પ્રતિનિધિ વડોદરા તા.1
કોલેજમાં અભ્યાસ કરતા યુવક સાથે યુવતીએ મિત્રતાના સંબંધ તોડી નાખતા યુવકે તેણીનો પીછો કરીને હેરાન પરેશાન કરવા સાથે સંબંધ રાખવા દબાણ કરે છે. યુવતી જ્યાં નોકરી કરે છે તે ક્લિનિક તથા ઘરની સામે આવીને ઉભો રહી જાય છે. ઉપરાંત ફિયાન્સને યુવતીની વિરુદ્ધના ખોટા લખાણના લેટરો તથા યુવક સાથેના ફોટા મોકલી સગાઇ તોડવાનો પણ પ્રયાસ કર્યો છે. જેથી યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં અવારનવાર પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા એકતરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા યુવતીઓને હેરાન પરેશાન કરી તેમની છેડતી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોધાયા છે. ત્યારે એવો જ એક કિસ્સો વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી સોસોયટીમાં રહેતી 27 વર્ષીય યુવતી સાથે બન્યો છે. જેમાં એવી વિગત છે કે વર્ષ 2014માં યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન ભાવિક હરકિશન ચુડાસમા (રહે. કંડારી ગામ તા. કરજણ, હાલ દિવાળીપુરા) પણ યુવતી સાથે અભ્યાસ કરતો હતો.તે સમય દરમિયાન યુવતીને યુવક સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ યુવતીએ તેની સાથે મિત્રતા તોડી નાખી હતી અને યુવતીએ તેના દુર રહેવા તથા વાતચીત નહી કરવા માટે પણ કહ્યું હતું. ઉપરાંત મિત્રતાના કોઇ સંબંધ નહી રાખવા માટે પણ સમજાવ્યો હતો તેમ છતાં યુવક તેના મોબાઇલ નંબર પરથી ફોન કરીને યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. જેથી યુવતે તેનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. જેથી ભાવિક ચુડાસમા અવાર નવાર અલગ અલગ મોબાઇલ નંબરથી યુવતીને ફોન કરી તથા મેઇલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતી અકોટા વિસ્તારની ક્લીનમાં નોકરી પર જતી હતી ત્યારે ક્લિનિક તથા ઘર પાસે આવીને ઉભો રહી જતો હતો. ઉપરાંત તેનો પીછો કરીને કરીને હેરાન પરેશાન કરતો હતો. યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ છે તેના ઘરે પણ પોસ્ટ દ્વારા યુવતી વિરુદ્ધ ખોટુ ખોટુ લખાણ લખેલા લેટર તથા યુવક સાથેના ફોટા પણ યુવતીના ફોટા ફિયાન્સને મોકલી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હોય યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.