નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરતી વખતે BRICS દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે બ્રિક્સ દેશો પર યુએસ ડોલર સિવાય અન્ય કોઈપણ ચલણમાં વેપાર કરવા પર 100% ટેરિફ લાદવાની વાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે અમને બ્રિક્સ દેશો પાસેથી એવી ગેરંટી જોઈએ છે કે તેઓ વેપાર માટે અમેરિકી ડૉલરની જગ્યાએ કોઈ નવું ચલણ નહીં બનાવશે અને ન તો અન્ય કોઈ દેશના ચલણમાં વેપાર કરશે. જો BRICS દેશો આમ કરે છે તો તેઓને યુએસમાં તેમની નિકાસ પર 100% ટેરિફનો સામનો કરવો પડશે. ઉપરાંત અમેરિકન બજારમાં માલ વેચવાનું ભૂલી જવું જોઈએ. ટ્રમ્પે કહ્યું- વેપાર માટે ડોલરને બદલે અન્ય કરન્સીનો ઉપયોગ કરવાની કોઈ જગ્યા નથી. જો કોઈ દેશ આવું કરે તો તેણે અમેરિકાને ભૂલી જવું જોઈએ.
બ્રિક્સમાં ભારત, રશિયા અને ચીન સહિત 9 દેશો સામેલ છે. તે ઉભરતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે. બ્રિક્સ દેશો વચ્ચે ચલણ બનાવવા પર અત્યાર સુધી કોઈ સર્વસંમતિ નથી. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ વર્ષે રશિયામાં આયોજિત બ્રિક્સ દેશોના શિખર સંમેલન પહેલા તેના ચલણને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. જો કે સમિટ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કરી દીધું હતું કે બ્રિક્સ સંગઠન પોતાનું ચલણ બનાવવાનું વિચારી રહ્યું નથી. જોકે સમિટમાં બ્રિક્સ દેશોની પોતાની પેમેન્ટ સિસ્ટમ અંગે ચર્ચા થઈ હતી. વૈશ્વિક સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમની તર્જ પર આ પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ હતી. ભારતે બ્રિક્સ દેશોને પેમેન્ટ સિસ્ટમ માટે તેની UPI ઓફર કરી હતી.
જણાવી દઈએ કે SWIFT નેટવર્કની શરૂઆત 1973માં 22 દેશોમાં 518 બેંકો સાથે થઈ હતી. હાલમાં તેમાં 200 થી વધુ દેશોની 11,000 બેંકો સામેલ છે. જેઓ તેમના વિદેશી મુદ્રા ભંડારને અમેરિકન બેંકોમાં રાખે છે. હવે બધા પૈસા વ્યવસાયમાં રોકાતા નથી તેથી દેશો તેમના વધારાના નાણાં અમેરિકન બોન્ડમાં રોકે છે જેથી તેમને થોડું વ્યાજ મળી શકે. તમામ દેશો સહિત આ નાણાં લગભગ 7.8 ટ્રિલિયન ડોલર છે. એટલે કે ભારતની અર્થવ્યવસ્થા કરતાં બે ગણી વધારે. અમેરિકા આ પૈસાનો ઉપયોગ તેના વિકાસ માટે કરે છે.