો તો તમને હેરાન જરૂર કરે જ.
પછી એ જ સામાન્ય માણસનો સામાન્ય ડાયલોગ સત્ય જ પરેશાન થાય,સત્યની જ કસોટી થાય,કુદરત બધું જ જુએ છે ને વગેરે વગેરે.આ બધા જ પ્રકારના કાગળિયા ભેગા કરો, વારંવાર એમાં સુધારા કરો,નિયમો બદલો અને લોકોને લાઈનમાં જ રાખો. આવા જ કામમાં પરોવેલા રાખો.સરકારી તંત્ર એટલું ચપળતાથી કામ કરે કે ટ્રાફિક સિગ્નલ પર લાગેલા કેમેરા કિલોમીટર દૂર રહેતા વ્યકિતના ઘરે મેમો મોકલી શકે પણ ઘણી વાર પોલીસ સ્ટેશનથી નજીક દારૂ વેચાતો હોય તો નહીં.ક્યાં સુધી આમ જ ચાલશે? એમાં પાછા અમુક સિંઘમનો વ્હેમ રાખે.કોઈ નેતા કે કોઈ મોટાં માથાંનાં નામ કોઈ પણ ગુનામાં આવે ત્યારે બધી જ સિંઘમગીરીની હવા ફુશ.શ.શ.થઈને નીકળી જાય.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.